એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટનું કામ કરતા રસિકભાઈ ૬૦ વર્ષે રીટાયર થયા.તેમની કામ કરવાની નિષ્ઠાને કારણે કંપનીએ તેમને 4 વર્ષનું એક્સ્ટેન્શન આપ્યું.૬૫ વર્ષે પણ તેમને કંપની છોડવાની ના પાડી અને કામ ચાલુ રાખ્યું પછી નિવૃત્તિ લીધી. તેમની પાસે એક નાનકડું ઘર હતું અને કંપનીમાંથી રીટાયર થયા બાદ થોડું ફંડ મળ્યું કારણ કે દીકરા અને દીકરીના ભણતર અને લગ્ન વખતે લોન લીધી હતી.
થોડી મૂડી અને નાનકડા ઘરમાં નાના પરિવાર સાથે રસિકભાઈ આનંદનું જીવન જીવતા હતા. રસિકભાઈ બધાને કહેતા હું તો જીવનથી બહુ ખુશ છું ,ભગવાને બધું આપ્યું,મારા જેટલો નસીબદાર અને સંપત્તિવાન કોઈ નથી.એક દિવસ તેઓ આવી વાત કરતા હતા ત્યારે તેમની સાથે કામ કરતા એક મિત્રે કહ્યું, ‘દોસ્ત, તેં અને મેં આખી જિંદગી મહેનત કરી, મળ્યું શું?થોડા લાખ ? અને મને તો તારાથી વધારે પૈસા રિટાયરમેન્ટ વખતે મળ્યા છે છતાં ઓછા લાગે છે અને તું શું હું નસીબદાર છું અને સંપત્તિવાન છું ના ખોટા બણગાં ફૂંકે છે.’
રસિકભાઈ બોલ્યા, ‘દોસ્ત,જિંદગી આખી મહેનત કરી અને ગુજરાન ચલાવ્યું. કોઈ પાસે હાથ લંબાવવો પડ્યો નથી એથી મોટું નસીબ શું? પરિવારની બધી જવાબદારીઓ પૂરી કરી શક્યા તે નસીબ જ છે અને મહેનત કરતા રહ્યા એટલે સ્વાસ્થ્ય પણ સારું રહ્યું…અને વાત રહી થોડા લાખની…દોસ્ત, આ ઉંમરે બહુ શું જોઈએ? આ થોડા લાખ સ્વમાનપૂર્વક જીવવા માટે પૂરતા છે.’ મિત્રે કહ્યું, ‘થોડા લાખ જ છે અને કેટલું ઓછું વ્યાજ આવે છતાં તું તારી જાતને સંપત્તિવાન કહીને કોને સારું લગાડે છે.મનને મનાવવા આવું બોલે છે નહિ ?’
રસિકભાઈ હસ્યા અને બોલ્યા, ‘દોસ્ત, જીવનમાં સંપત્તિ એટલે માત્ર પૈસા જ નથી.તું મારી ચિંતા કરતો મારી પડખે ઊભો છે.આયનો દેખાડી રહ્યો છે. મારા દોસ્ત, તું મારી સાચી સંપત્તિ છે.દોસ્ત, કોરોનામાં તારી ભાભીને કોરોના થયો હતો તો બાજુવાળાં પાડોશીએ દવા લાવી આપી અને અમને દસ દિવસ જમાડ્યાં હતાં. આવો સાથ આપતા પાડોશી મારી સંપત્તિ છે.મારો પરિવાર મારું માન જાળવે છે, જરૂર પડે મારી સલાહ લે છે.
મારો આગ્રહ નથી કે હું કહું તેમ જ કરે પણ તેઓ બધું મને જણાવે છે અને કેમ આગળ વધવું પૂછે છે.આ પરિવાર અને તેમનો પ્રેમ અને સન્માન મારી સંપત્તિ છે અને એ જ સાચી સંપત્તિ છે.’ વાત સાંભળીને મિત તેમને ભેટી પડ્યો અને બોલ્યો, ‘તું મારો દોસ્ત છે, એટલે હું પણ સંપત્તિવાન છું.’ બંને દોસ્તો ખડખડાટ હસતા એકબીજાને ફરી ભેટ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
