Business

વાંસની બનાવટોમાં અવ્વલ અને ડાંગના વઘઈ તાલુકાનું ગામ એટલે : ચિચીનાગાવઠા

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ અને વઘઇથી આહવાને જોડતા રાજ્ય ધોરી માર્ગને અડીને આવેલું ચિચીનાગાવઠા ગામ ટેકરાળ અને સમથળ ભૂમિ ઉપર ધબકતું ગામ છે. ચિચીનાગાવઠા ગામ નજીકથી ખાપરી નદી પસાર થાય છે. જેથી અહીં બારેમાસ પાણીની ભરપૂર સગવડો જોવા મળી રહે છે. અહીં દરેક ક્ષેત્રોમાં વિકાસ જોવા મળી રહ્યો છે. શિક્ષણની સાથે સાથે પશુપાલન, આંબાવાડી, બાગાયતી તથા શાકભાજીની ખેતી કરી લોકજીવન આર્થિક રીતે સધ્ધર બનવાના પ્રયાસો કરી રહ્યું છે. સાથે જ આ ગામમાં કોટવાળીયા વસાહતના લોકો વાંસમાંથી વિવિધ બનાવટો બનાવી ડાંગ જિલ્લાના સમૃદ્ધ વારસા અને વર્ષોથી ચાલી આવેલી પરંપરાને આજેપણ અકબંધ રાખી આગળ ધપાવી રહ્યા છે. અહીં ચોતરફ ઘટાદાર વૃક્ષો જોવા મળે છે. હાલમાં આ ગામ રોજગારી, શિક્ષણ, નોકરી, પશુપાલન, ખેતીવાડી, અને જંગલોનાં સંરક્ષણ ક્ષેત્રે વિકાસનાં ડગલાં ભરી આગળ ધપી રહ્યું છે. અહીં ચોતરફ કુદરતી સૌંદર્ય અને નયનરમ્ય દૃશ્યોમાં કાચાં-પાકાં ઘરોની આહલેક વચ્ચે ગામડાંની અદભૂત ઝલક જોવા મળે છે. ડાંગના વઘઇ-આહવા રાજ્ય ધોરી માર્ગના વઘઇ-કુડકસ થઈ ચિચીનાગાવઠા ગામ નજીક પડે છે. જ્યારે આ ગામમાં જવું હોય તો આહવા-પીંપરી થઈને પણ જઈ શકાય છે. પરંતુ આહવાથી દૂરનું અંતર થાય છે. જ્યારે વઘઇથી નજીકનું અંતર થાય છે. રાજ્ય ધોરી માર્ગ થઈ વઘઇ, વાંસદા અને બારડોલી, સુરત તરફ પણ જઈ શકાય છે. જ્યારે મુખ્ય મથક આહવાને પણ આ ગામનો માર્ગ સીધો જોડે છે. ખાપરી નદીને કારણે બારેમાસ પાણીનો સંગ્રહ રહે છે. આ ગામમાં ચોમાસા અને શિયાળાની ઋતુમાં કુદરતી સંપદા પણ જાજરમાન દેખાય છે. અગાઉ ચિચીનાગાવઠા ગામનાં જંગલો સહિત જમીન પીંપરી સ્ટેટના રાજાના રજવાડામાં આવતી હતી. ચિચીનાગાવઠા ગામ વિસ્તારમાં સૌપ્રથમ કુનબી અને કોંકણી જાતિના લોકોએ વસવાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે. અહીં જ્યારે લોકો વસવાટ કરવા માટે આવ્યા ત્યારે તેમને આ વિસ્તારમાં ઘણા બધા ચિચનાં વૃક્ષો એટલે કે આંબલીનાં વૃક્ષો જોવા મળ્યાં હતાં. જેથી અહીં ‘ગાવઠા’ એટલે કે સમથળ અને ટેકરાળ ‘જમીનનાં વિસ્તારમાં’ ઘણાબધા ‘ચિચીનાં વૃક્ષો’ પરથી આ ગામનું નામ ચિચીનાગાવઠા પાડી લોકોએ પશુપાલન સાથે વિધિવત રીતે વસવાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે. બાદ ભીલ અને વારલી તેમજ કોટવાળીયા આદિમ જૂથ જાતિના લોકોએ વસવાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે. આ ગામમાં સો ટકા આદિવાસી લોકો વસવાટ કરે છે, જેમાંથી સૌથી વધુ કોંકણી, કુનબી ભીલ અને વારલી, કોટવાળીયા આદિમ જૂથ જ્ઞાતિના છે. આ ગામના 60 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. જ્યારે 40 ટકા લોકો ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા છે. આ ગામમાં હનુમાનજીનું મંદિર, વાઘદેવ અને ચર્ચ (દેવળ) પણ આવેલું છે. ચિચીનાગાવઠા ગામમાં પ્રયોશા પ્રતિષ્ઠાન અને સુરતના રાજ્ય સભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા નિર્માણ કરાયેલા હનુમાનજીના મંદિરે ભક્તો દ્વારા શનિવારે પૂજા-અર્ચના કરવામાં આવે છે. વધુમાં આ ગામમાં શ્રી સંપ્રદાય તથા મોક્ષમાર્ગી અને માળકરી અને જય માતાજી સંપ્રદાયના ભક્તો પણ સમય તિથિ પ્રમાણે પૂજા-અર્ચના કરી પોતાના સનાતન હિન્દુ ધર્મનું પાલન કરે છે. અહીં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શાળાનાં બાળકો, આગેવાનો અને ગ્રામજનો દ્વારા ગામની વાર-તહેવારે સાફસફાઈ કરવામાં આવે છે. તથા ગ્રુપ ગ્રામ પંચાયતે ગામમાં દરેક ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા કરી આપી છે. અહીં દરેક ઘરમાં શૌચાલયો હોવાથી સ્વચ્છ ભારતનું સપનું સાકાર બનેલું નજરે પડે છે. વધુમાં ગ્રામ પંચાયત ચિચીનાગાવઠાએ ચાલુ વર્ષમાં ગામમાં અનેક લાભાર્થીઓને પીએમવાય, પીએમ જનમન આવાસ તથા સમાજ કલ્યાણ શાખામાંથી આવાસોની ફાળવણી કરી છે. ચિચીનાગાવઠા ગામમાં સંપ સારો હોવાથી ગ્રામજનો નવરાત્રિ, ગણેશ ઉત્સવ, જમાષ્ટમી, હોળી, ડુંગરદેવ, તેરા, નાગપંચમી, રક્ષાબંધંન, મકરસંક્રાંતિ, દિવાળી, નાતાલ જેવા તહેવારોમાં સાથે મળી શ્રદ્ધા તથા ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ચિચીનાગાવઠા ગામ વઘઇથી અંદાજિત 8 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યારે આહવાથી અંદાજિત 24 કિલોમીટર દૂર છે. આ ગામથી વઘઇ કે પછી વહીવટી મથક આહવા જવું હોય તો લોકોને સરળતાથી વાહનો મળી રહે છે. આ ગામ રાજ્ય ધોરી માર્ગને સાંકળતું હોવાથી રાત-દિવસ ખાનગી અને સરકારી વાહનવ્યવહારથી ધમધમતો જોવા મળે છે.

બસસ્ટેન્ડ જર્જરિત હાલતમાં


ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનું ચિચીનાગાવઠા ગામ વઘઇ-આહવા રાજ્ય ધોરી માર્ગને સાંકળે છે. અહીં ગામમાં માર્ગની સાઈડે વર્ષો પહેલા બે જેટલાં એસટી પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યાં હતાં. જે હાલમાં જર્જરિત હાલતમાં છે. જર્જરિત એસટી સ્ટેન્ડના પગલે ગામના લોકોને શિયાળા, ઉનાળા અને ચોમાસામાં ઘણી નોબત વેઠવાનો વારો આવે છે. એસટી સ્ટેન્ડ જર્જરિત હોવાના પગલે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને માર્ગની સાઈડમાં વરસતા વરસાદ કે પછી ઉનાળામાં તડકામાં ઊભા રહેવાની નોબત આવે છે. તેવામાં ચિચીનાગાવઠા ગામ વર્ષોથી ભાજપાને વરેલું ગામ હોવાથી સાંસદ અથવા ધારાસભ્ય ફંડમાંથી ગ્રાન્ટ ફાળવી નવા પિકઅપ સ્ટેન્ડનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.
ખેતી અને પશુપાલનનો વ્યવસાય વિકસ્યો

આ ગામના 100 ટકા લોકો ખેતી અને પશુપાલન તેમજ દૂધડેરી વ્યવસાય તથા બાગાયત સાથે જોડાયેલા છે. જેથી ગામમાંથી કોઈપણ સ્થળાંતરણ જોવા મળતું નથી. આ ગામમાં ચોમાસા અને શિયાળાની ઋતુ દરમિયાન ખેડૂતો દ્વારા ચણા, વટાણા, ઘઉં, મકાઈ, વરી, નાગલી, મગ, અડદ, ડાંગર, જુવાર, કુળીદ, ખરસાણી, મગફળી, તુવેર વગેરે પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે. જ્યારે અમુક ખેડૂતોએ પાણીની સુવિધાઓ માટે સ્વખર્ચે ખેતરોમાં બોર અને કૂવા દ્વારા પાણીની સુવિધાઓને ઉપલબ્ધ કરી છે. જેઓ ભીંડા, મરચાં, શેરડી, તરબૂચની ખેતી કરે છે. પશુપાલનની દૃષ્ટિએ ગામના નાના-મોટા ખેડૂતો પોતાની પાસે ગાય, ભેંસ, બકરાં, ખેતી માટે બળદ અને પાડા જેવાં પાળતુ પ્રાણીઓનો ઉછેર કરી જેમાંથી સાઈટ આવક મેળવી પરિવારના ભરણપોષણમાં ભાગીદાર બને છે. ચિચીનાગાવઠા ગામમાં દૂધડેરી પણ છે. ચિચીનાગાવઠા ગામની દૂધડેરીનાં પ્રમુખ તરીકે ચંદાબેન ડી.વાઘ, જ્યારે મંત્રી તરીકે સંગીતાબેન બી.માછી કામગીરી કરી રહ્યાં છે. ગામની દૂધમંડળીમાં 52 સભાસદ નોંધાયેલા છે અને રોજેરોજ 500 લીટરથી વધુ દૂધ શીતકેન્દ્ર વઘઇ ખાતે મોકલવામાં આવે છે. દર મહિને તમામ દૂધધારકોને અંદાજિત 3.50 લાખથી વધુનું પેમેન્ટ કરવામાં આવે છે. ગામમાં 10 જેટલાં સખીમંડળ પણ આવેલાં છે. જે આર્થિક ઉપાર્જન માટે કામો કરે છે.
કોટવાળીયા વસાહતની આજીવિકા વાંસની બનાવટો પર નિર્ભર


ચિચીનાગાવઠા કોટવાળીયા વસાહતમાં લોકો વાંસમાંથી બેનમૂન કારીગરી કરી અનેકવિધ બનાવટોનું સર્જન કરી રહ્યા છે. ચિચીનાગાવઠા ગામે વર્ષોથી આદિમજૂથ સમાવેશ પામેલી કોટવાળીયા વસાહતમાં જનજીવન વસવાટ કરે છે. તેઓ જંગલમાંથી વાંસ લાવી ઘરે જ વાંસમાંથી ટોપલાં, ટોપલી સહિત રમકડાં બનાવી આર્થિક ઉપાર્જન મેળવે છે. કોટવાળીયા વસાહત દ્વારા સર્જન કરાયેલી વાંસની બનાવટોનું રાજ્યના ક્રાફ્ટ બજારોમાં ધૂમ માંગ છે. કોટવાળીયા વસાહતના લોકોએ વર્ષોથી વાંસમાંથી વિવિધ બનાવટોનું સર્જન કરી પોતાની કલા અને વારસાને ધબકતો રાખ્યો છે.
ગામની વસતી 1345થી વધુ, સ્ત્રીઓની બહુમતી
ચિચીનાગાવઠા ગામની ચર્ચા કરીએ તો ગામની વસતી આશરે 1345થી વધુ છે, જેમાં પુરુષોની સંખ્યા અંદાજિત 644થી વધુ છે. જ્યારે સ્ત્રીઓની સંખ્યા પણ 700થી વધુની છે. આ ગામમાં 350થી વધુ કાચાં અને પાકાં ઘરો આવેલાં છે, સાથે 300થી વધુ નાનાં-મોટાં કુટુંબ આવેલાં છે. ગામમાં ફળિયાની કુલ સંખ્યા 3 છે. ચિચીનાગાવઠા ગામમાં ઉપલું ફળિયું, નીચલું ફળિયું, કોટવાળીયા ફળિયું મળી 3 ફળિયાં છે. ચિચીનાગાવઠા ગામમાં વર્ષોથી માત્ર કોંકણી, કુનબી, ભીલ અને વારલી અને કોટવાળીયા આદિમ જૂથ જાતિના આદિવાસી લોકો વસવાટ કરે છે. આ ગામમાં ગાવીત, પવાર, ચૌધરી, વાંક, ખરપડે, ભોયે, બંગાળ, માછી, તુંબડા, પોંડારે, માહલા, બાબર, તુપે, નીંબારે, ચોર્યા, વાઘ જેવી અટકના લોકોનો સમાવિષ્ટ થયો છે.

પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનથી લોકોને રાહત

ચિચીનાગાવઠા ગામે પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાન પણ આવેલી છે, જેમાં સંચાલક તરીકે વિજયભાઈ જાનુભાઈ બંગાળ કામગીરી કરી રહ્યા છે. આ દુકાનમાં 600 જેટલા રેશનકાર્ડ ધારકો નોંધાયા છે. સંચાલક દ્વારા ગરીબોને દર મહિને અનાજ સહિતના જથ્થાનું વિતરણ કરવામાં આવે છે.

સાક્ષરતા દર 73.86 ટકા
આ ગામનો સાક્ષરતા દર 73.86 ટકા છે. જેના પગલે હાલમાં નોકરિયાતોની સંખ્યા પણ સારી એવી જોવા મળે છે અને ધીમે ધીમે વધી રહી છે. આ ગામના યુવાન-યુવતીઓ સરકારી નોકરીના ઉચ્ચ હોદ્દા પર કામ કરી ગામનું નામ રોશન કરી રહ્યા છે. જ્યારે અમુક નિવૃત્ત થઈ સમાજસેવા સાથે જોડાઈ ગયા છે.
વર્ષો જૂની સ્મશાનની સમસ્યાનો અંત
ચિચીનાગાવઠા ગામની વર્ષો જૂની સમસ્યામાં સ્મશાનની સમસ્યાનો અંત આવ્યો છે. આ ગામમાં બે-ત્રણ વર્ષ અગાઉ સ્મશાન ઘરનું નિર્માણ કરવામાં આવતાં ચોમાસાની ઋતુમાં અગ્નિદાહ માટે સરળતા રહે છે. આ ગામમાં ખ્રિસ્તી લોકો દરેક ઋતુમાં દફનવિધિ સરળતાથી કરી શકે છે.

Most Popular

To Top