માંગરોળ: પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવું કૃત્ય ક્યારેય ભાજપમાં સાંખી લેવાતું નથી, ત્યારે છેલ્લાં કેટલાંક સમયથી જાહેરમાં બેફામ વાણીવિલાસ કરતા માંગરોળ ભાજપના ઉપપ્રમુખને તેમનો એટીટ્યુડ ભારે પડી ગયો છે. આજે પક્ષ દ્વારા માંગરોળ તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ આલોજા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
- પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવા કૃત્ય બદલ સસ્પેન્ડ કરાયા
- સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ભરત રાઠોડે સક્રિય સભ્ય અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ દ્વારા માંગરોળ તાલુકાના સંગઠનના ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ આલોજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. તેમને પક્ષના સક્રિય સભ્યની સાથોસાથ પ્રાથમિક સભ્યપદેથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ભરત રાઠોડે લીધો છે.
સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ભરત રાઠોડે એક પત્ર જાહેર કર્યો છે, જેમાં લખ્યું છે કે આપે આપના વાણી વર્તનથી પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું કૃત્ય કર્યું છે, તેથી આપને તાત્કાલિક અસરથી સક્રિય સભ્ય અને પ્રાથમિક સભ્ય પદેથી તથા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આ સાથે જ શૈલેન્દ્રસિંહ જશવંતસિંહ આલોજા કે જે માંગળો તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ છે તેઓને પક્ષમાંથી તગેડી મુકવામાં આવ્યા છે.