તમને ખબર છે દુનિયામાં સૌથી મોટું ઈ-કોમર્સ માર્કેટ ક્યા દેશમાં છે? ચીનમાં. 3.45 ટ્રિલિયન ડોલરની ઓનલાઈન ખરીદી ચીનમાં થાય છે. બીજા નંબરે અમેરિકા છે. આપણને ભલે લાગે કે ભારત ઈ-કોમર્સનું મોટું માર્કેટ છે, પરંતુ ભારત હજુ ટોપ-3માં નથી. જાપાન અને બ્રિટન ભારત કરતાં આગળ છે, પરંતુ ભારત આ બધાથી આગળ એક વાતે છે. ભારત ઈ-કોમર્સ કંપનીઓ માટે સૌથી ઝડપથી ઉભરતું માર્કેટ છે. ભારતમાં જે ઝડપે ઈ-કોમર્સના યુઝર્સ વધી રહ્યા છે એટલી ઝડપે બીજા કોઈ દેશમાં વધતા નથી.

એમાં એક કારણ એ ખરું કે લોકોને ઓનલાઈન શોપિંગ વધારે અનુકૂળ આવતું જાય છે. તેની રિપ્લેસમેન્ટ પોલિસી, ગમે તે સમયે ઓર્ડર પ્લેસ કરવાની મોકળાશ, પેમેન્ટ્સના એકથી વધુ વિકલ્પોના કારણે ઈ-કોમર્સ વિકસી રહ્યું છે. બીજું એક કારણ પણ છે, જેને ડાર્ક પેટર્ન કહેવાય છે. ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ફેડરેશન અને ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશને દેશમાં સર્વિસ આપતી ઈ-કોમર્સ કંપનીઓ પર થોડા સમય પહેલાં ગંભીર આરોપ લગાવ્યો હતો. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાને રજૂઆત કરતાં આ સંગઠનોએ કહ્યું હતું કે ઓનલાઈન કંપનીઓ બેફામ ઓફર્સ આપીને માર્કેટનું સંતુલન બગાડે છે. બીજા બધા આરોપ સાથે એક આરોપ એવો છે કે ઈ-કોમર્સ કંપનીઓ ડાર્ક પેટર્નનો ઉપયોગ કરે છે. ડાર્ક પેટર્ન એટલે એક નહીં તો બીજી રીતે ગ્રાહકને પોતાના પ્લેટફોર્મ તરફ લાવવા માટેની ગેરવાજબી તરકીબો. એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના લેટેસ્ટ અહેવાલમાં તો ત્યાં સુધી દાવો થયો હતો કે ભારતમાં સરેરાશ 53 માંથી 52 એપમાં ડાર્ક પેટર્નથી ગ્રાહકોને લોભાવવામાં આવે છે. ઈ-કોમર્સ કંપનીઓની આ ચાલાકી સામેય વિરોધ ઉઠતો રહે છે. આ તો થયા ઈ-કોમર્સ કંપનીઓના ગ્રોથ પાછળના કારણો, પરંતુ મૂળ વાત પર પાછા ફરીએ તો ઈ-કોમર્સનું બિઝનેસ મોડલ જ એવું છે કે ઓછા નફાએ વધુ વકરો કરી લેવો. એ માટે તે માર્કેટ કરતાં સસ્તાં ભાવે ચીજવસ્તુઓ આપે છે અને એ જ બાબત ભારતના ગ્રાહકોને આકર્ષે છે. દેશમાં ઈ-કોમર્સ માર્કેટ કેટલી ઝડપે વધી રહ્યું છે એનો અંદાજ એ વાત પરથી આવે છે કે 2011માં 28,500 કરોડનું ઈ-કોમર્સ માર્કેટ 2017માં એક લાખ કરોડથી વધુ થયું હતું. 2023ના અંતે 1160 કરોડ ડોલરે પહોંચેલું આ સ્વદેશી માર્કેટ 2030 સુધીમાં 3300 કરોડ ડોલરથી પણ વધારે હશે. દેશમાં ઈ-કોમર્સ ગ્રાહકો 35 કરોડ પહોંચ્યા છે ને આગામી ચાર-પાંચ વર્ષમાં 50 કરોડ લોકો ઓનલાઈન શોપિંગ પર ભરોસો કરતા હશે.
થોડા વર્ષો પહેલાં ઓનલાઈન શોપિંગ માત્ર મોટા શહેરોમાં જ થતી હતી. મહાનગરની બહાર ઈ-કોમર્સ કંપનીઓ પ્રોડક્ટની ડિલિવરી કરતી ન હતી. એ પછી પ્રથમ સ્તરના થોડાં મોટાં શહેરો સુધી સામાનની ડિલિવરી થવા માંડી, પણ ગામડાંઓમાં પ્રોડક્ટ મળતી ન હતી. ગામડાંમાંથી ઓર્ડર કર્યો હોય તો એ શહેરમાં જ લેવા જવું પડે. એટલે નાના શહેરમાં ન મળતી હોય એવી ચીજવસ્તુઓ ગામડાંના યુઝર્સ ઓનલાઈન ઓર્ડર કરીને શહેરમાંથી મેળવી લેતા, પરંતુ આ ટ્રેન્ડ છેલ્લાં બે-ત્રણ વર્ષથી ઝડપભેર બદલાયો છે. પાટનગરથી 400 કિલોમીટર દૂર દરિયાઈ પટ્ટીના ગામડાં સુધી ઈ-કોમર્સ કંપનીઓ સર્વિસ આપતી થઈ હોવાથી ગામડાંમાં ઓનલાઈન શોપિંગનો જબરો ટ્રેન્ડ ચાલ્યો છે. તે એટલે સુધી કે મહાનગરોને ટક્કર આપે એટલી શોપિંગ ગામડાંમાં થવા માંડી છે. ફિક્કી એન્ડ ડિલોયના લેટેસ્ટ સર્વેમાં જણાયું છે કે મહાનગરોમાં ઈ-કૉમર્સ એપ્સમાંથી 49% ચીજવસ્તુઓ ઓર્ડર કરે છે. તો કસ્બાં અને ગામડાઓના 45% યુઝર્સ ઓનલાઈન ઓર્ડર કરીને સામાન મંગાવે છે. ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ ગામડાંમાં પહોંચ્યો તેનાથી દેશની ઈ-કોમર્સ કંપનીઓ ઉત્સાહમાં છે. તેમને આગામી વર્ષોમાં કરોડો નવા ગ્રાહકો મળશે.