SURAT

રામકથા હોય તો આસોપાલવ અને શિવકથા હોય તો બિલિપત્રના છોડનું વિતરણ

સુરત: ભક્તિની સાથે સાથે પર્યાવરણની પણ જાળવણી થાય તેવા શુભ આશયથી યોગીચોક ખાતે આયોજિત શિવકથા (Sivakatha)માં આવતા શિવભક્તોને શિવજીનું પ્રિય બિલ્વપત્રનો છોડ આપવામાં આવશે. 1108 બિલ્વપત્રના છોડ એવા ભક્તોને આપવામાં આવશે કે જેમની પાસે તેને ઉગાડવાની જગ્યા હોય તેમજ તેમની ઇચ્છા પણ હોય કે બિલ્વપત્રના છોડને તે મોટું વૃક્ષ થઇ જાય ત્યાં સુધી તેની જાળવણી કરીએ.

  • રામકથા હોય તો આસોપાલવ અને શિવકથા હોય તો બિલિપત્રના છોડનું વિતરણ
  • પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે શિવકથામાં શિવભક્તોને 1108 બિલ્વપત્રના છોડ વિતરણ કરાશે
  • વૃક્ષધારા ચેરિટેબલ ટ્રસ્ટનો પર્યાવરણ બચાવવાનો અનોખો પ્રયાસ

યોગીચોક ખાતે ઓમ શિવાય નમ: સેવા ટ્રસ્ટ દ્વારા આજથી 9 મે સુધી શિવકથાનું આયોજન કરાયું છે, જેમાં કથા વક્તા તરીકે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર (સુરનગરવાળા) જે.વી.ધાનાણી હાજર રહેશે. આ કથામાં વૃક્ષધારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1108 બિલ્વપત્રના છોડ શિવભક્તોને આપવાનું આયોજન કરાયું છે. વૃક્ષધારા ટ્રસ્ટએ સને 2016થી અત્યાર સુધીમાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં યોજાતી કથામાં કુલ 89,700 છોડનું વિતરણ કર્યું છે. કથા સાંભળવા માટે મોટી સંખ્યામાં આવતા ભક્તોને પર્યાવરણની જાળવણી માટે સમજણ આપી તેમને છોડવાનું વિતરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. વૃક્ષધારા ટ્રસ્ટ મોરારિબાપુની રામકથામાં આશોપાલવ, રમેશ ઓઝાની કૃષ્ણકથામાં કદમના છોડ, સ્વામીનારાયણ સંપ્રદાયની કથામાં લીમડાના છોડ તેમજ વૈષ્ણવ સંપ્રદાયની કથામાં તુલસીના છોડનું વિતરણ કરી ચૂક્યું છે.

1 કરોડ છોડનું વિતરણ કરવાનું લક્ષ્ય : નીતિન અજુડિયા
વૃક્ષધારા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા નીતિન અજુડિયાએ જણાવ્યું હતું કે, યોગી ચોક ખાતે આયોજિત શિવકથામાં પ્રતિદિવસ 6થી 7 હજાર લોકો આવશે. પર્યાવરણની જાળવણી માટે ચાલતું વૃક્ષધારા ટ્રસ્ટ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં યોજાતી કથામાં તેમજ અલગ-અલગ કાર્યક્રમો કરીને લોકોને વૃક્ષારોપણની પ્રેરણા આપે છે. યોગીચોક ખાતે આયોજિત શિવકથામાં શિવજીને પ્રિય બિલ્વપત્રના છોડ એવા ભક્તોને આપવામાં આવશે કે જેમની પાસે તેને ઉગાડવાની જગ્યા પણ છે અને તેમની ઇચ્છા પણ છે. માત્ર બિલ્વપત્ર વાવીને જવાબદારી પૂરી નથી થતી તે વૃક્ષ થાય ત્યાં સુધી તેની જાળવણી કરાય તેવા શિવભક્તોને બિલ્વપત્ર આપવામાં આવશે.

Most Popular

To Top