Columns

સમજણ એક મજૂરણની

બસસ્ટોપ પર બહુ ગિરદી હતી. મીનાને પગમાં વાગ્યું હતું. તે થોડી લંગડાતી ચાલે બસસ્ટોપ સુધી આવી.બસસ્ટોપ પર ગિરદી જોઈ તેને ચિંતા થઇ કે બસમાં કેમ ચઢાશે અને જો ચઢાશે પણ જગ્યા મળશે કે નહિ.માંડ માંડ મીના બસમાં ચઢી.આજુબાજુ જોયું, કયાંય કોઈ સીટ ખાલી ન હતી. બે સીટ આગળ એક મજૂરણ સ્ત્રી બેઠી હતી. તેણે મીનાને બોલાવી અને કહ્યું, ‘તમે બેસો.’ મીનાને પગમાં બહુ દુખાવો હતો એટલે તે આભાર માની તરત બેસી ગઈ.બે સ્ટોપ પછી મીનાની બાજુની સીટ ખાલી થઇ; મજૂરણ સ્ત્રીએ પોતે ન બેસતાં એક નાના બાળકને તેડીને ઊભેલી સ્ત્રીને સીટ પર બેસવા કહ્યું.

પોતે ઊભી રહી.પેલી નાના બાળકવાળી સ્ત્રીનું સ્ટોપ આવ્યું તે  ઊભી થઈ ત્યારે પણ મજૂરણે પોતે ન બેસતાં તે સીટ પર એક વૃદ્ધ કાકાને બેસવા દીધા.  બે સ્ટોપ પછી કાકા ઊતર્યા.હવે મીનાએ હાથ પકડી ખેંચીને મજૂરણ સ્ત્રીને પોતાની બાજુની સીટ પર બેસાડી દીધી.મીનાએ કહ્યું, ‘તને મળેલી સીટ પહેલાં તેં મને આપી;પછી પણ બે વાર સીટ પેલી નાના બાળકવાળી સ્ત્રીને અને પછી વૃદ્ધ કાકાને આપી.કેમ આખો દિવસ મજૂરી કરીને તને થાક નથી લાગતો? બેસવાની જરૂર તો તને પણ છે.આમ ત્રણ ત્રણ વાર કોઈ સીટ છોડે?’

મજૂરણનો જવાબ દરેક પોતાને સમજદાર માનનારાઓએ સમજવા જેવો છે.મજૂરણ સ્ત્રીએ કહ્યું, ‘બહેન, આખો દિવસ મજૂરી કરીને થાક તો લાગે જ ને. ભાર ઉપાડી ઉપાડી પીઠ અને પગનો કૂચો નીકળી જાય છે.પણ તમારું ધ્યાન નહિ હોય, પણ હું રોજ આ બસ સ્ટોપથી જ ચઢું છું.તમને રોજ જોઉં છું.મને ખબર છે, તમને પગમાં વાગ્યું છે અને તમે માંડ માંડ ધીમે ધીમે બસમાં ચઢ્યાં;તમે કેવી રીતે વાગેલા પગે ઊભા રહેત  એટલે મેં તમને સીટ આપી દીધી.પછી પેલી સ્ત્રીનું બાળક રડતું હતું એટલે મેં તેને બેસવા કહ્યું અને સીટ મળતાં જ તે શાંત થઇ ગયું અને આટલા વૃદ્ધ કાકા ઊભા હોય અને હું બેસું એ કેવું લાગે? એટલે મેં તેમને સીટ આપી દીધી.

મેં તમને કે પેલી સ્ત્રીને કે વૃદ્ધ કાકાને સીટ આપી તો બધાએ મને આશિષ જ આપ્યા હશે.અને બહેન થોડા કલાકોની સફર છે તેમાં એક સીટ માટે શું ઝઘડવું.આમ પણ આપણું સ્ટોપ આવતાં આ સીટ અહીં જ છોડી દેવાની છે.ઘરે તો નથી લઇ જવાના, તો પછી શું કામ ઝઘડવું?’  મજૂરણની આ સમજણ જીવનસફરમાં અપનાવવા જેવી છે.આ જીવન એક સફર છે. અહીં આપણે આવ્યાં છીએ અને આપણું જીવનકાર્ય પૂરું કરી એક દિવસ ચાલ્યા જઈશું અને ત્યારે સાથે તો કંઈ જ નહિ લઇ જઈએ, તો પછી કોઈ પણ વસ્તુ માટે મોહ શું કામ રાખવો? કે કોઈ વસ્તુ માટે કોઈ સાથે લડવું ઝઘડવું શું કામ? જીવન જીવતાં જઈએ અને બને તો અન્યને મદદરૂપ થતાં જઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top