Dakshin Gujarat

રામના વનવાસ દરમિયાન લક્ષ્મણ ફળ-ફૂલ લેવા મહુવાનાં આ ગામમાં આવતાં, જેના પરથી પડ્યું ગામનું નામ

-શ્રીરામના વનવાસ દરમિયાન લક્ષ્મણ ફળ-ફૂલ લેવા આવતાં લક્ષ્મણપુર નામે ગામ ઓળખાતું થયું હતું, પછી અપભ્રંશ થઈ ગામનું નામ લસણપોર પડ્યું
-આશરે ત્રણ ચો.કિ.મી.માં વસેલા આ ગામની અંદાજિત વસતી ૨૫૦૦ છે
-ઉત્સાહી યુવા સરપંચ સુરેશભાઈ પટેલ અને તેની ટીમ ગામના વિકાસ માટે પ્રયત્નશીલ

ગાયકવાડ સ્ટેટ સમયે આગવું નામના ધરાવતું, જંગલ કિનારે પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આવેલું અને વિકાસમાં ધીમે ધીમે હરણફાળ ભરતું સુરત જિલ્લાના મહુવા તાલુકાનું છેવાડાનું ગામ એટલે લસણપોર. હાલ મહુવા તાલુકામાં વનરાજી ખીલી ઊઠી છે ત્યારે આ ગામ ખૂબ જ મનમોહક લાગી રહ્યું છે. ગામના નામ અંગે એવી પણ લોકવાયકા છે કે, શ્રીરામના વનવાસ દરમિયાન તેમના અનુજ શ્રી લક્ષ્મણ ફળ-ફૂલ લેવા માટે આવતાં લક્ષ્મણપુર નામે ગામ ઓળખાતું થયું હતું. પરંતુ સમયના વાયરા વિતતા ગયા એ સાથે અપભ્રંશ થઇ આજે લસણપોર(લસણપુર)ના નામે ઓળખાય છે.

મહુવા તાલુકાના અનાવલ-કુમકોતર રસ્તા પર આવેલા લસણપોર ગામમાં મહત્તમ ધોડિયા જાતીની વસતી આવેલી છે. લસણપોર ગામમાં વડ ફળિયું, પટેલ ફળિયું, ગોડાઉન ફળિયું, બ્રાહ્મણ ફળિયુ, સામજી ફળિયું, નિશાળ ફળિયું, કોલોની ફળિયું, ડેરી ફળિયું આવેલું છે. આ ગામ સો ટકા આદિવાસી વસતી ધરાવે છે. આશરે ત્રણ ચો.કિ.મી.માં વસેલા આ ગામમાં અંદાજિત ૨૫૦૦ જેટલી વસતી છે. ગામમાં વિકાસની સારી એવી શરૂઆત થઈ ચૂકી હોવાનું જણાઈ રહ્યું છે. આંતરિક રસ્તા પણ સારા બની ગયેલા જોવા મળી રહ્યા છે અને બાકી રહેલા રસ્તાનું નવીનીકરણ થતું જોઈ શકાય છે. ગામના ઉત્સાહી યુવા સરપંચ સુરેશભાઈ પટેલ અને તેની ટીમ ગામના વિકાસ માટે અને લોકોના પ્રશ્નોના હલ માટે હરહંમેશ તત્પર રહે છે. સરકારી યોજનાઓનો લાભ ગ્રામજનોને મળે એ માટે સરપંચ હંમેશાં પ્રયત્નશીલ રહે છે. મક્કમ ગતિએ ચાલતા ગામનો વિકાસ ઊડીને આંખે વળગે એવો છે અને આવનારા દિવસોમાં ગામની રોનક અલગ જ હશે તેમાં કોઈ બેમત નથી.

ગામમાં આદિવાસી સંસ્કૃતિના કાર્યક્રમો થાય છે
સમય બદલાયો, પરંતુ આદિવાસીઓએ પોતાની સંસ્કૃતિ આજે પણ ટકાવી રાખી છે. મહુવા તાલુકાના મહત્તમ આદિવાસી વિસ્તારોમાં આજે પણ સાંસ્કૃતિક ધરોહરનું જતન કરવા ઉપર વડવાઓ ભાર મૂકે છે. લસણપોર ગામમાં તહેવાર કોઈપણ હોય એની રોનક અલગ જ હોય છે. ગામમાં નવરાત્રિ, ગણેશચતુર્થી સહિતના તહેવારો ઉજવાય છે. તો આદિવાસી સંસ્કૃતિની ઓળખ અને અસ્મિતા ટકાવી રાખવા અને આદિવાસીઓના હક્કો અધિકારો માટે આગળ આવતા જાગૃત આદિવાસી યુવાનો પણ અહીં જોવા મળશે. આદિવાસી જનજાગૃતિના મોટા કાર્યક્રમો પણ આ ગામમાં ઉજવાય છે.

જંગલમાં આવેલું પૌરાણિક હનુમાનજીનું મંદિર આસ્થાનું પ્રતીક
લસણપોર ખાતે જંગલમાં હનુમાનજીનું એક અતિપૌરાણિક મંદિર આવેલું છે. જે આ વિસ્તારની જનતા માટે આસ્થાનું સ્થાનક છે. આ મંદિરમાં સેંકડો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે જંગલમાં નદી કિનારે આવેલું આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિર ખાતે વર્ષોથી દિવાળીના લાભ પાંચમના દિવસે મેળો ભરાય છે અને આદિવાસીઓના પરંપરાગત ઘેરનૃત્યની હરીફાઈ યોજવામાં આવે છે. ગામના આગેવાનો અને ગ્રામજનોના સહયોગથી આ મંદિરનો વિકાસ ધીમી તેમજ મક્કમ ગતિએ થઈ રહ્યો છે. સરકારે આ પૌરાણિક મંદિર તેમજ આ પ્રાકૃતિક સૌંદર્યસભર વિસ્તારને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની જરૂર છે. જ્યારે ગામની પંચાયતની કચેરી પાસે નવનિર્મિત શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર છે. નાનું પણ રળિયામણા મંદિર સાથે માતાચોક અને ભાવિકો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં સવાર-સાંજ ગ્રામજનો દ્વારા આરતી કરવામાં આવે છે.

પ્રાથમિક શિક્ષણ
-બુનિયાદી પ્રાથમિક શાળા ધોરણ-૧થી ૮
-સામજી ફળિયા વર્ગશાળા ધોરણ-૧થી ૫
-નાના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપતી ચાર જેટલી આંગણવાડી

છે ને ગૌરવની વાત: આદર્શ બુનિયાદી શાળાની સદીથી વધુની સફર
સને-૧૯૦૬માં લોકશાળા (ગામના લોકોનું સંચાલન) થકી ધો.૧થી ૩માં ૨૦ વિદ્યાર્થી સાથે આદર્શ બુનિયાદી શાળાની શરૂઆત થઈ હતી આજના સમયમાં શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. ઔદ્યોગિક ક્રાંતિ આવતાં શિક્ષણનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. આ સ્થિતિમાં ખાનગી શાળાઓની બોલબાલા વચ્ચે ગુજરાતી શાળાઓનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે. ત્યારે ગરીબોને શિક્ષણ મેળવવું અઘરું થઈ પડ્યું છે. જો કે, સરકારે શિક્ષણ ક્ષેત્રને આગળ વધારવા માટે ઉપાડેલા અભિયાનને પરિણામે શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે. ત્યારે મહુવા તાલુકાનું લસણપોર ગામ પણ શિક્ષણની દૃષ્ટિએ આગળ વધી રહ્યું છે. વર્ષો પહેલાં એ માટે વડવાઓએ શિક્ષણના બીજ રોપી દીધાં હતાં. જેના ફળસ્વરૂપે આજે અહીંનાં લોકો ભણીગણીને ઉચ્ચ સ્થાને બિરાજી રહ્યા છે.

અહીં આદર્શ બુનિયાદી શાળાનું નામ ખૂબ ઊંચું. જેણે અનેક બુદ્ધિજીવી માણસનું સર્જન કર્યુ. સને-૧૯૦૬માં લોકશાળા (ગામના લોકોનું સંચાલન) થકી ધો.૧થી ૩માં ૨૦ વિદ્યાર્થીથી આદર્શ બુનિયાદી શાળાની શરૂઆત થઈ હતી. અને બુનિયાદી સિદ્ધિઓ હાંસલ કરતી ગઈ. સમય જતાં એમાં પરિવર્તનો આવતાં ગયા અને શિક્ષણનું મૂલ્ય પણ જળવાતાં આ શાળામાં હાલ તમામ ભૌતિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પાણી, કોમ્પ્યુટર શિક્ષણથી લઇ આધુનિક ભૌતિક સુવિધાઓ આ શાળામાં જોવા મળી રહી છે. આ શાળાનું સંચાલન સ્થાનિક કક્ષાએ વાલીમંડળ, શાળા વિકાસ સમિતિ દ્વારા મુખ્ય શિક્ષકના સમન્વય સુચારું રીતે થઈ રહ્યું છે. સદીથી વધુની સફળ ખેડી ચૂકેલી આ શાળા હજુ પણ શિક્ષણનો પ્રકાશ પાથરી રહી છે. જ્યારે વર્ગશાળાની વાત કરીએ તો ૩૫ બાળકો અભ્યાસ કરે છે. ત્યાં પણ તમામ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. ગામમાં આવેલી ચાર આંગણવાડીમાં પણ ભૂલકાં માટે પૌષ્ટિક આહારની સાથે જ્ઞાનનું સિંચન કરાવવામાં આવે છે.

શેરડી અને ડાંગર મુખ્ય પાક
ગામના લોકોનો ખેતીમાં મુખ્ય પાક શેરડી અને ડાંગર છે. તેમજ શાકભાજી અને કઠોળનું પણ ઉત્પાદન કરે છે. ગામના કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ શાકભાજીમાં ઉત્પાદનમાં ખૂબ જ સરસ પરિણામ મેળવી અન્ય ગામોના ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી બન્યા છે. ખેડૂતોના સિંચાઇ માટે ઉકાઇ ડાબા કાંઠા નહેર યોજનાનો ઉપયોગ કરે છે. તો મોટા ભાગના ખેડૂતોએ કૂવા-બોરની વ્યવસ્થા કરી છે. સમય સાથે પરિવર્તન કરતાં યાંત્રિક સાધનો સાથે ખેતી કરી રહ્યાં છે, તો સાથોસાથ ઊંચા ભાવ મળતા હોય કેટલાક ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી પહેલ કરી છે.

સહકારી મંડળી -દૂધમંડળી
ગામમાં ખેતીની સાથોસાથ પશુપાલનનો વ્યવસાયનો પણ વિકાસ થયો છે. સુરત સુમુલ ડેરી સાથે લસણપોર દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું જોડાણ થયું હોવાથી વાર્ષિક ૮.૫ કરોડ લીટર દૂધ ભેગું કરી સુમુલ ડેરીને સપ્લાય કરે છે. વાર્ષિક રૂપિયાનું ટર્નઓવર કરતી દૂધમંડળીમાં પાંચ ટાંકીઓ છે. જેથી દૂધનો બગાડ થતો નથી. આ દૂધમંડળીને કારણે પશુપાલકોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. સરકારી તેમજ સહકારી યોજનાઓનો પશુપાલકોને લાભ મળી રહ્યો છે. ત્યારે ગામના વિકાસમાં આ મંડળીનો મહત્ત્વનો ફાળો છે. દૂધમંડળીના પ્રમુખ મગનભાઈ પી.પટેલ, મંત્રી બળવંતભાઈ તથા કર્મચારીમંડળ દ્વારા સફળ વહીવટ કરવામાં આવી રહ્યો છે.

લસણપોર વિભાગ ખેડૂતોની સહકારી મંડળી
આ સંસ્થા કૃષિવિષયક સેવાઓ જેવી કે રાસાયણિક તેમજ સેન્દ્રીય ખાતરનું વેચાણ, ખેતીની દવાઓનું રાહતદરે વેચાણ કરે છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ખેડૂતોને ધિરાણ પણ આપે છે. મંડળીમાં હાલમાં ૭૯૨ જેટલા સભાસદ છે.

આરોગ્ય સેવા
ટેક્નોલોજીના આ યુગમાં આરોગ્ય સેવા પણ એટલી જ જરૂરી છે. આયુષ્માન ભારત યોજના-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી અનેક કલ્યાણકારી સેવાઓ સરકાર આપી રહી છે. પરિણામે અંતરિયાળ વિસ્તારોમાં લોકોને આ લાભ મળી રહ્યો છે અને આગામી દિવસો પણ આ સેવા માટે સરકાર પયત્નશીલ છે. ખાસ કરીને આરોગ્યનાં પેટા કેન્દ્રો લોકોને પ્રાથમિક આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે મહત્ત્વપૂર્ણ પરિબળ છે. જે પાયાના સ્તરે વિવિધ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ કાર્યક્રમોના અમલીકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંચાલિત લસણપોર આરોગ્ય સબ સેન્ટર આવેલું છે. ભૌતિક સુવિધાસભર મકાનમાં બેડની ઉત્તમ સુવિધા છેૉ, જેમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારી ગામના લોકોને આરોગ્યની સેવા આપી રહ્યા છે. તેમજ સરકારી યોજનાનો અમલ કરાવી રહ્યા છે.

‘એક રાતી પાઈ પણ નહીં આપું’ કહી મહેસૂલ વધારા માટે અંગ્રેજો સામે બાંયો ચઢાવનાર હાંસજીભાઈ ધોડિયા
‘મિલકત બચાવવા દંડ નહીં ભરશો, અને દંડ ભરશો તો ગામમાં પગ નહીં મૂકું.’આઝાદીનું આંદોલન તબક્કાવાર અલગ-અલગ કાર્યક્રમો દ્વારા આગળ વધતું હતું. એ દરમિયાન એમાં કેટલાય લોકોએ અમાનુષી અંગ્રેજ સરકારના સાથ છોડીને એમની સામે જંગનું એલાન કર્યું હતું. મૂળ અલગટ ગામના અને પછીથી લસણપોર સ્થાયી થયેલા એવા આદિવાસીઓ આઝાદી ચળવળના રંગે રંગાયેલા હતા. તેમાંના એક આદિવાસી સ્વતંત્રતાસેનાની હાંસજીભાઈ ઝીણાભાઈ ધોડિયાના પરિવારની કુરબાની પણ ઊડીને આંખે વળગે એવી છે. આ ગામના લોકો પર અંગ્રેજ સરકારનો જૂલમ વધી જતાં હિજરત કરીને જતા રહેતા હતા. પરંતુ ખેતી કરવા તો પાછું આવવું જ પડે તેવું હતું.

ઇ.સ.૧૯૩૨માં વિરોધ થયો. અંગ્રેજો દ્વારા ૨૨ ટકાના મહેસૂલ વધારાની સામે સરદાર પટેલ દ્વારા મહેસૂલ નહીં ભરવાની હાંકલ કરાતાં સુખી-સંપન્ન પરિવારના હાંસજીભાઈએ સરકારના લોકોને રોકડું પરખાવી દીધું હતું કે, ‘એક રાતી પાઈ પણ નહીં આપું.’ આમ તેમણે વિરોધ કરતાની સાથે જ તેમને સાબરમતી જેલમાં પૂરી દેવાયા તેમજ તેમની મિલકતની લીલામીની તૈયારી કરવામાં આવી હતી. ત્યારે પણ જેલમાંથી ખમીરવંતા હાંસજીભાઈએ પરિવારને સંદેશો આપ્યો હતો કે, ‘મિલકત બચાવવા દંડ નહીં ભરશો, અને દંડ ભરશો તો ગામમાં પગ નહીં મૂકું.’

ઇતિહાસની વાત તપાસીએ ત્યારે આપણે સૌએ આપણા વિસ્તારના સ્વતંત્રતાસેનાનીઓની દેશ પ્રત્યેની ખુમારી ઝનૂન માટે આપણે ગર્વ લેવાની વાત છે. તો આપણા વિસ્તારના કેટલાય સ્વતંત્રતાસેનાનીઓએ તમામ કામો પડતાં મૂકી આઝાદીના જંગમાં અંગ્રેજો સામે બાંયો ચઢાવી હતી. જેમ જેમ આઝાદી ચળવળનો ઇતિહાસ તપાસીએ તેમ તેમ ભવ્ય વારસાની પ્રતીતિ જોવા મળશે. એ હાંસજીભાઈ લસણપોર ખાતે આવી ને રહ્યા હતા. હાલ એમનો પરિવાર લસણપોર જ સ્થાયી છે.

બલ્લુભાઈ પણ પિતાના રસ્તે આઝાદીના રંગે રંગાયા હતા
મહુવા તાલુકાના લસણપોરના વતની એવા ૯૮ વર્ષીય સ્વતંત્રતાસેનાની બલ્લુભાઈ હાંસજીભાઈ ધોડિયાનું કોરોનાને લીધે નિધન થયું હતું. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ નહીંવત પ્રમાણમાં હયાત એવા સ્વતંત્રતાસેનાની ગુમાવતાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. બલ્લુભાઈ ધોડિયાના પરિવારે તન મન ધનથી આઝાદીના મહાસંગ્રામમાં ઝપલાવ્યું હતું. જેની નોંધ પણ લેવામાં આવી હતી. તેમના પિતા પર આઝાદીની ચળવળ સમયે ગાંધીજીએ પણ પત્રો લખ્યા હતા. જે પત્રો તેમની પાસે હતા.
બલ્લુભાઈ ધોડિયા તેમજ તેમના પરિવારે હિજરત કરી મહુવા તાલુકાના લસણપોર ખાતે વસવાટ કર્યો હતો. તેઓ પાસે પોતાના મૂળ વતનમાં કોઈ મિલકત રહી ન હતી. છતાં તેમની ભારત દેશને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવાની લગનીમાં લગીરેય ઓટ આવી ન હતી. ૧૯૪૨ની સ્વતંત્રતા ચળવળમાં સામેલ થતાં બલ્લુભાઈ, તેમના પિતા અને ભાઈ એમ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી અને નવસારી જેલમાં બંદીવાન બનાવવામાં આવ્યા હતા.

સ્વ.ખુશાલભાઈ પટેલનો સહકારી માળખું ઊભું કરવામાં સિંહફાળો
ગુજરાત-મહારાષ્ટ્ર એક હતું ત્યારે સ્વ.ખુશાલભાઈ મુંબઇ રાજ્યમાં બિનહરીફ ધારાસભ્ય વરાયા હતા
લસણપોર ગામના લોકો વિકાસની વાત આવે તો હંમેશાં આગળ જ હોય. સરકારી કે રાજકીય ક્ષેત્રને લસણપોર ગામે અનેક આગેવાનો આપ્યા છે. એમ કહીએ તો ખોટું નથી કે, લસણપોર ગામને ગૌરવ અપાવનાર ઘણી હસ્તીઓ છે, જેમાં આગવી હરોળમાં ગણી શકાય એવું નામ હોય તો સ્વ.ખુશાલભાઈ ધનાભાઈ પટેલ. તેઓ સ્વતંત્રતાસેનાની હતા. ઉપરાંત તેઓ ૧૯૫૨ની સાલમાં જ્યારે ગુજરાત-મહારાષ્ટ્ર એક હતું ત્યારે મુંબઇ રાજ્યના તેઓ બિનહરીફ ધારાસભ્ય તરીકે વરાયા હતા. તો આ વિસ્તારની જીવાદોરીસમાન મહુવા સુગર ફેક્ટરીના તેઓ સ્થાપક સભ્ય હતા. આ વિસ્તારમાં સહકારી માળખું ઊભું કરવામાં તેમનો સિંહફાળો છે. આ ઉપરાંત સમાજસેવા, રાજકારણ કે સહકારી સંસ્થાઓમાં તેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. એટલે આજેય લસણપોર ગામનું નામ લેતા જ લોકો એમને અચૂક યાદ કરે છે.

૧૦૦ % આદિવાસી વસતી ધરાવતું ગામ
લસણપોર એક એવું ગામ છે કે જ્યાં અનુસૂચિત જનજાતિ સિવાય અન્ય જાતિઓની વસતી નથી. આ ગામમાં આદિવાસી સમુદાયના લોકો જ રહે છે. ગામમાં એકતાનાં દર્શન જોવા મળે છે. તો ૧૦૦ % આદિવાસી વસતી ધરાવતા આ ગામમાં આદિવાસી દિન હોય કે પછી બિરસામુંડા જન્મજયંતી. આદિવાસીના તમામ તહેવારોની અહીં રંગેચંગે ઉજવણી થાય છે.

રમતગમત માટે મેદાનની સુવિધા
લસણપોર ગામે ગામના બાળકો અને યુવાનો રમતગમત ક્ષેત્રે પણ આગળ વધે અને ગામનું નામ રોશન કરે એ માટે રમતગમતના મેદાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તારના યુવાઓના રમતગમતનાં કૌશલ્ય બહાર આવે એ માટે ટુર્નામેન્ટનું પણ અવારનવાર આયોજન કરવામાં આવે છે. જ્યાં સ્વ.જગદીશભાઈના સ્મરણાર્થે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ગામની જરૂરિયાત
એટીએમ
ગ્રામીણ બેંક
સરકારી આવાસ
ગટર
હનુમાનજી મંદિરનો પ્રવાસનધામ તરીકે વિકાસ

ગ્રામ પંચાયત લસણપોર
સુરેશભાઈ દલપતભાઈ પટેલ – સરપંચ
ભગવતકુમાર ચંદુભાઈ પટેલ ઉપ સરપંચ
ધર્મેન્દ્રકુમાર ચીમનભાઈ પટેલ તલાટી કમ મંત્રી
કમિટી સભ્યો
બળવંતભાઈ રાજેન્દ્રભાઈ પટેલ
હેમંતભાઈ હસમુખભાઈ પટેલ
કનુભાઈ પરભુભાઈ પટેલ
સુધાબેન પરેશભાઈ પટેલ
નિકેતાબેન રજનીકાંતભાઈ પટેલ
નિર્મળાબેન ધીરુભાઈ પટેલ
ભાવનાબેન ગીરીશભાઈ પટેલ

પટેલ પ્રથા થી સરપંચ
અગાઉના સમયમાં જ્યારે પટેલ પ્રથા અમલમાં હતી ત્યારે લસણપોર ગામના પ્રથમ પટેલ કરશનભાઈ પટેલ ત્યારબાદ લીમજીભાઈ પટેલ અને પછી ફુલાભાઈ પટેલ અને ત્યારબાદ જોગાભાઈ પટેલ અને વલ્લભભાઈ પટેલ એ કામગીરી કરી હતી ત્યારબાદ પ્રથમ સરપંચ તરીકે રંગજીભાઈ સામજીભાઈ હતા તેમને ૧૦ વર્ષ સુધી સરપંચ તરીકે ફરજ બજાવી હતી. લસણપોર ગામના યુવા સરપંચ સુરેશભાઈ પટેલ હાલ ગ્રામ પંચાયતમાં કુશળ વહીવટ કરી રહ્યા છે ત્યારે તેમને જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગામના જંગલમાં આવેલ પૌરાણિક હનુમાનજી મંદિર ને પ્રવાસનધામ તરીકે વિકસાવવામાં આવે જેથી સ્થાનિકોને રોજગારી મળે એ પ્રયાસ ચાલુ છે તો ગામના ગરીબ પરિવારોને માથે પાકી છત મળે તે માટે લાભાર્થીઓને સરકારી આવાસ યોજના નો લાભ મળે તે કામગીરી કરવામાં આવી રહી છે અને બાકી રહેલ લાભાર્થીઓને તબક્કાવાર આવરી લેવામાં આવશે.રસ્તા પાણી વીજળી મુદ્દે વિકાસ ના અવિરત કામો ચાલુ છે.તો ગામમાં સીસીટીવી અને ઈન્ટરનેટ ની સુવિધા મળે એ આયોજન કરવું છે કે જેથી ગામને ડિજિટલ યુગમાં શહેર સાથે કદમ મિલાવી શકે.ગામમાં પક્ષપાતી વલણ વિના ગ્રામજનો અને ગ્રામ પંચાયત ની સમિતિ કામો કરી રહી છે જેથી આજે ગામમાં સરકારી યોજના નો લાભ લેવામાં આવી રહ્યો છે અને વિકાસ થઈ રહ્યો છે લસણપોર ગામના સ્વ.ધીરુભાઈ પ્રેમાભાઈ પટેલ કે જેઓ શિક્ષક હતા ત્યારબાદ તેઓએ સક્રિય રાજકારણ માં જોડાયા હતા.તેઓ લાંબા સમય સુધી જિલ્લા પંચાયત સભ્ય રહ્યા હતા .તેઓ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી હતી.તેઓ રાજકીય રીતે સક્રિય હતા ત્યારે તેમને પણ ગામના વિકાસમાં તેમનું યોગદાન આપ્યું હતું.

Most Popular

To Top