એક ખૂબ જ હોશિયાર યુવાન પ્રથમ. નામ પ્રમાણે કોલેજમાં પણ પ્રથમ આવે. એન્જીનિયર બન્યો. માતાપિતા સુખી હતાં, નાનકડો ધંધો હતો, શહેરમાં બંગલો હતો અને 3 જણનો નાનકડો પરિવાર સુખ અને સંતોષથી રહેતો હતો. દીકરો ખૂબ જ હોશિયાર. એટલે માતાપિતાના મનમાં અનેક સપનાં કે દીકરો ભણી ગણીને આગળ વધશે. પ્રથમ એન્જીનિયર થયો, પણ તરત જ તેણે પહેલો ધડાકો કર્યો કે મારે નોકરી કરવી નથી. માબાપે સમજાવ્યો પણ તે ન માન્યો. જાતે જાતે આગળ પોતાના રસનું વાંચન કરવામાં સમય પસાર કરતો. બાકી કંઈ ન કરતો. પિતાની ઉંમર થવા આવી હતી. એક દિવસ પ્રથમે કહ્યું, ‘હું કમ્પ્યુટર ક્લાસ શરૂ કરીશ.’ માતાપિતા રાજી થયા કે ચાલો કંઇક તો કરવા લાગ્યો. પ્રથમ જાતે જ શીખીને કમ્પ્યુટરનો એવો જાણકાર થયો હતો કે તે વિદ્યાર્થીઓને બહુ જ સરસ શીખવાડવા લાગ્યો. તેની પાસે શીખીને વિદ્યાર્થીઓ ઘણા આગળ વધી ગયા.
પણ પ્રથમ ત્યાં ને ત્યાં જ નવા નવા વિદ્યાર્થીઓને શીખવાડીને અને વાંચન કરીને ખુશ અને સુખી. સગાંવહાલાં બધાં વાતો કરવા લાગ્યા કે આમ કયાં સુધી ચાલશે. તેની પાસે શીખીને લોકો આગળ વધી ગયા. પ્રથમ અહીંનો અહીં જ છે. એક દિવસ પ્રથમના મામાએ તેને કહ્યું, ‘પ્રથમ તું આટલો હોશિયાર છે, આગળ વધ, આટલો જાણકાર છે. તને તો લોકો સામેથી કામ આપશે. સારા પૈસા મળશે. જીવન બદલાઈ જશે. સુખ અને સમૃધ્ધિ વધશે.’ પ્રથમે જવાબ આપ્યો, ‘મામા, સુખી તો હું આજે પણ છું. ઘર છે, માતાપિતા છે, કામ છે, મનગમતું વાચન કરું છું અને મમ્મીના હાથના ભાવતાં ભોજન જમું છું. વધારે પૈસાની શું જરૂર છે? મને જે પણ છે તેમાં સંતોષ છે.’ મામા બોલ્યા, ‘દીકરા, આ સંતોષ ન કહેવાય. આ તો પ્રયત્નો ન કરવાની વૃત્તિ પરનો પડદો છે.
જે લોકોને આગળ વધવાના પ્રયત્નો અને મહેનત નથી કરવી તે લોકો સંતોષ છે તેવી વાતો કરે છે અને સંતોષના પરદા પાછળ પોતાની અકર્મણ્યતા છુપાવે છે. શું તને તારી આવડત અને હોંશિયારીમાં કોઈ ખામી લાગે છે કે પછી મહેનત કરવી નથી?’ પ્રથમ બોલ્યો, ‘મામા, કેમ આવું કહો છો? મને સાચે સંતોષ છે. હું ખુશ છું.’ મામાએ કહ્યું, ‘દીકરા, ઘણો સમય વેડફાઈ ગયો, હવે જલ્દી કર અને આગળ વધવાના પ્રયત્નો કર. સંતોષનો સાચો અર્થ એ નથી કે જ્યાં છીએ ત્યાં ખુશ છીએ, એટલે કોઈ પ્રયત્ન જ ન કરવા. સંતોષનો સાચો અર્થ છે કે આપણે આપણાથી બનતા બધા જ પ્રયત્નો કરવા અને પૂરી મહેનત કરી લીધા બાદ જે પણ ફળ મળે તે સ્વીકારીને તેમાં ખુશ રહેવું. પ્રયત્નો જ ન કરવા તે સંતોષ નથી. પ્રયત્નો અને પુરુષાર્થ કરવામાં હંમેશા અસંતોષી રહેવું અને જે ફળ મળે તેમાં સંતોષી રહેવું સમજ્યો.’ મામાએ સંતોષનો સાચો અર્થ સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.