એક વર્ષથી ચાલતું આ યુધ્ધ બંધ થવાના હાલ કોઇ અણસાર દેખાતા નથી, એટલું જ નહીં, પરંતુ જે રીતે આ યુધ્ધમાં અમેરિકા સહિત ઘણા યુરોપિયન દેશો પણ રશિયાને કોઇ પણ હિસાબે હરાવવા માટે યુક્રેનને શસ્રોની તેમજ નાણાંકીય મદદ કરી રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે રશિયા સંપૂર્ણ ખોખરું થઇ જાય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એનું મહત્ત્વ ઓછું થાય એ માટે આ યુધ્ધ ચાલુ રહે એમાં જ અમેરિકા સહિત અન્યોને રસ હોય એવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. આ બધા દેશોમાં આધુનિક શસ્રોના સૌથી મોટા સોદાગર અમેરિકાને સૌથી વધુ રસ હોય એ સ્વાભાવિક છે. હાલ અમેરિકાના પ્રમુખ જો બાઇડને યુક્રેનની મુલાકાત લઇ યુક્રેનને સર્વ પ્રકારની મદદ કરવાનું કહ્યું એ જોતાં લાગે છે કે આ યુધ્ધ વધુ ખેંચાય તો રશિયાને આર્થિક અને અન્ય રીતે નબળું કરી શકાય એ આશયે અમેરિકા અને યુરોપના દેશોએ યુક્રેનમાં શસ્રોનો ઢગલો કરવાનું ચાલુ રાખ્યું છે.
આ આખા યુધ્ધમાં માનવખુવારી કેટલી થઇ રહી છે એની ન તો કોઇ દેશને ફિકર કે ચિંતા છે. ચિંતા હોય તો એક જ કે રશિયાને ખુવાર કરીને દુનિયાભરમાં પોતાનું વર્ચસ્વ કેવી રીતે સ્થાપવું. જર્મની જો સંમત થાય તો યુક્રેનને હારતું બચાવવાના આશયથી ફિનલેન્ડ અને પોલેન્ડ પણ જર્મન બનાવટની ટેન્કો આ યુધ્ધમાં યુક્રેનને આપવાની તૈયારી બતાવે છે. આ યુધ્ધમાં માનવજાત અને માલમિલકતોના નુકસાનની અવગણના થઇ રહી છે એ જોતાં લાગે છે કે જ્યાં સુધી પોતાના આર્થિક અને રાજકીય હિતો જળવાઇ રહે એ માટે કબજો કરી શકાય એવો જમીની વિસ્તાર અને ખુવાર કરી શકાય એવી માનવજાત છે ત્યાં સુધી આ પ્રકારનાં યુધ્ધો અટકવાની કોઇ શક્યતા દેખાતી નથી. યુક્રેન હાલ અન્ય રાષ્ટ્રોની મદદથી જ ટકી રહ્યું છે અને એને ટકાવી રાખવા માટે અમેરિકા સહિત અન્ય દેશો મદદ કરતા રહેશે. જે દિવસે મદદકર્તાઓનો કે પછી રશિયાનો ઉદ્દેશ પૂરો થશે એ પછી ખુવાર થઇ ગયેલ યુક્રેન, ત્યાં બચેલા લોકોની અને રશિયાની આર્થિક હાલત શું થશે એ તો સમય જ કહેશે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
વડા પ્રધાને થોડી ઓછી મહેનત કરવાની થશે
આપણા દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા દેશને કોંગ્રેસમુક્ત કરવાની છે તે વાત હવે જગજાહેર છે. લાગી એવું રહ્યું છે કે તેમણે તે માટે હવે થોડી ઓછી મહેનત કરવાની રહેશે કારણ કે સમાજવાદી પાર્ટીના નેતા શ્રી અખિલેશ યાદવ હમણાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને મળ્યા અને ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ટકકર આપવા જુદા જુદા પ્રાદેશિક પક્ષોએ એક થઈ ગઠબંધન રચવું જોઈએ તે અંગે ચર્ચા કરી તેવા અહેવાલ વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયા છે અને ચર્ચા દરમ્યાન ગઠબંધનમાં કોંગ્રેસનો સમાવેશ ન કરવા અંગે નિર્ણય કર્યો. જો બીજા બધા પ્રાદેશિક પક્ષો તેમની સાથે સંમત થાય તો કોંગ્રેસ એકલી અટૂલી પડી જાય અને તે સંજોગોમાં આપણો દેશ આપમેળે જ કોંગ્રેસમુક્ત થઈ જાય. વડા પ્રધાને ઝાઝી મહેનત કરવાની જરૂર જ નહીં પડે એવું લાગ્યા વગર રહેતું નથી.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે