Editorial

કોરોના માટે લીધેલી રસી હાલના કોરોના વેરિયન્ટ સામે કામ નહીં કરે

દેશભરમાં ફરી એક વાર કોરોના વાયરસના ચેપના કેસ સામે આવવા લાગ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, સોમવાર સુધીમાં દેશમાં કોરોના ચેપના ૩,૯૬૧ સક્રિય કેસ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલે આ અઠવાડિયે જણાવ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસના ચાર પ્રકારો મળી આવ્યા છે. દેશમાં કોરોનાનાં ત્રણ મોજાં આવી ચૂક્યાં છે.

આ સમય દરમિયાન રોગની તીવ્રતા એટલી વધારે હતી કે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યાં હતાં. આ પછી સરકારે મોટા પાયે રસીકરણ અભિયાન શરૂ કર્યું અને મોટી વસ્તીને રસી આપવામાં આવી હતી. પ્રશ્ન એ છે કે શું ૨૦૨૨ સુધી આપવામાં આવતી કોવિડ રસીઓ કોરોનાના નવા પ્રકાર સામે અસરકારક રહેશે? શું નવા પ્રકારને કારણે કોરોનાની નવી લહેરની શક્યતા છે? મોટા ભાગનાં લોકોને કોવેક્સિન અને કોવિશિલ્ડ રસી આપવામાં આવી હતી. કેટલાંક લોકોએ રશિયન સ્પુટનિક રસી પણ લીધી હતી.

નાગપુરની સરકારી મેડિકલ કોલેજના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અવિનાશ ગાવંડે કોરોના મહામારી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે બનાવેલા ટાસ્ક ફોર્સનો ભાગ હતા. ડૉ. અવિનાશ ગાવંડે કહે છે કે અગાઉની રસી વર્તમાન વેરિઅન્ટ પર કામ કરશે નહીં. દર વર્ષે કોરોના સામે નવી રસી લેવી ફાયદાકારક રહેશે. આ માટે દર વર્ષે નવી રસીઓ વિકસાવવી પડશે, કારણ કે જૂની રસીઓ કોરોનાના નવા પ્રકારો પર કામ કરશે નહીં. જો કેટલાંક લોકોમાં હજુ પણ જૂની રસીઓથી રોગપ્રતિકારક શક્તિ મોજૂદ છે, તો તે હાલના પ્રકારો સામે લડવામાં મદદ કરશે.

જેમ એક વર્ષ પહેલાં આપવામાં આવેલી ઈન્ફલ્યુએન્ઝાની રસી આગામી વર્ષે કોઈ કામની નથી અને નવી રસી વિકસાવવી પડે છે તેવી જ રીતે જો આપણે કોરોનાને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માંગતા હોઈએ તો દર વર્ષે નવી રસીઓ વિકસાવવી પડશે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સતત પરિવર્તન કરતો રહે છે, તેથી દર વર્ષે એક નવી રસી બહાર પાડવામાં આવે છે. આ રસી બનાવવા માટેનું સંશોધન ખર્ચાળ હોવાથી દર વર્ષે નવી રસી બનાવવી શક્ય લાગતું નથી. ડોક્ટરો કહે છે કે એ વાત સાચી છે કે દર વર્ષે જ્યારે વાયરસનો કોઈ પ્રકાર બહાર આવે છે, ત્યારે તેના માટે રસી બનાવવી જોઈએ.

હાલમાં સિંગાપોર અને હોંગકોંગમાં પણ કોરોના ચેપના કેસ વધી રહ્યા છે. સિંગાપોરમાં અત્યાર સુધી જે નમૂનાઓના જીનોમ સિક્વન્સ કરવામાં આવ્યા છે, તેમાં મોટા ભાગના કેસ JN.1 વેરિઅન્ટના હોવાનું જાણવા મળ્યું છે. આ JN.1 વેરિઅન્ટ નવો નથી. તે ઓમિક્રોનનો એક પેટા વેરિઅન્ટ છે જે છેલ્લાં કેટલાંક વર્ષોમાં શોધાયો છે. દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ. સંજય રાય કોવેક્સિનના ત્રણેય તબક્કામાં મુખ્ય સંશોધક હતા. ડૉ. સંજય રાયે કહ્યું કે JN.1 એ કોરોનાના ઓમિક્રોન વાયરસનો એક પેટા પ્રકાર છે. તે એક વર્ષથી વધુ સમય પહેલાં શોધાયો છે.

આ કોઈ નવો વાયરસ નથી. તે ગંભીર હોઈ શકે છે કે નહીં તે અંગે અમારી પાસે સંપૂર્ણ માહિતી છે. JN.1 વેરિઅન્ટથી ડરવાની કોઈ જરૂર નથી. હવે જે જાણવા મળ્યું છે તે મુજબ તે સામાન્ય શરદી જેટલો હળવો અથવા તેનાથી પણ હળવો હોઈ શકે છે. આ પ્રકાર ઓમિક્રોન કરતાં હળવો છે. જો કે, તે ઝડપથી ફેલાય છે. જો એક વ્યક્તિને ચેપ લાગે છે, તો તે આ પ્રકારથી ઘણાં લોકોને ઝડપથી ચેપ લગાવી શકે છે. જો કે, પરિસ્થિતિ એટલી ગંભીર નથી. તેથી લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. નાનાં બાળકો, વૃદ્ધો અને પહેલાંથી જ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતાં લોકોએ ચોક્કસપણે પોતાનું ધ્યાન રાખવું જોઈએ. જે લોકો કોરોનાના આ પ્રકારથી સંક્રમિત છે તેમણે અન્ય લોકોથી અંતર જાળવવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે તેમનો ચેપ બીજા કોઈમાં ન ફેલાય.

નિષ્ણાતો કહે છે કે કોરોનાનો નવો પ્રકાર ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઘણાં લોકો વિચારી રહ્યાં છે કે શું કોરોનાની નવી લહેર આવી શકે છે? ડૉ. અવિનાશ ગાવંડેએ કહ્યું કે આ વખતે નવી લહેરની શક્યતા ઓછી છે. તેઓ આ પાછળ ત્રણ કારણો જણાવે છે. સૌ પ્રથમ, આપણા દેશમાં મોટી સંખ્યામાં લોકોને રસી આપવામાં આવી છે. તેથી કેટલાંક લોકોમાં આ પ્રકાર સામે લડવા માટે ઓછામાં ઓછી થોડી રોગપ્રતિકારક શક્તિ છે. બીજું, ભલે આ પ્રકાર ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેની તીવ્રતા ઓછી છે.

જો તે ઘણાં લોકોને થાય છે, તો પણ તેઓ જલ્દીથી સાજાં થઈ જશે, તેથી પરિસ્થિતિ પહેલાં જેવી રહેશે નહીં. ત્રીજું, જો કોઈ વ્યક્તિ આ પ્રકારથી સંક્રમિત હોય, તો પણ તેને ખબર નહીં પડે કારણ કે રોગની ગંભીરતા ઓછી હોય છે. જો કે, આ પ્રકારથી ચેપ લાગ્યા પછી વ્યક્તિના શરીરમાં આ પ્રકાર સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી શકાય છે. નવો વેરિઅન્ટ JN.1 એ ઓમિક્રોનનો પેટા વેરિઅન્ટ છે. તેનાં લક્ષણો હળવાં હોવા છતાં તે ગંભીર નથી, તેથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ ઓછી જોવા મળી રહી છે. પરંતુ જો આ વેરિઅન્ટમાં દર્દીઓની સંખ્યા વધે તો પણ એવી પરિસ્થિતિ નહીં આવે કે વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાં પડે, કારણ કે તેનાં લક્ષણો ખૂબ જ હળવાં છે. એવું કહી શકાય નહીં કે કોરોનાની નવી લહેર આવશે, પરંતુ જે લોકોને પહેલાંથી જ અન્ય રોગો છે તેઓએ ચિંતા કરવાની જરૂર છે.

દરમિયાન કોવિશીલ્ડ નામની કોરોના રસી બનાવતી કંપનીએ સુપ્રિમ કોર્ટમાં કબૂલ કર્યું છે કે તેમની રસી લેવાથી લોહીના ગઠ્ઠા બાઝી જાય છે, જેને કારણે હૃદય રોગનો હુમલો પણ આવી શકે છે. દેશમાં તાજેતરનાં વર્ષોમાં લાખો યુવાનો અચાનક હાર્ટ એટેક આવવાથી મરણ પામ્યાં તેની પાછળ કોરોનાની રસી જવાબદાર હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. એસ્ટ્રાઝેનેકાની રસી કોવિશિલ્ડની આડ અસરો પ્રકાશમાં આવી ત્યારથી રસી લેનારાં લોકોના મનમાં અનેક પ્રકારનો ભય ફેલાઈ ગયો છે.

રસી ઉત્પાદક કંપનીએ બ્રિટનની કોર્ટમાં પણ સ્વીકાર્યું હતું કે રસી લેનારાં લોકોને દુર્લભ પરિસ્થિતિઓમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યા થઈ શકે છે. રસી ઉત્પાદક એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું હતું કે કેટલાક રસી અપાયેલાં લોકોને દુર્લભ પરિસ્થિતિઓમાં થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) સાથે થ્રોમ્બોસિસ થવાનું જોખમ હોઈ શકે છે. તાજેતરના મિડિયા અહેવાલો દર્શાવે છે કે રસીની આડ અસરોના ભયથી બચવા માટે લોકોએ લોહી પાતળું કરવાની દવાઓ લેવાનું શરૂ કર્યું છે. આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી જારી કરી છે અને કહ્યું છે કે તબીબી સલાહ વિના લોહી પાતળું કરતી દવાઓ ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

લોહી પાતળું કરતી દવાઓ સામાન્ય રીતે એવાં લોકોને આપવામાં આવે છે જેનું લોહી ખૂબ જાડું હોય છે અને જેમને લોહી ગંઠાઈ જવાને કારણે હાર્ટ એટેક અથવા સ્ટ્રોક જેવી જીવલેણ સમસ્યાઓનો ભય રહે છે. આ દવાઓ શરીરમાં લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયાને ધીમી કરે છે. તબીબી સલાહ વિના આ દવાઓનું સેવન કરવાથી ગંભીર અને જીવલેણ આડ અસરો થઈ શકે છે. જો તમે જાતે અથવા તબીબી સલાહ વિના લોહી પાતળું કરનાર દવાઓ લઈ રહ્યા છો, તો તેની ઘણી ગંભીર આડ અસર થઈ શકે છે. તેનાથી ગંભીર રક્તસ્રાવ થઈ શકે છે. નાક અને પેઢામાંથી લોહી નીકળવું, નાના કાપ પછી વધુ રક્તસ્રાવ જેવી સમસ્યાઓ જોવા મળી છે. આ દવાઓને કારણે ચક્કર આવવા, સ્નાયુઓની નબળાઈ, વાળ ખરવા અને ફોલ્લીઓ થવાનું જોખમ પણ થઈ શકે છે.

કોવિશિલ્ડ આપ્યા પછી મૃત્યુ પામેલી એક યુવતીના માતાપિતા વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક તેમજ કોવિડ રોગચાળા દરમિયાન તેને વિકસાવનાર બ્રિટિશ ફાર્મા જાયન્ટ સામે દાવો કરવાની યોજના બનાવી રહ્યા છે. એસ્ટ્રાઝેનેકા રસી ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા કોવિશિલ્ડ નામથી બનાવવામાં આવી હતી અને અહીં તેનું વ્યાપકપણે વિતરણ કરવામાં આવતું હતું. ૨૦૨૧ માં પોતાની ૨૦ વર્ષની પુત્રી કરુણ્યાને ગુમાવનાર વેણુગોપાલન ગોવિંદને કહ્યું કે આ કબૂલાત ખૂબ મોડી થઈ હતી અને ઘણાં લોકોના જીવ ગયા પછી આવી હતી. ૧૫ યુરોપિયન દેશોએ લોહીના ગંઠાવાથી થતા મૃત્યુ પર કોવિશીલ્ડ રસીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યા પછી સીરમ ઇન્સ્ટિટ્યૂટે રસીનો પુરવઠો બંધ કરી દેવો જોઈતો હતો. તેમણે કહ્યું કે શોકગ્રસ્ત માતાપિતા વિવિધ અદાલતોમાં ન્યાય માટે લડી રહ્યાં છે, પરંતુ તેમને સુનાવણી મળી રહી નથી.
.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top