Comments

ગુજરાતના આદિવાસીઓની સમસ્યા ‘વનબંધુ’થી પૂરી થઇ જશે?

છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજકીય પૃષ્ઠભૂમિમાંથી આદિવાસી શબ્દ અદ્રશ્ય છે. હાલમાં ગુજરાતમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ખાસ કરીને આદિવાસી મતવિસ્તારોમાં પણ આદિવાસી વિસ્તારના પ્રશ્નો અને ચર્ચાઓ ગાયબ હતી.નેતાઓએ એમના જ વિસ્તારમાં કેન્દ્ર સરકારની વાતો કરીને મત માંગ્યા.ખેર એ વાર્તા તો પૂરી થઇ.

બીજી મહત્ત્વની ઘટના ઘટી ગુજરાત બજેટ, ગુજરાત બજેટમાં સરકારે આદિવાસી વિસ્તારો માટે વનબંધુ કલ્યાણ યોજના જાહેર કરી અને અનેક દાવાઓ કર્યા પણ પ્રશ્ન શરૂ કર્યો હતો ત્યાં જ આવીને ઊભો રહી ગયો કે આખરે શું આ યોજનાઓથી વર્ષોથી વિકાસ અને આધુનિકતાના વાયરાની રાહ જોતા આદિવાસીઓ અને આદિવાસી વિસ્તારના પ્રશ્નો હલ થઇ જશે ખરા? શું ગુજરાત સરકાર અને એમની યોજનાઓ આદિવાસી વિસ્તારોનું કલ્યાણ કરી શકે છે?

એક તરફ ભાજપ સરકાર આદિવાસીઓ માટે અવનવી જાહેરાતો કર્યે જાય છે. બીજી બાજુ  અનેક વિસ્તારોમાં હજારો આદિવાસીઓના જગંલ જમીનના દાવાઓના નિકાલ માટે સરકાર તરફથી કોઈ અસરકારક પગલાં લેવાઈ નથી રહ્યાં, આજે મોટી સંખ્યામાં આદિવાસીને જંગલ જમીનના કાયદા વિષે જાણ નથી અને એ કારણે એ સરકાર સામે પોતાની જમીન અંગે દાવાઓ રજૂ કરી શક્યા નથી.

સરકાર જો ધારે તો જે લોકોને જંગલ જમીનના કાયદા હેઠળ અધિકાર પત્ર આપ્યા છે એ લોકોને રાજ્યપાલના હુકમ અનુસાર ‘રાઇટ્સ ઓફ રેકર્ડ’ ના આધારે સાત/બારના ઉતારા આપી શકે છે, જે આદિવાસીઓના દાવાઓ નામંજૂર કરવામાં આવ્યા છે. એમને રીચેકીંગની પ્રક્રિયા હાથ ધરાય તો મોટા પ્રમાણમાં આદિવાસીઓને રાહત થઇ શકે છે ( પણ ,જો  અને તો સરકારની આદિવાસીઓને ખરા અર્થમાં મદદ કરવા માંગતી હોય તો અને તો જ )

73 (ડબલ એ ) વાળી  મોટા ભાગની જમીનો કાયદાની આંટીઘૂંટીમાં બિચારા આદિવાસીઓને ભેરવી જમીન પચાવી પાડવાનો મોટા પાયે ખેલ ખેલાઈ રહ્યો છે અને સરકાર માત્ર તમાશો જોઈ રહી છે, જંગલ વિસ્તારોમાં ભૂ-માફિયા બેફામ બનીને ખનનનો વ્યવસાય બેરોકટોક ચલાવે છે અને કાયદાની જાણકારીના અભાવે આદિવાસીઓ બિચારા મૂંગા પ્રેક્ષક બનીને જોયા કરે છે. સરકાર ધારે તો આ તમામ રેતી માફિયા અને સ્ટોનક્રશર માફિયાઓને પાસ હેઠળ જેલ ધકેલી શકે છે. વળી જે લોકો પર્યાવરણની મંજૂરી વગર રેતીખનન કરે છે એ લોકોની તત્કાલ મંજૂરી રદ  કરી આદિવાસીઓને રાહત મેળવી શકે છે.

આદિવાસી વિસ્તારોમાં બાળકોને ભણવા માટે સ્કૂલ નથી અને જે સ્કૂલ બનાવવામાં આવી છે ત્યાં પહોંચવા માટેના રસ્તા નથી બનાવવામાં આવ્યા,મહામહેનતે જે આદિવાસીનો દીકરો /દીકરી સ્કૂલે પહોંચી જાય છે એમને ભણવા માટે સરકાર સમયસર પુસ્તકો નથી આપી શકતી,ભણશે ગુજરાતના દાવાઓ તો કરાયા છે, પણ ભણ્યા કેટલા અને કોણ એના દાવા ચોક્કસ આંકડા સાથે ક્યારેય કરાયા નથી.

આખા દક્ષિણ ગુજરાતમાં જ્યાં પણ આદિવાસીઓની વસ્તી વધારે છે ત્યાં સરકારે એક પણ યુનિવર્સિટી આજ સુધી નથી બનાવી અને ભવિષ્યમાં બનાવશે એવી કોઈ જાહેરાતો પણ નથી કરી તો આવા સંજોગોમાં સરકારની આદિવાસીઓને મદદ કરવાની મનસા  સામે પ્રશ્નો ઊભા થાય છે.

આ સિવાય સરકારે કરેલી જાહેરાતોમાં ક્યાંય આદિવાસી બાળકોને ભણાવવા માટે કે કઈ રીતે એ શિક્ષિત બનશે એનો રોડ મેપ જાહેર નથી કરવામાં આવ્યો, સરકાર ધારે તો આદિવાસી બાળકોને વૈશ્વિક પ્રવાહ સાથે જોડવા માટે અંગ્રેજીના સ્પેશિયલ કલાસ જુનિયર કે.જી. થી શરૂ કરાવી આદિવાસી બાળકોને એમની માતૃભાષામાં આદિવાસી શિક્ષકો દ્વારા શિક્ષણ અપાવી શકે છે,જેનાથી એક આદિવાસી બાળકોને વૈશ્વિક પ્રવાહ સાથે સરળતાથી જોડી શકાશે.

બીજું આદિવાસી શિક્ષક હશે એટલે એના માટે રોજગારીની તકો ઊભી થશે. આ સિવાય જે પણ આદિવાસી યુવાનો શિક્ષણ મેળવી ચૂક્યા છે પણ રોજગારી નથી મેળવી એમના માટે સરકારની સ્ટાર્ટઅપ  યોજના હેઠળ જિલ્લા સ્તરીય સમિતિઓનું ગઠન કરીને રોજગારીની તકો ઊભી કરાવી શકે છે.

આદિવાસી વિસ્તારોમાં ચીટફંડ કંપનીઓ ભોળી આદિવાસી પ્રજાને લોભમાં ભોળવીને લૂંટી રહી છે, પણ સરકાર આ બધી ગેરરીતિઓ સામે આંખ આડા કાન  કરી રહી છે.સરકાર જો આવી ચીટફંડ કંપનીઓ સામે ખરેખર ગંભીર પગલાં લેવા માંગતી હોય તો એણે તત્કાલના ધોરણે એક યોગ્ય નીતિની જાહેરાત કરવી જોઈએ જેથી મજૂરી કરીને જીવન જીવતી પ્રજાને રાહત મળી શકે. બાકી વાતો અને વાર્તાઓ તો સરકાર દ્વારા ચિટફંડ અંગે અનેક વખત કરવામાં આવે છે અમલવારીની વાત આવે ત્યારે જ કાંઈ દેખાતું નથી.

આ તો થઇ મુદ્દાઓની વાત. આદિવાસી વિસ્તારોના પ્રશ્નો અને એમના ઉકેલની વાત. આ બધા જ પ્રશ્નો આદિવાસી વિસ્તારના જ છે અને એના ઉકેલ પણ સરકાર ધારે તો ખૂબ સરળતાથી થઇ શકે છે,જેનાથી આદિવાસી વિસ્તારમાં વસ્તી પ્રજાને રાહત અનુભવાશે અને ખરા અર્થમાં સરકારે આદિવાસીઓને મદદ કરી ગણાશે, બાકી ઉત્સવો ઉજવીને મોટાં મોટાં ભાષણો કરીને ના તો આ વિસ્તારના પ્રશ્નોના ઉકેલ આવવાના છે કે ના તો ગરીબ, ભૂખ્યા આદિવાસીઓના પેટ ભરવાના છે. મહત્ત્વની વાત જો યોજનાઓ જાહેર કરવાથી બધું થઇ જ જતું હોત તો આજે આ વાતોની અહીં ચર્ચા કરવાની કોઈ જરૂર જ ન પડત.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top