એક રાજ પરિવાર હતો.સાધનસંપન્ન રાજ્ય હતું.રાજ્યનો ખજાનો ઉભરતો હતો.સુંદર મહેલ હતો. ચારે બાજુ રાજ્યની સમૃદ્ધિની વાતો થતી હતી.પણ રાજા અને રાજ પરિવારથી કોઈ ખુશ ને સંતુષ્ટ ન હતું. રાજા આટલી સમૃદ્ધિ હોવા છતાં ક્યારેય કોઈ પરોપકાર અને પ્રજા ઉપયોગી કાર્ય કરતા ન હતા.રાજા પાસે મદદ માંગનારને કોઈ દિવસ કોઈ મદદ મળતી નહિ. રાણી અત્યંત સ્વરૂપવાન હતાં પણ સ્વભાવે ક્રૂર અને કર્કશ હતાં.કોઈ આવડત ન હતી અને જરા જેટલી ભૂલ થાય તો દાસ દાસીઓને કોરડા મારવાની અને હાથમાં ડામ દેવા જેવી ક્રૂર સજા કરતાં.રાજકુમારી ખૂબ જ વિદ્યાવાન હતી.
પણ પોતાની હોશિયારીનું બહુ અભિમાન હતું વાણી અને વર્તન એકદમ ઉદ્ધત હતા.વાદવિવાદમાં રાજકુંવરી જેને હરાવતી તે બધાને તેના ગુલામ થઈ રહેવું પડતું હતું અને રાજાનો કુંવર યુવરાજ પરાક્રમી અને વીર હતો પણ તેને શરાબની લત હતી. હંમેશા તે નશામાં જ રહેતો હતો.ઘણું બધું હોવા છતાં રાજપરિવાર પોતાની પ્રજાને આનંદ આપી શકતો ન હતો.બધા રાજ્પરિવારને દિલથી નહિ, પણ માત્ર ડરને કારણે માન આપતા હતા.
રાજપરિવારના અનુભવી હિતેચ્છુ મંત્રી આ બધું સમજતા હતા, પણ રાજા અને તેના પરિવારને તેની ભૂલ કોણ સમજાવે.મંત્રી એક સાધુ પાસે ગયા અને રાજપરિવાર વિષે બધી વાત જણાવી. તેમની આંખો ખોલવા માટે કોઈ રસ્તો બતાવવા કહ્યું…સાધુ બોલ્યા, ‘હું આવતી કાલે સવારે રાજદરબારમાં આવીશ. તમે માત્ર એટલું કરજો કે પરિવારના બધા સભ્યો ત્યાં હાજર હોય અને દરબાર ભરેલો હોય.’ મંત્રીશ્રીએ મહત્ત્વની બેઠક છે કહી બધાને હાજર રહેવા કહ્યું.દરબારમાં બધા આવ્યા..દરબાર શરૂ થયો અને થોડી વારમાં જ હાથમાં ચીપયો ખખડાવતા સાધુ મહારાજ આવ્યા. દરવાજે ઊભા રહીને મોટેથી બોલવા લાગ્યા, ‘વ્યર્થ છે ..વ્યર્થ છે અહીં બધું વ્યર્થ છે.’ રાજાએ તેમને અંદર બોલાવી પૂછ્યું , ‘શું કામ આવી બૂમો પાડો છો?’
સાધુ ગભરાયા વિના બોલ્યા, ‘રાજન, તમારી પાસે બધું જ છે, પણ વ્યર્થ છે.આટલી સમૃદ્ધિ છે છતાં તમે પરોપકારનું પ્રજા કલ્યાણનું એક કામ નથી કરતા.સામેથી મદદ માંગવા આવનારને હાંકી કાઢો છો.રાજન, પરોપકાર વિના જીવન જ વ્યર્થ છે.મહારાણી રૂપવાન છે પણ દયા કરુણાનો અંશ નથી, કોઈ આવડત નથી.રાણી, યાદ રાખજો ગુણ વિના રૂપ વ્યર્થ છે.રાજકુમારી જ્ઞાની છે પણ અભિમાની અને ઉદ્ધત છે.કુંવરી, સમજી લેજો કે વિનમ્રતા વિના વિદ્યા વ્યર્થ છે.’ અને નશામાં બેઠેલા રાજકુમાર પર તો સાધુએ પોતાના કમંડળમાંથી પાણી જ ફેંક્યું.રાજકુમાર ગુસ્સે થઈ ગયો અને તલવાર કાઢી પણ નશાને કારણે બરાબર ઊભો પણ થઈ શક્યો નહિ. વાર ક્યાંથી કરે? સાધુએ કહ્યું, ‘કુમાર, ગમે તેટલા તમે વીર હો, પણ હોશ વિના બધું જોશ વ્યર્થ છે.નશામાં મદહોશ રહેનાર યુવરાજ શું રક્ષા કરશે.’ સાધુએ ડર્યા વિના સાચી વાત કરી રાજ પરિવારની આંખો ખોલી નાખી અને સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.