Business

પરમની સાચી શોધ જ્ઞાનની ભૂખમાંથી જન્મે છે…

કેટલાંક માનવીઓ શોધ માટે આખું જીવન વ્યતીત કરે છે, તો કેટલાંક માનવીઓ સમયના ખંડને પસાર કરવા જીવે છે. જિંદગી એ શોધની સનાતન પ્રક્રિયા છે, પછી તે શોધ સત્યની હોય, સ્નેહની હોય, સંપત્તિની હોય કે પરમની હોય. મનુષ્યને ઇશ્વરે બુદ્ધિ અને હૃદયની ભેટ આપી છે. માનવી શાંતિની શોધ માટે શસ્ત્રનો ઉપયોગ કરે છે અને હૈયાને ઠારવા માટે હોળી સળગાવે છે. માનવી જયારે વેરના વમન માટેના સ્થાનની શોધમાં નીકળે છે ત્યારે તેની આંખે આવરણ જામી જાય છે અને વેરનું વિષ એના શરીર પર ઢળે છે. પરમની શોધ પાછળ તો કોટીમાં કોક જ માનવી અંતરની દોડ લગાવે છે.

પરમ એટલે સર્વોચ્ચ સ્વરૂપ. ભૌતિક કે આધ્યાત્મિક સિદ્ધિનું અંતિમ શિખર અને એ અંતિમ શિખર પર સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. પરમપિતા નિરાકાર જયોતિબિંદુ સ્વરૂપ શિવ પરમાત્મા, જે માનવી જિજ્ઞાસુ નથી – જીવનની શોધની જેને ઝંખના નથી, તે પરમની સાચી યાત્રા કરી શકતો નથી. પરમ જો આપણો આદર્શ હોય તો આપણી યાત્રા અહેતુમયી એટલે કે લાભ – અલાભની ગણતરી વિનાની હોવી જોઇએ. આપણે લક્ષ્ય કે પ્રયોજનને નામે એટલો બધો નિરર્થક વ્યાપાર કરીએ છીએ કે સહજ રીતે મળતું પરમનું પદ પણ યોજનો દૂર ચાલ્યું જાય છે.

જેમ વિજ્ઞાનની શોધનો આરંભ માનવ જીવનની સુખાકારી માટે રહ્યો હતો અને પાછળથી એ જ શોધ એના વિનાશના કામે લાગી ગઇ, એના જેવી વિધિની વક્રતા બીજી કઇ હોય શકે? જે અન્યના સંહાર માટે છે, તે શોધ નથી. શોધ માત્ર સુખ માટે નહિ, સંપત્તિ માટે નહિ, પદ-પ્રતિષ્ઠા માટે નહિ પણ પરમ માટેની હોવી જોઇએ. શોધ જ્ઞાનની ભૂખમાંથી જન્મે છે. વધુ જાણવાની જિજ્ઞાસામાંથી જન્મે છે. જેના મનમાં શોધની રેખાઓ અંકાય નથી એ જીવનને તો જાણી શકતો જ નથી પણ જાતને ય જાણી શકતો નથી અને જાતને – આત્માને જાણ્યા વિના પર આત્માને પણ જાણી શકતો નથી. શોધ મૃત્યુની પૂજા નથી કરતી એ તો જીવની ઉપાસક છે, પરમ આનંદની ઉપાસક છે.

જેમ ઇન્દ્રિયો વડે અને તે પછી ઇન્દ્રિયોની પેલે પાર જઇને સત્ય તત્વને ઓળખી શકાય છે તેવું જ પરમની પ્રાપ્તિનું છે. જો આપણે આપણી જાતનો – આત્માનો સાક્ષાત્કાર કરી શકીએ તો પરમ આત્માનો સાક્ષાત્કાર દૂર નથી. જો આપણે બુદ્ધિના જુગારમાં, વર્તનના વ્યભિચારમાં, જૂઠા આકર્ષણમાં કે હૃદયના વ્યાપારમાં ન પડીએ તો પરમની શોધ સાકાર કરવાનું સરળ બની રહે છે. જે માણસો જિંદગીને માત્ર પડછાયો સમજે છે એમને માટે પરમ આત્મા એક અસંભવ કલ્પના છે, પણ જે વ્યકિત મનની સમતુલા દ્વારા પરમતત્વને હૃદય સિંહાસને બેસાડે છે તેનું જીવન અમૂલ્ય રસાયણ સમાન બની જાય છે.

શોધ એ સમયના એક ખંડનો જ પ્રશ્ન નથી, એ તો જીવનની સનાતન સતત ચાલતી પ્રક્રિયા છે. જે જડ છે, જે અચેતન છે, તેને જ શોધની ખેવના નથી. પણ આપણે તો આપણી જાતને ચેતન ધર્મી કહેવડાવીએ છીએ. પરમના સ્વપ્ન દૃષ્ટા કહેવડાવીએ છીએ ત્યારે આપણે શોધમાં – પરમના ખજાનાની શોધમાં શા માટે ન નીકળીએ? શોધના સ્વપ્ન દ્રષ્ટા અને સર્જક શા માટે ન બનીએ? વાસ્તવમાં તો આપણને સ્થૂળતામાં જીવવાની આદત પડી ગઇ છે અને તેથી જ આપણે સ્પંદનવિહોણું જીવન જીવીએ છીએ. સાચી રીતે શ્વાસ લેતાં પણ આપણને આવડતું નથી.

સામાન્યથી દશાંગુલ ઊંચા જવા માટે અર્થાત્‌ પરમને પામવા માટે તો સ્પંદનશીલ અને સંવેદનશીલ અંતરમન જોઇએ. જીવન સ્વસ્થ અને કર્મ ઊર્ધ્વગામી હોઇએ. આપણે ચેતન સૃષ્ટિમાં પરમ સત્વની શોધમાં સફળ થવું હોય તો હૃદયના કુબેર બનવું પડે. આપણે ચેતનધર્મી બનવું પડે. ત્યારે જ સત્યમ્‌ – શિવમ્‌ – સુંદરમ્‌ એવા પરમ આત્માનો અનુભવ કરી શકીએ. પરમાનંદનો, પરમ સત્યનો અને પરમ પવિત્રતાનો અલૌકિક અનુભવ કરી શકીએ. મિત્રો, આવો આપણે પરમની સાચી શોધ માટે પા – પા પગલીઓ પાડતા આગળ વધીએ, સાથે સ્નેહીજનોને પણ સાથે લઇ જતા પ્રેરણા સ્ત્રોત બનીએ એવી શુભ ભાવના સાથે ઓમ શાંતિ…

Most Popular

To Top