વલસાડ : વલસાડના ભાગડાવડા ગામે દાદિયા ફળિયામાં રમી રહેલા એક 4 વર્ષના બાળકને ફૂટબોલ અપાવવાની લાલચ આપી યુવક અને યુવતી અપહરણ કરી લઇ જઇ રહ્યા હતા. સ્થાનિકોને આ જોઇને થોડી શંકા જતા તેમણે તેમને અટકાવ્યા અને બાળકને તેની માતાને સોંપ્યું હતુ. તેમણે અપહરણ કરનાર અતુલના યુવક અને મહેમદાવાદની યુવતીને પોલીસને સોંપી દીધા હતા.
- વલસાડના ભાગડાવડામાં સ્થાનિકોની સતર્કતાથી 4 વર્ષના બાળકનું અપહરણ થતા અટક્યું
- અતુલનો યુવક અને મહેમદાવાદની યુવતી 4 વર્ષના બાળકનું અપહરણ કરી જતા હતા, જેને સ્થાનિકોએ શંકાના આધારે પકડ્યા
સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ રવિવારે વલસાડના દાદિયા ફળિયામાં મંદિર પાસેના મેદાનમાં રમી રહેલા બાળકો પૈકી એક 4 વર્ષના બાળકને એક યુવક અને યુવતીએ ફૂટબોલ અપાવવાની લાલચ આપી બોલાવ્યો હતો. ત્યારબાદ તેઓ તેને ત્યાંથી લઇ ગયા હતા. આ દરમિયાન સ્થાનિકોને અજુગતું લાગ્યું અને તેમણે યુવક અને યુવતીને અટકાવી પુછતાછ કરી હતી. ત્યારે તેઓ સ્થાનિક મહિલાનું બાળક લઇને જતા હોવાનું જણાયું હતુ. જેના પગલે તેમણે પોલીસને બોલાવી આ યુવક અને યુવતીને સોંપ્યા હતા.
પોલીસે યુવકની પુછતાછ કરતા તે અતુલનો રહેવાસી હોવાનું અને તેનું નામ પ્રવિણ ચુનીલાલ ચૌધરી હોવાનું જાણવા મળ્યુ હતુ. જ્યારે યુવતીની પુછતાછ કરતા તેનું નામ સોનલ રયજી પરમાર અને તેણી મહેમદાબાદ રેલવે સ્ટેશન પાસે રહેતી હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે હાલ બંનેની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.