હાલમાં વરસાદની મોસમ બરાબર જામી ગઈ છે. વરસાદથી બચવા માટે લોકો રેનકોટ અને છત્રી સાથે લઈને કામ-ધંધા પર જતાં જોવા મળી રહ્યાા છે. અત્યારે તો ફેન્સી છત્રીઓનો જમાનો છે. ખાસ કરીને સુરતની યુવતીઓ બટનવાળી રંગબેરંગી ફોલ્ડિંગ છત્રીઓ પસંદ કરતી હોય છે, પણ કદાચ તમને ખ્યાલ નહીં હોય આઝાદી પહેલા આપણા દેશમાં છત્રીઓ બનવા માટેના સ્પેરપાટર્સ વિદેશથી આયાત કરવા પડતા હતા. એક સમય એવો પણ આવ્યો હતો કે દેશમાં છત્રીઓ મળવી મુશ્કેલ બની ગઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે એક જમાનો એવો પણ હતો કે સુરતના લોકોને રેશનિંગ કાર્ડ પર છત્રી મળતી હતી. પછી ધીરે-ધીરે દેશમાં જ છત્રીઓ માટેના સ્પેરપાર્ટ્સ બનવા લાગ્યા હતા.
સુરતમાં છત્રીઓ માટેનું મોટું બજાર ડબગરવાડ ગણાય છે. ડબગરવાડ છત્રી, પતંગ અને વાદ્ય સાધનો માટે મશહૂર છે. આ જ જગ્યા પર લક્ષ્મીદાસ હરિભાઈ એન્ડ સન્સ પેઢી સ્થિત છે. આ પેઢી દ્વારા છત્રીઓનો હોલસેલનો ધંધો કરવામાં આવે છે. તેના સ્થાપક શરૂઆતમાં છત્રી નહીં પણ વાજિંત્રોના વેચાણનો ધંધો કરતા હતા. તેમણે પછીથી છત્રીઓના ધંધામાં કેમ ઝંપલાવ્યું? ડબગરવાડ પહેલા સાબુ ગલીના નામથી કેમ ઓળખાતું? ગળાકાપ હરિફાઇના જમાનામાં આ પેઢી આજે 100 વર્ષથી અડીખમ ઉભી છે તો કેમ? તે આપણે આ દુકાનની ચોથી અને પાંચમી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રેશનિંગ પર છત્રી મળતી: નરેશભાઈ છત્રીવાલા
આ દુકાનની ચોથી પેઢીનાં સંચાલક નરેશભાઈ અંબાલાલ છત્રીવાલાએ જણાવ્યું કે આઝાદી પહેલા તો આપણા દેશમાં છત્રી બનાવવાના સ્પેરપાર્ટ્સ જાપાન, જર્મની, ઇટાલીથી આયાત કરવામાં આવતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન માલ આવતો બંધ થતાં છત્રીઓની અછત પડતા લોકોને છત્રી રેશનિંગ કાર્ડ પર મળતી. પછીથી છત્રીઓના સ્પેરપાર્ટ્સ આપણે ત્યાં પણ બનવા લાગ્યા હતા. છત્રી બનાવવાનું ટાફેટા કાપડ જાપાન, સળિયા ઇટાલીથી અને અન્ય સામાન બીજા દેશોમાંથી આવતો. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન માલ આવતો બંધ થતાં કોટનના કાપડના ટાકા મંગાવી તેને કાળો રંગ કરી છત્રી બનાવવામાં આવતી હતી.
2000ની સાલથી ચાઈના પોલીએસ્ટર કાપડની છત્રી બને છે: કરણ છત્રીવાલા
આ દુકાનની પાંચમી પેઢીનાં સંચાલક કરણ નરેશભાઈ છત્રીવાલાએ જણાવ્યું કે, 1970થી લેડીઝ છત્રી માટે કોટન પ્રિન્ટેડનો પ્રવેશ થયો. ત્યારબાદ 1992થી તાઈવાન નાયલોન કાપડનો પ્રવેશ થયો હતો. નાયલોન મોંઘું પડે છે એટલે તેની ડીમાંડ ઓછી છે. 2000ની સાલથી ચાઈના પોલીએસ્ટર કાપડનો જમાનો આવ્યો. આપણે ત્યાં અત્યારે પણ ચાઈનાની છત્રીઓ વધુ વેચાય છે કારણકે તે સસ્તી પડે છે. સુરતમા પહેલા પારસી કોમની મહિલાઓ બારેમાસ છત્રીઓનો ઉપયોગ કરતી હતી. એકસમયે છત્રીમાં લાકડાનો બાંબુ રૉડ રહેતો અને તે બાંબુ આસામથી આવતો.
1974થી ધંધાનું વિસ્તરણ કરી પતંગો વેચવાનું શરૂ કર્યું હતું: મેહુલ છત્રીવાલા
આ દુકાનની પાંચમી પેઢીનાં સંચાલક મેહુલ નરેશભાઈ છત્રીવાલાએ જણાવ્યું કે, 1974થી અમારી પેઢી દ્વારા ડબગરવાડમાં પતંગોનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. પહેલા ડબગરવાડમાં કેટલાક લોકો ટાવર રોડ પર પતંગો વેચતા હતા. મારા પિતા નરેશભાઇએ ડબગરવાડમાં પતંગો વેચવાની શરૂઆત કરી હતી. ડબગરવાડના વેપારીઓનો ટાવર રોડ પરનો પતંગનો ધંધો 1985ની આસપાસ ડબગરવાડમાં આવી ગયો. મેં મારા દાદા અને બીજા લોકો પાસેથી સાંભળ્યું હતું કે પહેલા ડબગરવાડ સાબુ ગલી તરીકે ઓળખાતું. અહીં પહેલા વોહરા લોકો સાબુ બનાવવાનો ધંધો કરતા હતા.
ગાર્ડન છત્રીનો ઉપયોગ લારી તથા અન્ય નાના ધંધાદારી કરે છે
પહેલા ગાર્ડનની શોભા વધારવા મોટી છત્રી રખાતી. જેને ગાર્ડન છત્રી કહેતા તે છત્રી હવે રોડ પર ધંધો કરતા વ્યાપારીઓ, શેરડીનો કોલુ ચલાવતા અને લારીવાળા ઉપયોગમાં લે છે. કાળા રંગની છત્રીઓ જેન્ટ્સ અને કલરફુલ ફેન્સી છત્રીઓ લેડીઝ યુઝ કરે છે.
રામજીભાઈએ ધંધાનો વિસ્તાર કર્યો
લક્ષ્મીદાસ છત્રીવાલાના મોટા પુત્ર રામજીભાઈએ ધંધાનો વિસ્તાર કર્યો હતો. તેઓ છત્રી અને તેના સ્પેરપાર્ટ્સ પણ વેચતા હતા. તેમના સમયમાં કારીગરો પાસેથી છત્રી બનાવાનું શરૂ કરાયું હતું. એ સમયમાં તો 16 અને 12 સળિયાની છત્રીઓનું ચલણ હતું. અત્યારે પણ 16, 12 અને 8 સળિયાની છત્રીઓ વેચાય છે.
બીજા વિશ્વયુદ્ધ પહેલા છત્રી બે આનામાં મળતી
નરેશભાઈએ જણાવ્યું કે મેં સાંભળ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ પહેલા છત્રી માત્ર બે આનામાં મળતી. 1960 પછીથી તે 5થી 6 રૂપિયામાં મળતી. હવે 70 રૂપિયાથી માંડીને સારી ક્વોલિટીની છત્રી 250-300 રૂપિયામાં મળે છે. પહેલા કાપડના ભાવ વધારે હતા અને લોખંડના સ્પેરપાર્ટ્સના ભાવ ઓછા હતા. હવે તેનાથી ઊલટું થઈ ગયું છે. હવે કાપડના ભાવ ઓછા અને લોખંડના સ્પેરપાર્ટ્સના ભાવ વધારે છે.
પહેલા ડબગરી ધંધો કરતા હતા
100 વર્ષ પહેલાં આ પેઢીની સ્થાપના લક્ષ્મીદાસ હરિભાઈ છત્રીવાલાએ કરી હતી. તેઓ પહેલા હાલની દુકાન નજીક જ ડબગરી ધંધો એટલે કે વાદ્ય સાધનો (વાજિંત્રો) વેચવાનો ધંધો કરતા હતા પછીથી છત્રીઓનો ધંધો વિસ્તરતા છત્રીઓના ધંધા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેઓ પોતે છત્રીઓ બનાવતા અને વેચતા ત્યારબાદ તેમના બે દીકરાઓ પણ છત્રી બનાવવા લાગ્યાં હતાં. તેમના ડબગર સમાજની સૌથી પહેલી વ્યક્તિ સુરતમાં 1417માં એટલેકે લગભગ 600 વર્ષ પહેલાં આવી હતી. લક્ષ્મીદાસ છત્રીવાલાએ આ જગ્યા 1931માં માત્ર 900 રૂપિયામાં લીધી હતી જોકે, તે જમાનામાં આ રકમ ખૂબ મોટી ગણાતી.
આ જ ધંધામાં નવું ઇનોવેશન કરવું છે
કરણ અને મેહુલ છત્રીવાલાએ જણાવ્યું કે અમે અમારા દાદા, પરદાદાના આ બિઝનેસને આગળ ધપાવવા માંગીએ છીએ. લોકોનો વિશ્વાસ જાળવી રાખી અમે આ બિઝનેસમાં નવું ઇનોવેશન કરવા માંગીએ છીએ. છત્રીઓ બનાવવાનું કામ એપ્રિલથી શરૂ થાય છે તે 30 જૂન અથવા 15 જુલાઈ સુધી ચાલે છે. મોટાભાગની ફોલ્ડિંગ છત્રીઓ બોમ્બે, કલકતા અને ઉમરગામથી આવે છે. સુરતીઓની તાસીર એ રહી છે કે તેઓ એક જ છત્રી વર્ષો સુધી ચલાવવા કરતા દર વર્ષે નવી છત્રીઓ ખરીદ કરવાનું પસંદ કરે છે.
મજૂર વર્ગના લોકો છત્રીઓનો ઉપયોગ વધારે કરે છે
પાંડેસરા, ઉન, ઉધના, ડીંડોલી, લીંબાયત, વેડ, ડભોલી, અશ્વનિકુમાર, કતારગામમાં પગપાળા જતા મજૂરવર્ગ છત્રીઓનો ઉપયોગ વધારે કરે છે. જ્યારે શહેરના પોશ એરિયા ગણાતા વેસુ, અઠવાલાઇન્સ વિસ્તારમાં છત્રીઓ ઓછી ચાલે છે.