સૃષ્ટિનો સનાતન નિયમ છે કે જે ચડે છે તે પડ્યા વિના રહેતું નથી. કોરોનાના કાળમાં અમેરિકાના ફેડરલ રિઝર્વે અબજો ડોલર છાપીને લોકોનાં ખાતાંઓમાં નાખ્યા અને તેના વડે શેર બજારને પણ ચગાવ્યું. હવે અમેરિકાનું અર્થતંત્ર એટલું ગરમ થઈ ગયું છે કે ફુગાવો ૮.૩ ટકાના ઐતિહાસિક ઊંચા સ્તરે પહોંચી ગયો છે. આ ફુગાવાને કારણે અમેરિકાના મધ્યમ વર્ગનાં લોકો પણ ગરીબી રેખાની નીચે ધકેલાઈ રહ્યાં છે. ફુગાવાને નાથવા ફેડરલ રિઝર્વ દ્વારા રેપો રેટ સતત વધારવામાં આવી રહ્યો છે, પણ તેની વરાળ થઈ જાય છે.
ફેડરલ રિઝર્વ તેની બુધવારની મીટિંગમાં ધિરાણનો દર ૭૫ બેઝિક પોઇન્ટ જેટલો વધારશે, તેવું મનાઈ રહ્યું છે. તેનાથી ફુગાવાની સમસ્યા હલ થવાની નથી. ફુગાવાને નિયંત્રણમાં લેવા માટે નવેમ્બરમાં અને ડિસેમ્બરમાં પણ ધિરાણના દરમાં ૫૦ બેઝિક પોઇન્ટનો વધારો કરવો પડશે. વર્ષના અંતે પ્રાથમિક ધિરાણનો દર ૪ થી ૪.૨૫ ટકા સુધી પહોંચી જશે. ૨૦૨૩ માં તે પાંચ ટકાની નજીક પહોંચી શકે છે. જો ફેડરલ રિઝર્વનો રેપો રેટ પાંચ ટકા સુધી પહોંચી જશે તો લોન અત્યંત મોંઘી બનશે, જેને કારણે મહામંદી આવશે. ઉત્પાદનની પ્રવૃત્તિઓ ઠપ થઈ જશે અને ફેક્ટરીઓ બંધ થતાં કરોડો અમેરિકનો બેકારીની ગર્તામાં સરકી જશે.
અમેરિકાના અનેક અર્થશાસ્ત્રીઓ નક્કર પુરાવા સાથે આગાહી કરી રહ્યા છે કે ૨૦૨૨ ના છેલ્લા ત્રણ મહિનામાં માત્ર અમેરિકામાં જ નહીં પણ જગતભરમાં મંદીનું વાવાઝોડું ફૂંકાશે, જે ૨૦૨૩ ના સમગ્ર વર્ષ દરમિયાન પણ ચાલુ રહેશે. ૨૦૦૮ માં અમેરિકામાં આવેલી મંદીની સફળતાથી આગાહી કરનારા અર્થશાસ્ત્રી નૌરિયલ રૂબિની કહે છે કે ૨૦૨૨ ના અંતમાં અમેરિકામાં મહામંદીનો દોર ચાલુ થશે, જેને કારણે એસ. એન્ડ પી.- ૫૦૦ માં ૩૦ થી ૪૦ ટકા જેટલો કડાકો બોલી જશે. રૂબિનીના જણાવ્યા મુજબ દુનિયાના દેશો અને ઉદ્યોગપતિઓ દ્વારા એટલું બધું ઋણ લેવામાં આવ્યું છે કે વ્યાજના દર વધતાં ઘણી કંપનીઓને દેવાળું કાઢ્યા વિના કોઈ વિકલ્પ નહીં રહે.
રૂબિની માઇક્રો એસોસિયેટ્સ નામની કન્સલ્ટન્ટ કંપનીના ચેરમેન અને સીઈઓ નૌરિયલ રૂબિની કહે છે કે ‘‘જેવો વ્યાજનો દર વધશે અને વ્યાજની ચૂકવણીનો બોજો વધશે તેમ અનેક બોગસ કંપનીઓ, બોગસ ઘરાનાઓ, બોગસ બેન્કો, બોગસ સંસ્થાઓ અને બોગસ દેશો પણ પાયમાલ થઈ જશે. તરણકુંડમાં કોણ નગ્ન બનીને સ્નાન કરી રહ્યું છે, તેની આપણને ખબર પડી જશે.’’ રૂબિનીના કહેવા મુજબ ફેડરલ રિઝર્વ દ્વારા લગભગ શૂન્ય દરે આપવામાં આવતાં ધિરાણનો ગેરલાભ લઈને અનેક ઉદ્યોગપતિઓ, કંપનીઓ, બેન્કો, ઉદ્યોગ ગૃહો અને કેટલાક દેશોએ પણ તેમના ગજા કરતાં પણ વધુ કર્જ લઈને પોતાનો ફુગ્ગો ફૂલાવ્યો હતો.
હવે ફેડરલ રિઝર્વ માટે ધિરાણનો દર વધારવો અનિવાર્ય થઈ ગયો છે, કારણ કે માર્કેટમાં નાણાંની રેલમછેલ થઈ ગઈ છે, પણ ઉત્પાદનમાં તેટલો વધારો ન થયો હોવાને કારણે મોંઘવારી માઝા મૂકી રહી છે. કોરોના કાળમાં ફેડરલ રિઝર્વે અબજો ડોલર છાપીને તેને અર્થતંત્રમાં વહેતા મૂક્યા પણ ત્યારે ઉત્પાદન તળિયે હોવાથી બજારમાં નવા માલનો પુરવઠો આવતો લગભગ બંધ થઈ ગયો હતો. લોકોના હાથમાં ચિક્કાર ડોલર હતા, પણ બજારમાં માલ ઓછો હોવાથી આવશ્યક ચીજોના દામ વધી ગયા હતા.
કોરોનાનો કાળ પૂરો થયો તે પછી રશિયા-યુક્રેન યુદ્ધ થરૂ થયું, જેને કારણે જગતની સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. અધૂરામાં પૂરું ચીન દ્વારા ઝીરો કોરોનાની નીતિ અપનાવવામાં આવી છે, જેને કારણે ચીનથી આવતો માલ લગભગ બંધ થઈ ગયો છે. તેના પરિણામે ફુગાવો વધવાને કારણે કરોડો અમેરિકનો અમીર હોવા છતાં ગરીબીનો અનુભવ કરી રહ્યા છે. જો ફેડરલ રિઝર્વ ફુગાવો ઘટાડીને ૨ ટકા પર લાવવા માગતું હોય તો તેણે વ્યાજનો દર પાંચ ટકા સુધી લઈ જવો પડશે. ફેડરલ રિઝર્વ પાસે કોઈ જાદુઈ લાકડી નથી કે વ્યાજનો દર ઘટાડ્યા પછી પણ તે મંદીને દૂર રાખી શકે.
સામાન્ય રીતે માર્કેટમાં મંદીનો પવન ફૂંકાય ત્યારે ફેડરલ રિઝર્વ અને સરકાર બજારમાં નાણાંનો સ્ટિમ્યુલસ આપીને મંદીનો મુકાબલો કરતા હોય છે. ૧૯૯૪ માં જ્યારે મંદી આવી ત્યારે ફેડરલ રિઝર્વે ડોલરનો પ્રવાહ વધારીને મંદીને દૂર રાખી હતી, પણ ત્યારે ફુગાવાનો દર ૩ ટકા જેટલો નીચો હતો. વર્તમાનમાં ફુગાવો ૮ ટકાની ઉપર પહોંચી ગયો છે. આ પરિસ્થિતિમાં જો સરકાર દ્વારા અર્થતંત્રને બૂસ્ટર ડોઝ આપવામાં આવે તો તે એટલું તપી જાય કે ફુગાવો તેની મર્યાદા વટાવીને ગાંડો થઈ જાય. તેવી પરિસ્થિતિમાં અમેરિકાની હાલત ઝિમ્બાબ્વે જેવી થઈ શકે છે. ફુગાવાને નાથવા માટે વ્યાજના દરો વધાર્યા સિવાય કોઈ વિકલ્પ નથી, જેનાથી આવનારી મંદીને ખાળી શકાય તેમ નથી.
અમેરિકામાં ૨૦૦૮ માં મંદી આવી ત્યારે હાઉસિંગનો ફુગ્ગો ફૂટી ગયો હતો. આ મંદી અગાઉ બેન્કો અને નાણાં સંસ્થાઓ દ્વારા વ્યક્તિની અને કંપનીની ક્ષમતા જોયા વિના આડેધડ લોન આપવામાં આવી હતી. આ લોન લગભગ ઝીરો વ્યાજ પર આપવામાં આવતી હતી, માટે મધ્યમ વર્ગનાં કરોડો અમેરિકનો પાસે નોકરી નહોતી તો પણ તેમણે લોન પર રહેઠાણો ખરીદ્યાં હતાં. જેવો ફેડરલ રિઝર્વ દ્વારા ધિરાણનો દર વધારવામાં આવ્યો કે તેઓ વ્યાજના હપ્તા ભરવામાં નિષ્ફળ ગયા હતા. તેમનાં રહેઠાણો જપ્ત કરવામાં આવતાં તેઓ ફૂટપાથ પર આવી ગયા હતા.
જે બેન્કો અને કંપનીઓ દ્વારા તેમને ધિરાણ આપવામાં આવ્યું હતું તેમને દેવાળું કાઢવાની નોબત આવી હતી. તેમાં પણ લેહમેન બ્રધર્સ નામની વિરાટ કંપની ઊઠી જતાં સમગ્ર વિશ્વમાં આંચકાઓ લાગ્યા હતા, કારણ કે તેના તાર આખી દુનિયા સાથે જોડાયેલા હતા. ૨૦૦૮ ની મંદી હાઉસિંગ સેક્ટર અને નાણાં સંસ્થાઓ પૂરતી મર્યાદિત હતી, પણ ૨૦૨૩ ની મંદી તમામ ક્ષેત્રોમાં કટોકટી પેદા કરનારી હશે. વિશ્વ બેન્ક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રભાવ હેઠળ દુનિયાના દેશો અને ઉદ્યોગપતિઓ દ્વારા દેવું કરીને વિકાસ સાધવાની વિનાશક નીતિ અખત્યાર કરવામાં આવી છે.
ફેડરલ રિઝર્વ અને દુનિયાની સેન્ટ્રલ બેન્કો બેફામ કરન્સી નોટો છાપીને તેને અર્થતંત્રમાં ઠાલવ્યા કરે છે, જેને કારણે વિકાસ વધે છે, પણ ફુગાવો પણ વધ્યા કરે છે. જાણીને નવાઈ લાગશે પણ આજની તારીખમાં દુનિયાનો જેટલો જીડીપી છે તેના ૨૫૬ ટકા જેટલું ઋણ દુનિયાની સરકારો દ્વારા લેવામાં આવ્યું છે. આ દેવામાં ૨૦૨૦ ના એક જ વર્ષમાં ૨૮ ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. દુનિયાનું અર્થતંત્ર અત્યારે ૮૪ ટ્રિલિયન ડોલરનું છે, પણ જાગતિક દેવું ૨૨૬ ટ્રિલિયન ડોલર છે. અહીં સવાલ એ થશે કે આટલું બધું ધિરાણ આપ્યું કોણે? તેમના પાસે તેટલું નાણું ક્યાંથી આવ્યું?
તેનો જવાબ એ છે કે બેન્કરો હવામાંથી રૂપિયા પેદા કરીને આખી દુનિયાને દેવાદાર બનાવે છે. કોઈ પણ રસ્સીને જ્યારે હદ કરતાં વધુ તાણવામાં આવે ત્યારે તે તૂટી જાય છે. ફુગ્ગામાં હદ કરતાં વધુ હવા ભરવામાં આવે ત્યારે તે ફૂટી જાય છે. દુનિયાના અર્થતંત્રની હાલત પણ ડોલર નાખીને ફૂલાવવામાં આવેલા ફુગ્ગા જેવી છે. જગતના સ્ટોક એક્સચેન્જોમાં પણ જે તેજી જોવા મળે છે તે ફન્ડામેન્ટલના આધારે જોવા મળતી તેજી નથી પણ ફુગાવા દ્વારા પેદા કરવામાં આવેલી તેજી છે. ફેડરલ રિઝર્વ વ્યાજ વધારશે ત્યારે માત્ર ન્યુયોર્કના નહીં, પણ દુનિયાભરના શેર બજારોમાં મંદી આવશે. આ મંદીથી બચવું હોય તો પેપર કરન્સી છોડીને કિંમતી ધાતુઓનો સંગ્રહ કરો.