Columns

એકવીસમી સદીમાં સ્ત્રીદાક્ષિણ્યનો જબરદસ્ત દુકાળ જોવા મળી રહ્યો છે

અમેરિકામાં આજકાલ ‘મેનર્સ ફોર મેન’નામનું પુસ્તક હોટ કેકની જેમ વેચાઇ રહ્યું છે. આ પુસ્તક એકવીસમી સદીમાં સ્ત્રીદાક્ષિણ્યની ગાઇડ જેવું છે. આ પુસ્તકમાં પ્રેમિકાથી લઇ પત્નીની અને બોસથી લઇ કર્મચારીની ભૂમિકા ભજવતી સ્ત્રી સાથે કેવી રીતે પેશ આવવું તેની અત્યંત પ્રેક્ટિકલ અને રસપ્રદ શિખામણો આપવામાં આવી છે. આજની સ્ત્રી આર્થિક રીતે પગભર બની છે, તેને કારણે મોટું પરિવર્તન એ આવ્યું છે કે સ્ત્રીઓ હવે દરેક બાબતમાં પુરુષ ઉપર અગાઉ જેટલી નિર્ભર નથી રહી. આ કારણે મેલ ઇગો હર્ટ થાય છે અને પુરુષો સ્ત્રીની સાથે જેવા સાથે તેવા બનવાનો સંકલ્પ કરે છે.

સ્ત્રી સ્વતંત્ર બની જાય કે તેનો આત્મવિશ્વાસ વધી જાય તેને કારણે પુરુષને તેને ઉતારી પાડવાનું કે તેની સાથે તોછડાઇથી વર્તવાનું લાઇસન્સ મળી જતું નથી. ઘણાં લોકો કહે છે કે સ્ત્રીસ્વાતંત્ર્યના અતિરેકને કારણે સ્ત્રીઓ ઉપરના અત્યાચારો વધી રહ્યા છે. આ ધારણા ગલત છે. સ્ત્રીઓ ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળે એટલે પુરુષજાતને તેના ઉપર અત્યાચાર ગુજારવાનો પરવાનો મળી નથી જતો. આજના કાળમાં સ્ત્રીઓ ઉપરના અત્યાચારો વધી રહ્યા છે, કારણ કે પુરુષોમાં સ્ત્રીદાક્ષિણ્યનો દુકાળ પેદા થયો છે અને તેઓ સ્ત્રીને ‘સેક્સ ઓબ્જેક્ટ’સમજે છે.

પ્રાચીન કાળમાં થઇ ગયેલા એક રાજાએ પોતાના રાજ્યના બધા વિદ્વાનોને ભેગા કર્યા અને તેમની સામે એક પડકાર રજૂ કર્યો. રાજાએ કહ્યું કે,”મને સમગ્ર ધર્મશાસ્ત્ર,અર્થશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર અને કામશાસ્ત્રનો સાર માત્ર એક-એક વાક્યમાં જ જોઇએ છે. આ સાર તૈયાર કરવાનું કાર્ય દરેક વિષયના નિષ્ણાતોને સોંપવામાં આવ્યું. ધર્મશાસ્ત્રના નિષ્ણાતે કહ્યું,”પરોપકાર જેવો બીજો કોઇ ધર્મ નથી એ ધર્મશાસ્ત્રનો સાર છે.’અર્થશાસ્ત્રના નિષ્ણાતે કહ્યું,”પૈસાની બાબતમાં કોઇની ઉપર વિશ્વાસ ન મૂકવો એ અર્થશાસ્ત્રનો સાર છે.’આરોગ્યશાસ્ત્રના નિષ્ણાતે કહ્યું,”ભૂખ ન લાગી હોય ત્યારે ભોજન ન કરવું એ આરોગ્યશાસ્ત્રનો સાર છે.

કામશાસ્ત્રના નિષ્ણાતે કહ્યું,”સ્ત્રીઓ સાથે ઋજુતાથી વર્તવું એ સમગ્ર કામશાસ્ત્રનો સાર છે.’આજના પુરુષો કદાચ વિચારતા હશે કે હવે તો એકવીસમી સદીમાં સ્ત્રી પુરુષસમોવડી થઇ ગઇ છે, માટે તેમની સાથે ઋજુતાથી વર્તવાની જરૂર નથી, તો તેઓ ગંભીર ભૂલ કરે છે. સ્ત્રી અઢારમી સદીની હોય કે એકવીસમી સદીની; સ્ત્રી આખરે સ્ત્રી જ હોય છે. કોઇ પણ સ્ત્રીને પુરુષ તેની સાથે તિરસ્કારથી કે ઉપેક્ષાથી વર્તે તે ગમતું નથી. આજે આપણા સમાજમાં નારીઓ ઉપર અત્યાચારો થાય છે, તેના મૂળમાં સ્ત્રીઓ સાથેના વર્તનમાં ઋજુતાનો અભાવ જ કારણભૂત હોય છે. પુરુષ જો પોતાની પત્ની સાથે ઋજુતાથી વર્તવાનું શીખી લે તો લગ્નજીવનના મોટા ભાગના ઝઘડાઓ ટાળી શકાય તેવા હોય છે. જે સ્ત્રીઓ પુરુષને આધીન હોય અને લજ્જાશીલ હોય તેમને જ દાક્ષિણ્યની જરૂર હોય છે, તેવું પણ નથી. એકવીસમી સદીની સ્વતંત્ર, બુદ્ધિશાળી અને આર્થિક રીતે પગભર સ્ત્રીઓ પણ પુરુષો પાસેથી દાક્ષિણ્યની અપેક્ષા રાખે છે. જે પુરુષો આ રહસ્ય સમજી શકે છે, તેઓ સ્ત્રીઓ સાથેના સંબંધોમાં સફળ થાય છે. સ્ત્રીદાક્ષિણ્ય આજના આધુનિક કાળમાં પણ એટલું જ પ્રસ્તુત છે, જેટલું પ્રાચીન કાળમાં હતું.
આજની સંવેદનશીલ નારીઓની ફરિયાદ છે કે હવે પુરુષોમાં સ્ત્રીદાક્ષિણ્ય ઘટી રહ્યું છે અને આ ફરિયાદને પુરુષોએ ગંભીરતાથી લેવી જોઇએ. જૂના જમાનાના પુરુષો સ્ત્રીઓ માટે કારનો દરવાજો ખોલી આપે તે સ્ત્રીઓને ગમતું હતું. આજના જમાનામાં પણ ગમે છે. જૂના જમાનાની સ્ત્રીઓને પુરુષો તેમની ઉપર ખૂબ ધ્યાન આપે અને તેમને ભારે મહત્ત્વ આપે તે ગમતું હતું; આજના જમાનાની સ્ત્રીને પણ ગમે છે. આ સ્ત્રી મલ્ટીનેશનલ કંપનીની મેનેજિંગ ડાયરેક્ટર હોય કે ફૂટપાથ ઉપર શાકભાજી વેચતી સ્ત્રી હોય; પુરુષો પાસેથી તે હંમેશા સલૂકાઇભર્યા વર્તનની અપેક્ષા રાખે છે અને પુરુષ તોછડાઇથી વર્તે ત્યારે તે હર્ટ થઇ જાય છે. કોઇ પણ ઉંમરની, કોઇ પણ હોદ્દા ઉપર રહેલી, કોઇ પણ શૈક્ષણિક કે આર્થિક સ્તર ધરાવતી સ્ત્રીને તેની સાથે ઋજુતાથી વર્તતા પુરુષો ગમે છે અને તોછડાઇથી વર્તતા પુરુષો નથી ગમતા. દુનિયાના દરેક પુરુષે આ સર્વકાલીન સત્યને સમજી લેવાની જરૂર છે. અભણ સ્ત્રીને પુરુષ પાસેથી સદ્વર્તનની જેટલી અપેક્ષા હોય છે તેવી જ અપેક્ષા ભણેલીગણેલી સ્ત્રી પણ રાખતી જ હોય છે. આજના પુરુષોમાં સ્ત્રીદાક્ષિણ્યનો અભાવ પેદા થયો છે, તેના માટે કંઇક અંશે સ્ત્રીઓમાં ફેમિનીઝમની ભાવનાનો થયેલો અતિરેક પણ જવાબદાર છે. આ લખનારે એવી મહિલાઓ પણ જોઇ છે, જેમને માટે દરવાજો ખોલી આપવામાં આવે તો પણ તેઓ તેમાંથી પહેલાં જવાનો ધરાર ઇનકાર કરી પુરુષને ક્ષોભભરી સ્થિતિમાં મૂકી દેતી હોય છે.
અત્યંત ભીડભરેલી બસમાં પુરુષ કોઇ સ્ત્રી માટે પોતાની બેઠક ખાલી કરી આપે ત્યારે પોતાને ફેમિનીસ્ટ ગણાવતી સ્ત્રી ‘થેન્ક યુ’કહીને આ બેઠક ગ્રહણ કરવાને બદલે ‘નો થેન્ક યુ’કહીને ઊભા જ રહેવાનું પસંદ કરે ત્યારે મેલ ઇગો હર્ટ થાય છે અને પુરુષો ભવિષ્યમાં ક્યારેય સ્ત્રીદાક્ષિણ્યનું પ્રદર્શન ન કરવાની મનોમન ગાંઠ વાળે છે. સમજદાર મહિલા કાઉન્સેલરો કહે છે કે, પુરુષો તરફથી આવી નાની નાની ફેવર લેવાથી સ્ત્રીનું સ્વાભિમાન જરાય હણાઇ નથી જતું પણ તેનાથી તેઓ પુરુષની પણ ઇજ્જત કરે છે. સ્ત્રીદાક્ષિણ્યનો સ્વીકાર ન કરનારી સ્ત્રીઓ હકીકતમાં પુરુષજાતનું અપમાન કરે છે અને તેને સ્ત્રી ઉપર બદલો લેવા ઉત્તેજિત કરે છે.
સ્ત્રીજાતિ સાથે રહેવાના હજારો-લાખો વર્ષોના અનુભવો પછી પણ આજના મોટા ભાગના પુરુષોને એ વાતની જાણ નથી કે સ્ત્રીને હકીકતમાં શું ગમે છે અને તેને કેવી રીતે ખુશ રાખી શકાય? એક જાણીતા મહિલા સામયિકે આ સવાલ કેટલીક બુદ્ધિશાળી મહિલાઓને પૂછ્યો હતો. તેના જવાબમાં જે જાણવા મળ્યું તે વાક્યો દરેક પુરુષે પોતાના વોર્ડરોબમાં મઢાવીને રાખવાં જેવાં છે: “સ્ત્રીઓને સંવેદનશીલ પુરુષો ગમે છે. સ્ત્રીને સતત તેની ઉપર ધ્યાન આપે અને તેની પ્રશંસા કરે તેવા પુરુષો વધુ ગમે છે. સ્ત્રીને ઓછું બોલે પણ વધુ સાંભળે તેવા પુરુષો ગમે છે. સ્ત્રીને બોલ-બોલ કરવાની આદત હોય છે માટે તેને સારા શ્રોતા પુરુષો વધુ ગમે છે. સ્ત્રીને તેનું વાતવાતમાં અપમાન કરે અને તેને ઉતારી પાડે તેવા પુરુષો જરાય નથી ગમતા પણ તેનું સન્માન જાળવે અને તેને મહત્ત્વ આપે તેવા પુરુષો જ ગમે છે. સ્ત્રીને ભૌતિક ચીજવસ્તુઓ ગમે છે, પણ તેનાથી પણ વધુ ઝંખના કોઇ તેનું મહત્ત્વ સમજે અને સ્વીકારે તેની હોય છે. જે પુરુષો સ્ત્રીઓની ખોટી વાતોનો પણ વિરોધ ન કરે અને તેમને સતત લાડપ્યાર કર્યા કરે તેઓ સ્ત્રીઓને વધુ પ્રિય બને છે. જે પુરુષો સ્ત્રીની સતત ઝંખના કરતા હોય તેવા પુરુષો સ્ત્રીને વધુ ગમે છે. સ્ત્રીઓ સતત અસલામતીથી પીડાતી હોય છે. પુરુષે તેને સતત અહેસાસ કરાવતા રહેવું પડે છે કે તેને સ્ત્રીની જરૂર છે અને તે સ્ત્રીને સતત ઝંખે છે. સ્ત્રી માટે આનાથી વધુ સુખ ઉપજાવનારી બીજી કોઇ બાબત નથી. સ્ત્રીને ઇમાનદાર અને વફાદાર પુરુષો ગમે છે. છેતરપિંડી કરતાં પુરુષોને તે ધિક્કારે છે. પોતાની ભૂલ હોય તો પણ ઠપકો ન આપતા પણ પ્રેમથી સમજાવતા પુરુષો સ્ત્રીઓને વધુ પસંદ
પડે છે.
આ વાતનો સાર એટલો છે કે સ્ત્રીઓને ઋજુતાથી વર્તતા પુરુષો પસંદ પડે છે, પણ તોછડાઇથી વર્તતા પુરુષો પસંદ પડતા નથી. સ્ત્રી દોલતની ભૂખી નથી હોતી તેવું નથી; પણ દોલત કરતાં સ્વમાનની અને સ્વીકૃતિની તેની ભૂખ વધુ પ્રબળ હોય છે.

Most Popular

To Top