હાલોલ: હાલોલ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી સંપન્ન થયા બાદ તાલુકા પંચાયતની ૨૩ બેઠકો માટે ૬૫.૧૦ ટકા જ્યારે જિલ્લા પંચાયતની ૫ બેઠકો માટે ૬૯.૪૫ ટકા મતદાન થયેલ છે. હાલોલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૪૬૭૬૦ પુરુષ જ્યારે ૪૦૪૨૮ સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું.
ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામમાંથી તરીયાવેરી ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં આવેલ હોવાથી, ગ્રામજનોએ તેનો સખત વિરોધ કરી, તંત્ર દ્વારા ઉપરોક્ત નિર્ણય પાછો ખેંચવામાં નહી આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની જે ચિમકી ઉચ્ચારવામાં આવેલ હતી, તેને મતદાનના દિવસ દરમિયાન તરીયાવેરી ગામના યુસુફ ફળીયામાં ઉભા કરવામાં આવેલ બુથમાં એક પણ મત નહી નાખી, તેમની ચિમકીને સાર્થક કરવામાં આવેલ હતી. જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે મોડી સાંજ સુધી ઘોઘંબા તાલુકામાં અંદાજે ૫૦% જેટલું મતદાન થયું હોવાનું સૂત્રોએ જણાવેલ હતુ્.
પ્રાપ્ત થયેલ માહિતી મુજબ રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત હાલોલ તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયતની બેઠકો માટે ૬૫.૧૦% જેટલું મતદાન થયું હોવાનું સૂત્રોએ જણાવેલ હતું. જ્યારે ભારે મતદાન થયેલ હોવાથી ઉમેદવારો ચિંતામાં મુકાઈ ગયા હતા, જેથી ચૂંટણી પરીણામમાં ભારે રસાકસી રહેશે તેવું ચર્ચાઈ રહ્યું હતું.
જ્યારે પંચમહાલ જીલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર થયો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ટુંક સમય પૂર્વે પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામમાંથી તરીયાવેરી ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં આવેલ હતું, જેનો ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, ને ત્યાંના યુસુફ ફળીયાના લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચિમકી આપવામાં આવેલ હતી, તેમ છતાં તંત્ર દ્વારા કે ચૂંટણી લડનાર ઉમેદવારનું ગ્રામજનોની ઉપરોક્ત ચિમકીથી પેટનું પાણી હાલ્યું ન હતું.
તેમજ તંત્ર દ્વારા ગામના યુસુફ ફળીયામાં ઉભા કરવામાં આવેલ બુથ પર રવિવારના રોજ દિવસ દરમિયાન ગામના એક પણ મતદારે મત નહીં નાંખી તેમની ચિમકીને સાર્થક કરી બતાવી હતી. તેમ છતાં કોઈ પણ સત્તાધીશો ત્યાં ફરક્યા ન હતા, જેથી ગ્રામજનોમાં વધુ રોષ ભભુક્યો હતો.