કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા દાવો કર્યો હતો કે, દેશના ગરીબો, દલિતો, ખેડૂતો અને કામદારોનો અવાજ એક દિવસ ‘તોફાન’ બનીને તેમને પ્રધાનમંત્રીના આવાસમાંથી બહાર ફેંકી દેશે.તેમણે કહ્યું કે, દેશની જનતા દેશની વર્તમાન પરિસ્થિતિને સમજે છે અને કૉંગ્રેસ અને તેના આગળના સંગઠનોનું કામ તેમને યાદ અપાવવાનું છે કે તેમણે કોઈ પણ સત્તાથી ડરવાની નથી, પરતું તેને પડકારવાની જરૂર છે.
રાહુલ ગાંધીએ જંતર-મંતર પર ‘હલ્લા બોલ’ વિરોધમાં પક્ષના કાર્યકરોને સંબોધન કરતાં કહ્યું કે, ગરીબ, દલિતો, ખેડૂતો અને કામદારોનો અવાજ દેશમાં સાંભળવામાં આવશે. તે ધીરે ધીરે વેગ પકડશે અને તોફાનમાં ફેરવાશે જે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી આવાસમાંથી બહાર ફેંકી દેશે.
કૉંગ્રેસના એસસી/એસટી વિભાગે દલિતો પર કથિત અત્યાચાર સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.
આ વિરોધમાં પી ચિદમ્બરમ, કેસી વેણુગોપાલ, નીતિન રાઉત, સુષ્મિતા દેવ અને દિલ્હી યુનિટના અધ્યક્ષ અનિલ કુમાર સહિત કૉંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ પણ હાજરી આપી હતી