શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં હવે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. શરૂઆતમાં પારિવારિક વિવાદ તરીકે જોવામાં આવેલ આ ઘટનામાં હવે એક મહિલાના બ્લેકમેઈલિંગનો એંગલ સામે આવ્યો હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે. દીકરીના લગ્નના આનંદભર્યા પ્રસંગ પહેલાં જ બનેલી આ ઘટના સમગ્ર શહેરને હચમચાવી ગઈ છે. ૧ ફેબ્રુઆરીના રોજ તુષાર ઘેલાણીએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી જાતે જ ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં પાંચ દિવસ સુધી જીવન માટે સંઘર્ષ કર્યા બાદ તેમનું અવસાન થયું. ૫ ફેબ્રુઆરીએ જ્યાં દીકરીના લગ્નની શહેનાઈ વાગવાની હતી, ત્યાં જ ઘેર શોકનો માહોલ છવાઈ ગયો અને અર્થી નીકળી ,આ દ્રશ્યે સૌને વ્યથિત કરી દીધા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે એક મહિલા તુષાર ઘેલાણીને લાંબા સમયથી બ્લેકમેઈલ કરી રહી હતી. કહેવાય છે કે મહિલાએ બિલ્ડર પાસેથી દુકાન સહિત કેટલીક મિલકતો પણ પોતાના નામે કરાવી લીધી હતી. છતાં તે અટકી નહોતી. તુષાર ઘેલાણી આ સંબંધમાંથી છૂટકારો મેળવવા માંગતા હતા, પરંતુ મહિલા પીછો છોડતી નહોતી.સૌથી ગંભીર બાબત એ હતી કે મહિલાએ દીકરીના લગ્ન પ્રસંગે હોબાળો કરવાની અને જાહેરમાં બદનામ કરવાની ધમકી આપી હતી.પરિવારની ઇજ્જત અને દીકરીના સુખી ભવિષ્યની ચિંતા વચ્ચે ઘેરાયેલા તુષાર ઘેલાણી માનસિક દબાણમાં આવી ગયા હોવાનું અનુમાન છે. પોલીસ તપાસમાં આત્મહત્યાની દુષ્પેરણા અંગે ગુનો દાખલ કરવાની તજવીજ ચાલી રહી છે.
હાલ પરિવારજનો ઉત્તરક્રિયા વિધિમાં વ્યસ્ત છે. જેથી તેમના નિવેદનો બાદ આગામી બે-ત્રણ દિવસમાં સત્તાવાર ગુનો નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે અનેક પ્રશ્નો ઊભા થયા છે, શું ખરેખર બ્લેકમેઈલિંગે એક પરિવારનો આધારસ્તંભ છીનવી લીધો? શું દબાણ અને ધમકીઓએ એક પિતાને આટલો મોટો નિર્ણય લેવા મજબૂર કર્યો? શહેરમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે.સત્ય શું છે તે તો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ એક વાત નિશ્ચિત છે, દીકરીના લગ્નની ખુશી શોકમાં બદલાઈ ગઈ અને એક પરિવાર પર આફતનો પહાડ તૂટી પડ્યો.