Editorial

વિવિધ મધ્યસ્થ બેંકોના ઉપરાછાપરી દર વધારાઓ વિશ્વમાં મંદી નોંતરી શકે છે

કોરોનાના રોગચાળાને કારણે ખોરવાયેલી સપ્લાય ચેઇનને કારણે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં મોંઘવારીનો દોર શરૂ થયો જ હતો અને ત્યાં આ વર્ષના ફેબ્રુઆરીના અંતભાગેથી યુક્રેન યુદ્ધ શરૂ થયુ અને તેણે પરિસ્થિતિ ઓર વકરાવી અને પશ્ચિમી દેશોમાં મોંઘવારી ખૂબ જ વધી ગઇ. ઘણી બાબતોમાં, ખાસ કરીને ઇંધણની બાબતમાં યુરોપના દેશો રશિયા પર વધુ આધારિત હોવાથી તેમની સ્થિતિ ઓર બગડી છે અને ત્યાં અનેક દેશોમાં સખત મોંઘવારી પ્રવર્તી રહી છે.

કાળઝાળ મોંઘવારીને નાથવા માટે અમેરિકા, યુકે અને સ્વિત્ઝર્લેન્ડની મધ્યસ્થ બેંકોએ તેમના વ્યાજદરો વધાર્યા છે. અમેરિકી ફેડરલ રિઝર્વે એક પર્સન્ટેજ પોઇન્ટના ત્રણ ક્વાર્ટર દર વધારો કર્યો હતો અને કહ્યું હતું કે હજી વધુ દર વધારો આવી શકે છે જ્યારે યુકેની મધ્યસ્થ બેંક એવી બેંક ઓફ ઇંગલેન્ડે વધુ અડધા ટકાનો દર વધારો કર્યો છે અને સ્વીત્ઝર્લેન્ડની સેન્ટ્રલ બેન્કે વર્ષોના નેગેટિવ વ્યાજ દરનો અંત લાવતા તેનો વ્યાજ દર માઇનસ ૦.૨પ ટકા પરથી વધારીને ૦.પ૦ ટકા કર્યો છે.

અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે આ દર વધારા સાથે ચેતવણી પણ આપી છે કે ફુગાવાને નાથવાનો માર્ગ સરળ નથી. દર વધારા પછી એક પત્રકાર પરિષદને સંબોધન કરતા તેમણે કબૂલ્યું હતું કે ફેડનું લક્ષ્ય સોફ્ટ લેન્ડિંગની યોગ્ય વ્યવસ્થા કરવાની છે જેમાં તે ફુગાવાને નાથવાની સાથે ધીમ વિકાસની સમસ્યાને પણ હાથ ધરી શકે જેથી મંદીને અટકાવી શકાય પણ હવે આ વધતા જતા પ્રમાણમાં અશક્ય લાગે છે. તેમનું નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે ફુગાવા સામેની લડત હવે મંદી નોતરી શકે છે. ઓછા દરે ધિરાણી શક્યતા હવે નાબૂદ થતી જાય છે એ મુજબ તેમણે કહ્યું હતું.

કોઇ જાણતુ નથી કે આ પ્રક્રિયા મંદી તરફ દોરી જશે કે મંદી કેટલી હદે નોંધપાત્ર હશે એ મુજબ તેમણે કહ્યું હતું. તેમની ચેતવણી અવગણવા જેવી નથી. ભારત સહિત વિશ્વના અનેક દેશોની મધ્યસ્થ બેંકો ફુગાવાને નાથવા ઉપરાછાપરી વ્યાજ દરો વધારી રહી છે અને આ ઉપરાછાપરી દર વધારાઓ મંદીને નોંતરી શકે છે. બેંક ઓફ ઇંગ્લેન્ડે તેના ગયા મહિનાના દર વધારા જેવો જ વધારો કરીને તેનો વ્યાજ દર વધારીને ૨.૨૫ ટકા કર્યો છે જ્યારે સ્વિત્ઝર્લેન્ડની મધ્યસ્થ બેંક સ્વીસ નેશનલ બેન્કે તેનો વ્યાજ દર વધારીને ૦.પ૦ ટકા પર પહોંચાડ્યા બાદ કહ્યુ છે કે હજી વધુ દર વધારો આવી શકે છે. અમેરિકી ફેડરલ રિઝર્વે તો ચેતવણી આપી જ છે કે હજી વધુ દર વધારાઓ આવી શકે છે.

ભારતની મધ્યસ્થ બેંક એવી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ છેલ્લા કેટલાક સમયમાં અનેક વખત દર વધારા કર્યા છે અને હજી પણ ભારતમાં ફુગાવો આરબીઆઇના કમ્ફર્ટ લેવલ કરતા વધારે છે ત્યારે ભારતમાં હજી દર વધારો થવાના સંકેતો છે. એક બાજુ વિશ્વના દેશો સામે ફુગાવાને નાથવાનો પડકાર છે તો બીજી બાજુ ધીમા પડેલા વિકાસને વેગ આપવાનો પણ પડકાર છે. બ્રિટનમાં એક બાજુ દરવધારો કરવામાં આવ્યો છે તો બીજી બાજુ ત્યાંની નવી સરકારે પ્રજાને રાહત આપવા અને વિકાસને વેગ આપવા કરમાં ઘટાડાની યોજના સાથે મિનિ બજેટ રજૂ કર્યું છે.

બ્રિટનની નવી સરકારે વેરાઓમાં કાપનો એક સ્વીપિંગ પ્લાન જાહેર કર્યો હતો જેણે જણાવ્યું હતું કે આ વેરાઓમાં કાપને કારણે આવકમાં થતી ખોટને ધિરાણો અને અપેક્ષિત વિકાસથી થનાર આવકોથી પુરવામાં આવશે. જીવન નિર્વાહના વધતા જતા ખર્ચ સામે લડવા અને કથળતા અર્થતંત્રને વેગ આપવા માટેના પગલાઓના ભાગરૂપે આ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન લિઝ ટ્રસના નવા ચાન્સેલરે શુક્રવારે સંસદના મેજ પર એક મીની બજેટ રજૂ કર્યું હતું જે ટ્રસના વેરા સુધારાઓના વચનને અનુરૂપ છે જે વચન તેમણે પક્ષમાંની ચૂંટણી વખતે ભારતીય મૂળના ઋષિ સુનાક સાથેની હરિફાઇ વખતે આપ્યું હતું.

ટ્રેઝરી વડા અને નવા ચાન્સેલર ક્વાઝી ક્વારતેંગે આ કાર્યક્રમની અને તેની સરકારના ખાધ અને ઉધારી ઘટાડવાના પોતાના લક્ષ્યો પરની અસર અંગે થોડીક જ વિગતો આપી હતી. સરકારનો આ દ્વિપાંખિયા અભિગમ ઘરો અને ધંધાઓ માટે ટૂંકા ગાળાની મદદ પુરી પાડે છે જેઓ ઉર્જાની વધતી કિંમતો સામે ઝઝૂમી રહ્યા છે અને વેરાઓ ઘટાડવા અને નોકરશાહીના દૂષણો ઘટાડવા માટે હિમાયત કરી રહ્યા છે. આપણે નવા યુગ માટે એક નવા અભિગમની જરૂર છે જે વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતો હોય એમ આમ સભામાં ક્વાતેંગે કહ્યું હતું. આ મિનિ બજેટ રજૂ થયું તેના થોડા જ સમય પછી બ્રિટિશ પાઉન્ડ ગગડીને ઓલ ટાઇમ લો સપાટીની તદ્દન નજીક પહોંચી ગયો હતો. આવા વિકટ સંજોગોમાં બ્રિટનનો આ કથિત વિકાસ કાર્યક્રમ કેટલો સફળ રહેશે તે સંજોગો જ બતાવશે.

આપણે અગાઉ જ જોયું કે ભારત સહિત વિશ્વના અનેક દેશો સામે ફુગાવાને નાથવાની સાથે વિકાસને વેગ આપવાનો પણ પડકાર છે. ફુગાવાને નાથવા માટે વ્યાજ દરો વધારવામાં આવે છે તો ધિરાણ મોંધા થઇ જાય છે જેને કારણે ઉત્પાદન અને વપરાશ પર અસર પડે છે જેની અસર છેવટે નોકરીઓ કે રોજગારી પર પડે છે, એક દુષ્ચક્ર શરૂ થાય છે અને છેવટે તે મંદીમાં પરિણમે છે. અત્યારે વિશ્વમાં આવી જ સ્થિતિ છે અને આગામી દિવસોમાં સ્થિતિ કેવો વળાંક લે છે તે હવે જોવાનું રહે છે.

Most Popular

To Top