સુરત(Surat) : શહેરના ઉધના (Udhna) ઝોનમાં સમાવિષ્ટ વડોદ (Vadod) ગામે આજે મહાનગર પાલિકાની ટીમ (SMC) દ્વારા ટી.પી. 71માં સમાવિષ્ટ બે ખેતરોમાંથી (Farm) રસ્તો (Road) બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જો કે, મહાનગર પાલિકા દ્વારા આ સ્થળે જમીનનો કબ્જો મેળવીને રસ્તો બનાવવાનો પ્રારંભ કરવામાં આવે તે પહેલાં જ ખેડૂતો (Farmer) સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા.
સુરત મહાનગર પાલિકાની કામગીરીનો સ્થાનિકો દ્વારા ભારે વિરોધ (Protest) કરવાની સાથે બિલ્ડરના (Builder) મેળાપીપણામાં અધિકારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. એક તબક્કે મહિલાઓ જેસીબી મશીનની સામે ધરણાં પર બેસી જતાં મામલો તંગ બન્યો હતો. જેને પગલે સ્થાનિક પોલીસ સહિત મહાનગર પાલિકાના માર્શલના જવાનોનો પણ ખડકલો કરી દેવામાં આવ્યો હતો.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર હાલમાં જ ઉધના ઝોન -એમાં સમાવિષ્ટ વડોદ ગામે ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. 71 મંજુર કરવામાં આવી હતી. આ ટી.પી. અંતર્ગત બે ખેતરો વચ્ચેથી રસ્તાની કામગીરી આજે સવારે મહાનગર પાલિકા દ્વારા હાય પરવામાં આવી હતી.
જો કે, જેસીબી સહિતની ટીમને જોઈને ખેતરના માલિકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગાં થઈ ગયા હતા. બે ખેતરોની વચ્ચેથી પસાર થતાં રસ્તાનો કબ્જો લેવા માટે પહોંચેલા અધિકારીઓ અને મનપાની ટીમ પણ સ્થાનિકોના ટોળાંને જોઈને એક તબક્કે સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થાનિક ખેડૂતો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા મનપાની આ કામગીરીનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જો કે, પોલીસને જોઈને મહિલાઓમાં વધુ રોષ ફાટી નીકળ્યો હતો અને જેસીબીની કામગીરી અટકાવવા માટે મહિલાઓ સ્વયં જેસીબીની સામે બેસી ગઈ હતી. એક તરફ સ્થાનિકો અને ખેડૂતો દ્વારા મહાનગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા બિલ્ડરોના ખોળે બેસીને આ કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ મહાનગર પાલિકાની આ કામગીરીને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. જેને પગલે હાલ સુરત મહાનગર પાલિકા દ્વારા કામગીરી મુલ્તવી રાખવાની ફરજ પડી હતી.
વિરોધને પગલે મનપાની ટીમ રવાના થઈ ગઈ
વડોદ ગામે ટી.પી. 71માં બે ખેતરો વચ્ચેથી 40 ફુટના રસ્તાનો કબ્જો મેળવવા માટે પહોંચેલી મનપાની કીમનો સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો તો. એક તબક્કે રસ્તાનો કબ્જો મેળવવા માટે જેસીબી મશીન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતાં મહિલાઓ દ્વારા જેસીબી મશીનની સામે જ બેસી જતાં મારે હોબાળો મચી જવા પામ્યો હતો. બિલ્ડરના ખોળે બેસીન વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ગ્રામીણો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવતાં મનપાની ટીમ પણ અંતે રવાના થઈ ગઈ હતી.