આજે જુદા જ કચુંબરની વાત કરવી છે. કચુંબર એટલે કોઈ ગેરસમજ, ગરબડ ગોટાળો અને સેળભેળ જેવા અર્થમાં પણ વપરાય છે. કચુંબર એટલે છિન્ન-ભિન્નતા. કોઈને સખત માર મારવામાં આવે તો કચુંબર કરી નાખ્યું એમ કહેવામાં આવે છે. કચુંબર થવું એટલે ભાંગીને છુંદાઈ જવું, છુંદો થઈ જવો એવો અર્થ પણ કરવામાં આવે છે. આજની ખાણીપીણી, ડાન્સ, ગરબા, મુશાયરા, ડાયરા, ઢોલ, બેડવાજાં – જે આવ્યું તે, બધું જાણે કચુંબર! પોપ્યુલર – જાણીતા, મશહૂર થવા માટેની જે સસ્તી રીલ બને છે, કહેવાતા ટી.વી.શો અને સોશિયલ મીડિયા – પ્લેટફોર્મમાં હાલ જે કોમેડી, નબળી ભાષામાં વાત થઈ રહી છે તે સાવ અધકચરી હોય છે. એમાં વાંક દેખીતો નબળી પ્રજાનો છે. પ્રજા વાહ વાહ કરે એટલે પેલાં નટ કે નટી વધારે મીઠું મરચું સાથે મસાલા ભભરાવીને પીરસે છે. ટૂંકમાં સસ્તી પ્રસિદ્ધિ માટે ભાષા એટલે કે વાણી અને વર્તનનું કચુંબર કરનારા અને તેમને આગળ કરનારા સૌ કોઈ દોષિત છે. અહીં માફી માંગી લીધી એટલે બધું બરાબર એ તો આપણી નબળાઈ કહેવાય. પ્રજા જાગ્રત બને તે જરૂરી છે. આપણી ધરોહર, સંસ્કૃતિને ધ્યાનમાં રાખી વાણી, વર્તન કરીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પેટ્રોલ પંપ : ગતિમાન ભારતનો ફોટોગ્રાફ
કેટલાયે પ્રસંગો સ્મૃતિમાં છે, જ્યારે પેટ્રોલ પંપ મને કુંટુબીજનોની જેમ પોતિકા લાગ્યા છે. અનેક યાત્રાઓ દરમિયાન તેમના પરિસરનો ઉપયોગ રસોઈ માટે, જમવા માટે કે શૌચક્રિયા માટે કર્યો હશે. આ નગણ્ય લાગતી મૂક સેવાનું મૂલ્ય ખરેખર અમૂલ્ય છે. કોઇપણ પેટ્રોલપંપ પર શૌચાલય અને પીવાનું શુદ્ધ પાણી તો મળશે જ, આ બાબત મુસાફરી દરમિયાન ખૂબ સગવડભરી અને શાતા આપનારી બાબત બને છે. હમણાં પ્રયાગરાજ મહાકુંભમાં જવાનું થયું. નાનકડા રોકાણ માટે કંઇક યાદ આવ્યું તો પ્રથમક્રમે પેટ્રોલપંપ યાદ આવ્યો.
અમારા પહેલાં લગભગ ૮-૧૦ ગાડીઓ પરિસરમાં પાર્ક હતી. પોતાના સામાન નાંખીને ઘસઘસાટ ઉંઘતા પ્રવાસીઓ વચ્ચે અમે પ્રવેશ લીધો. લગભગ ચારેક કલાકનો નિર્ભિકતાથી આરામ લીધો. ટેન્ક ફૂલ હતું એટલે ફ્યુઅલ ભરાવ્યા વિના શાંતિથી નીકળી ગયા. મને આ મૂક સેવાનું મૂલ્ય અમૂલ્ય લાગ્યું. દેશભરનાં પેટ્રોલ પંપો વિવિધ કારણોસર ક્યારેક ક્યારેક વિવાદમાં આવે છે, પરંતુ આ જ પેટ્રોલ પંપો સામાજિક દાયિત્વમાં પાછા નથી રહ્યા તે પણ સ્વીકારવું પડે. ઉપરાંત તેઓ નાના માણસોની રોજી માટે આશ્રયદાતા બન્યા હશે. મને કેટલાક પેટ્રોલ પંપો પર્યાવરણ કે અન્ય સામાજિક નિસબતને અગ્રેસર કરી પ્રેરક બન્યા હોય તેવા દાખલા પણ યાદ છે. ભારતની વિકાસદોડમાં કદમ મિલાવી રસ્તાની બાજુમાં સ્થિત થયેલા પેટ્રોલ પંપોને પણ એક નાનકડી સલામ.
વલસાડ – પ્રા. કિરણ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
