નવી દિલ્હી: નવી દિલ્હીના (NewDelhi) એરપોર્ટ (Airport) પર ચોંકાવનારી ઘટના બની છે. અહીં ફ્લાઈટ મોડી થતા ગુસ્સે ભરાયેલા પેસેન્જરને વિમાનની અંદર જ માર માર્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. લોકો આ પેસેન્જરને નો ફ્લાઈ લિસ્ટમાં નાંખવા અપીલ કરી રહ્યાં છે.
વાત રવિવારની છે. ઈન્ડિગો ફ્લાઇટના પાઇલટ જ્યારે ફ્લાઇટ વિલંબની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે એક મુસાફર દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે પાયલોટ મુસાફરોની સામે કેટલીક જાહેરાત કરી રહ્યો છે, ત્યારે પીળા રંગની હૂડી પહેરેલી વ્યક્તિ પાછળથી આવે છે અને તેને થપ્પડ મારે છે. આ પછી એક એર હોસ્ટેસ કહેતી સાંભળવા મળે છે કે તમે જે કર્યું તે ખોટું હતું. આ સાંભળીને તે વ્યક્તિ ફરીથી કહે છે કે અમે આટલા લાંબા સમયથી બેઠા છીએ.
આ વિડિયો માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર @Capt_Ck નામના એકાઉન્ટ સાથે શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથેના કેપ્શનમાં વાંચવામાં આવ્યું છે કે એક મુસાફરે ઈન્ડિગોના કેપ્ટનને થપ્પડ મારી હતી જ્યારે તે ફ્લાઈટમાં વિલંબની જાહેરાત કરી રહ્યો હતો. આ વીડિયોને 2.5 લાખથી વધુ લોકોએ જોયો છે. લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
મુસાફર સામે કાર્યવાહી કરવા માંગ
વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે ફ્લાઇટમાં વિલંબથી પાઇલટ અથવા કેબિન ક્રૂને શું લેવાદેવા છે. તે પોતાનું કામ કરતો હતો. આવી સ્થિતિમાં હુમલો કરનાર મુસાફરની ધરપકડ કરીને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવું જોઈએ. મુસાફરનો ફોટો પણ પ્રકાશિત કરવો જોઈએ. એક યુઝરે લખ્યું કે હતાશા કોઈ મુસાફરને ક્રૂ મેમ્બર પર શારીરિક હુમલો કરવાનો અધિકાર નથી આપતી.