નવી દિલ્હીઃ ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’માં વિલનનું પાત્ર ભજવનાર જોશુઆ બર્ટ પેરિસ ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમ માટે રિઅલ લાઈફમાં વિલન જેવું કામ કર્યું છે. ગ્રેટ બ્રિટન અને ભારત વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચ બાદ જોશુઆ બર્ટ ફરી ચર્ચામાં આવી ગયા છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારત અને ગ્રેટ બ્રિટનની ટીમ વચ્ચે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચ બાદ જોશુઆ બર્ટ ચર્ચામાં છે. આ મેચમાં કેટલાંક ખોટા નિર્ણયો લેવાયા હતા, જેની અસર ભારતના પ્રદર્શન પર પડી હતી. ભારતીય પુરૂષ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024ની ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને શૂટઆઉટમાં 4-2થી હરાવીને સેમિફાઇનલમાં પહોંચી હતી, પરંતુ મેચ દરમિયાન લેવાયેલા ખોટા નિર્ણયો ચર્ચામાં છે. આ મેચમાં ભારતે 80 ટકાથી વધુ સમય માટે 11ની જગ્યાએ 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું.
કારણ કે ભારતીય ડિફેન્ડર અમિત રોહિદાસને પહેલા હાફમાં રેડ કાર્ડ આપવામાં આવ્યો હતો. રેડ કાર્ડ બાદ અમિત રોહિદાસ પર આગામી મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ પ્રતિબંધ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’માં વિલનનું પાત્ર ભજવનાર જોશુઆ બર્ટે લગાવ્યો હતો.
જોશુઆ બર્ટ કોણ છે?
જોશુઆ બર્ટ એક ઓસ્ટ્રેલિયન અભિનેતા છે. તે ભારતમાં શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘ચક દે!’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં બર્ટે ખલનાયકની ભૂમિકા ભજવી હતી અને હવે વાસ્તવિક જીવનમાં તે ભારત માટે વિલન બની ગયો છે કારણ કે તેણે અમિત રોહિદાસને સસ્પેન્શન લેટર ઈશ્યુ કર્યો હતો.
બર્ટે ‘ચક દે ઈન્ડીયા’ ફિલ્મમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમના કોચની ભૂમિકા ભજવી હતી. 52 વર્ષીય જોશુઆ બર્ટ હાલમાં ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH)ના ટેકનિકલ પ્રતિનિધિ છે અને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં આ ભૂમિકામાં જોવા મળે છે. પરંતુ હવે બર્ટ ફરી એકવાર લાઈમલાઈટમાં આવી ગયો છે.