Editorial

આઇસીજેના ભારતીય જજનો રશિયા વિરુદ્ધ ચુકાદો એક ચર્ચાનો મુદ્દો બની રહ્યો

આજના સંકુલ આંતરરાષ્ટ્રીય સંબંધોની બાબતમાં સરકારો અને તેમના રાજદ્વારીઓને ઘણી વખત સખત કસોટીઓ થઇ જતી હોય છે. વિવિધ દેશોની સરકારોએ પોતાના દેશના હિતો પણ સાચવવાના હોય છે, માનવતાવાદી અભિગમ દેખાડા ખાતર પણ દર્શાવવા માટે અમુક નાજુક મુદ્દાઓમાં બહુ સાચવીને નિવેદનો કરવા પડતા હોય છે અને જટીલ બાબતોમાં ખૂબ સાચવીને આગળ વધવું પડતું હોય છે. અત્યારે યુક્રેન પર રશિયાના હુમલાની બાબતમાં ભારતે પણ આવા મદારી જેવા ખેલ કરવા પડી રહ્યા છે. રશિયા ભારતનું જુનું મિત્ર છે, પરંતુ યુક્રેન પર તેણે કરેલા આક્રમણની તરફેણ માનવતાની દષ્ટિએ કદાપી કરી શકાય તેમ નથી આથી ભારતે તટસ્થતાની નીતિ અપનાવી છે. રશિયાને તેણે ખુલ્લેઆમ વખોડ્યું નથી પરંતુ યુક્રેનમાં યુદ્ધ અટકાવવા અને શાંતિ સ્થાપવા માટેની વારંવાર હાકલો કરી છે. યુક્રેન પર રશિયાના હુમલાની બાબતમાં સંયુક્ત રાષ્ટ્રો(યુએન)ની સલામતી સમિતિની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો અને તેમાં રશિયાને વખોડવામાં આવ્યું ત્યારે આ ઠરાવ પર મતદાન વખતે ભારત ગેરહાજર રહ્યું. ભારતની સાથે જો કે ચીન અને સંયુક્ત આરબ અમીરાતે પણ ગેરહાજર રહેવાની નીતિ અપનાવી. યુએનની સામાન્ય સભાની બેઠકમાં પણ રશિયા વિરુદ્ધના ઠરાવ પર મતદાન વખતે ભારત ગેરહાજર રહ્યું. પરંતુ ભારત ત્યારે થોડી મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાયું જ્યારે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતના એક જજે રશિયાની વિરુદ્ધ ચુકાદાનો મત આપ્યો. જો કે ભારતે બહુ સિફત પૂર્વક આ મુદ્દાને હાથ ધરી લીધો છે.

યુક્રેન પર રશિયાએ આક્રમણ કર્યા બાદ અને નાગરિકોને પણ વ્યાપક નુકસાન પહોંચાડ્યા બાદ યુક્રેને રશિયા વિરુદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ફરિયાદ કરી હતી. આ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ચાલેલી સુનાવણીમાં રશિયાની વિરુદ્ધ ચુકાદો આવ્યો છે અને આ અદાલતે રશિયાને તત્કાળ લશ્કરી કાર્યવાહી અટકાવવા આદેશ આપ્યો છે. અદાલતે પોતાનો આદેશ ભારતીય સમય મુજબ ગુરુવારે ૧૩:૨ની બહુમતિથી સંભળાવ્યો હતો અને જે ૧૩ જજોએ રશિયાની વિરુદ્ધ મત આપ્યો તેમાં ભારતીય જજ પણ શામેલ હતા. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના જે ૧૩ જજોએ રશિયાની વિરુદ્ધ પોતાનો મત કે ચુકાદો આપ્યો છે તેમાં ભારતના જજ દલવીર ભંડારી પણ શામેલ છે. દલવીર ભંડારી ભારત સરકારના સહયોગ પછી આઇસીજેના જજ બન્યા છે પરંતુ આઇસીજેના ચુકાદામાં તેમણે ભારત સરકારથી વિરુદ્ધનું વલણ અખત્યાર કર્યું છે.

ભારત સરકારે અત્યાર સુધી આ બાબતમાં તટસ્થતા જાળવી રાખી છે અને રશિયાને વખોડવાથી દૂર રહી છે. યુએનમાં રશિયા વિરુદ્ધ ઠરાવો થયા તેના પરના મતદાનમાં પણ ભારત ગેરહાજર રહ્યું હતું તેથી ઇન્ટરનેશનલ કોર્ટમાં ભારતીય જજે રશિયાની વિરુદ્ધ મત આપ્યો તે બાબત નોંધપાત્ર બની રહી છે અને તેનાથી ભારતનું રશિયા પ્રત્યેનું વલણ બદલાયું છે તેવી પણ એક છાપ વૈશ્વિક સ્તરે ઉભી થઇ શકે છે. જો કે દલવીર ભંડારીએ રશિયાની વિરુદ્ધમાં મત આપ્યો તેના થોડા જ સમય પછી એક નિવેદન બહાર પાડીને ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઇસીજેના જજો પોતાની વ્યકિતગત હેસિયતથી મત આપતા હોય છે. તેના પર ટિપ્પણી કરવાનું યોગ્ય રહેશે નહીં એમ વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું હતું. ભારતીય વિદેશ મંત્રાલયે આ બાબતમાં બિલકુલ યોગ્ય જ નિવેદન આપ્યું છે આનાથી ઘણા ગુંચવાડાઓ નિવારી શકાયા છે. જો કે એક મત એવો પણ છે કે ભારત સરકારની સંમતિથી જ દલવીર ભંડારીએ રશિયાની વિરુદ્ધ મત આપ્યો હશે અને બાદમાં ભારતના વિદેશ મંત્રાલયે તેને જજનો વ્યક્તિગત ચુકાદો ગણાવીને આ બાબતમાં ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો. ગમે તે હોય પરંતુ ભારતે સારી મુત્સદ્દીગીરી બતાવી છે.

આઇસીજેમાં રશિયા અને ચીનના જજોએ રશિયાની તરફેણમાં મત આપ્યો હતો. પોતાના જજે રશિયાની તરફેણમાં મત આપ્યો તે બાબતે ટિપ્પણી કરતા ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે શાંતિ માટેના આંતરરાષ્ટ્રીય પ્રયાસોને અમે ટેકો આપીએ છીએ પરંતુ કોઇએ બાબતો ગુંચવવી જોઇએ નહીં. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું હતું કે જજો સ્વતંત્રપણે પોતાની ફરજ બજાવે છે અને તેના પર ટિપ્પણી કરવાનું યોગ્ય હશે નહીં. રશિયા તો પોતે યુક્રેન પર આક્રમણ કરનાર દેશ છે તેથી તેના જજ તો યુક્રેનની તરફેણમાં ચુકાદો નહીં આપે તે સમજ્યા, પરંતુ ચીનના જજે રશિ્યા સાથેની ચીનની મિત્રતાથી દેખીતી રીતે પ્રેરાઇને જ રશિયાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જો કે ચીને પણ વૈશ્વિક સ્તરે પોતાની માનવતાવાદી છાપ ઉપસાવવા આને જજનો અંગત ચુકાદો ગણાવી દીધો છે એ સ્પષ્ટ જણાય છે.

આપણે આગળ જોયું તેમ આંતરરાષ્ટ્રીય સંબંધો આજે ઘણા સંકુલ બની ગયા છે અને તેમાં પોતાના હિતો જાળવવા દેશોએ ઘણી વખત તંગ દોરડા પર ચાલવાના ખેલ કરવા પડતા હોય છે. રશિયા વિરુદ્ધ ભારતે કોઇ સીધુ ઉચ્ચારણ યુક્રેન આક્રમણની બાબતમાં કર્યું નથી પરંતુ તેણે સતત શાંતિ અને મંત્રણાની વાતો કર્યે રાખી છે. યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા ભારતે યુક્રેન ઉપરાંત રશિયા સાથે પણ વાત કરી હતી અને પોતાનો હેતુ સિદ્ધ કરવો પડ્યો હતો. હવે આઇસીજેના ભારતીય જજના રશિયા વિરુદ્ધ ચુકાદો આપ્યો ત્યારે ભારતે ફરીથી મુત્સદ્દીગીરી બતાવવી પડી છે. ગમે તેમ પણ આઇસીજેના ભારતીય જજ દલવીર ભંડારીએ ભલે ૧૩ જજોની પેનલના એક સભ્ય તરીકે પોતાનો ચુકાદો આપ્યો હોય, પરંતુ તેમનો ચુકાદો હાલના સંજોગોને કારણે નોંધપાત્ર જરૂર બની રહ્યો છે.

Most Popular

To Top