દાહોદ : દાહોદ તાલુકાનાં જાલત ખાતે ભૂરીયા ફળિયાના રહીશોને રસ્તાના અભાવે કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે અનેકવાર રજૂઆતો બાદ પણ સમસ્યાનું નિવારણ નથી આવી રહ્યું. હદ તો ત્યારે થાય જ્યારે કોઈ વ્યક્તિના મોત બાદ પણ નનામી લઈને જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો જો કોઈ વ્યક્તિ બીમાર હોય અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવું પડે તો પણ આવી પરિસ્થિતિમાં જ પસાર થવું પડે છે. સરકાર અનેક વિકાસના દાવાઓ કરી રહી છે આદિજાતિ વિસ્તારોમાં ગામડે ગામડે રોડ, વીજળી અને સુવિધાના મોટા મોટા દાવા થઈ રહ્યા છે પરંતુ દાહોદ તાલુકાનાં જાલત ખાતે સરકારના તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.
જાલતના ભૂરીયા ફળિયામાં આશરે 300 જેટલા ઘરો આવેલા છે અને આ વિસ્તારના રહીશોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્મશાન ખાતે જવા માટે આજદિન સુધી રસ્તો નથી મળ્યો કાચી માટીના રસ્તા ઉપરથી પસાર થવા મજબૂર છે. સૌથી વધુ કફોડી હાલત ચોમાસામાં થાય છે. જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો તેની અંતિમક્રિયા માટે નનામી લઈને સ્મશાન સુધી જવું એટ્લે સ્થાનિકો માટે કપરી સ્થિતિ સર્જાય છે.
આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાહન તો દૂરની વાત અહી થી પગપાળા જવું એ પણ મુશ્કેલી ભર્યું કામ છે પગ મૂકતાં જ ઘૂટ્ણ સુધી પગ કીચડમાં ખુપી જાય છે એવા રસ્તા ઉપરથી નનામી લઈને પસાર થવું પડે છે. કોઈ વ્યક્તિ બીમાર થાય તો પણ આજ સ્થિતિમાં પગપાળા લઈ જવા પડે છે. આવી સ્થિતિમાં સ્મશાન પહોચ્યા પછી પણ સ્મશાનની પણ સગવડ નથી નદી કિનારે ખુલ્લામાં અંતિમક્રિયા કરવી પડે છે વર્ષો થી આ વિસ્તારની આજ દયનીય હાલતમાં રહેતા ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરવા છતા રસ્તો બની રહ્યો નથી.