Business

સૂર્યનું સંક્રમણ મકરસંક્રાતિ ઉત્સાહવર્ધક ઉત્સવ

નિસર્ગોત્સવમાં મકરસંક્રાંતિનો તહેવાર ગણવામાં આવે છે. પોષ માસમાં સૂર્ય દસમી રાશિ મકરમાં આવે છે એટલે આ તહેવાર મકરસંક્રાતિ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય દક્ષિણ દિશા તરફથી ઉત્તર દિશા તરફ સરકવા લાગે છે એટલે પવિત્ર ઉત્તરાયણના દિવસો શરૂ થાય છે. સંક્રમણ એટલે જ એકબીજામાં ભળી જવું. હવે સૂર્યદેવ ત્રીસ દિવસ સુધી મકર રાશિમાં સ્થિત રહેશે. અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવી. તમસોમા જયોતિર્ગમય આ વૈદિક વિદ્વાનોની પ્રાર્થના સફળ બને છે. સૂર્યની આ પ્રકાશ ચાલથી આ દિવસથી અંધારું શનૈ: શનૈ ઘટતું જાય છે. ઊંઘમાં પોઢેલા દેવો પણ ઊંઘમાંથી જાગ્રત થાય છે અને ઉત્તમ કાર્ય કરવાનો પ્રારંભ થાય છે. ધનુર્માસની સમાપ્તિ થાય છે. મકરસંક્રાતિ પછી ઉત્તરાયણમાં મરણ આવે એવી ઇચ્છા આસ્તિકો કરે છે ત્યારે સ્વર્ગનાં દ્વાર ખુલ્લાં હોય છે. ભીષ્મપિતામહે કાળસ્વરૂપ યમદેવને ઉત્તરાયણ શરૂ થાય ત્યાં સુધી પોતાના પુણ્ય તાપે રોકી રાખ્યાં હતા. એ જ ઉત્તરાયણનું મહત્ત્વ છે.

પ્રકાશ, અગ્નિ અને જયોતિયુકત ગતિ એ શુકલ ગતિ છે. એ શુકલ એટલે સુદ પક્ષ છે અને ધુમાડો સમ અંધકારથી  યુકત કૃષ્ણ ગતિ છે એ વદ પક્ષ કહેવાય છે એટલે ઉત્તરાયણમાં શુકલ પક્ષનું મરણ તેજોમય બને તો એમાં મૃત્યુની ઝંખના તો ખરી જ. પ્રકાશનો અંધકાર પર વિજય એ મકરસંક્રાતિ છે. સૂર્યનું આ સંક્રમણ વિજય સૂચવે છે. માનવે પણ આવું કાંઇ સંક્રમણ કરીને વિજય તરફ પ્રસ્થાન કરવું જોઇએ. પ્રગતિ, ઉન્નતિ કરવી જોઈએ. જીવન પ્રકાશ અને અંધકારના તંતુઓથી વણાયેલું છે. જીવન વહેમ, કુસંસ્કાર, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા, જડતા, મૂર્ખતા વગેરેથી જકડાયેલું છે. એનાથી માણસ મતિમંદ બન્યો છે. માણસે સૂર્યસમ સંક્રમણ કરવું જરૂરી છે. વહેમને વિજ્ઞાનથી, કુસંસ્કારોને સત્ય સંસ્કારથી, અંધશ્રદ્ધાને સતર્ક બુદ્ધિથી, અજ્ઞાનને જ્ઞાનથી, જડતાને ચેતનવૃત્તિથી અને મૂર્ખતાને ડાહીવૃત્તિથી નામશેષ કરવાં જોઇએ. એને જ જીવન સંક્રાંતિ કહેવાશે. સંક્રાતિકાળમાં પવન લહેરે છે, દોડે છે. મસ્તકમાંના ઉચ્ચ વિચારો લઇને નભમાં ઊડવાનું છે. પોતાના વિચારોની નયન મનોહરતા લોકોને બતાવવી છે. નભમાં ડોલવાનું છે. સત્ય સંયમ અને ચંચલતામાં પણ સ્થિરતા બતાવવી છે.

વિચારોની જડતાથી જો જીવન સ્થિર થયું હોય તો, વિચારોમાં ક્રાંતિ લાવીને સંક્રમણથી ચેતના લાવી શકાય છે. ક્રાંતિ એટલે કાપો, મારો, લૂંટો એમ નહીં. ક્રાંતિ એટલે વિચારોનું સંક્રમણ કરો.  કાપનારને રોકો, મારનારને થોભાવો. લૂંટનારને ભગાવો. નીંદનીય છે તેને પડકારો. અનિચ્છનીય છે તેનો નાશ કરો. મકરસંક્રાંતિ મિલન મેળાવડો છે. એકબીજા જોડે મિત્રતા વધારવાની છે, શુભેચ્છા પ્રતીક આપવાનું છે. તલના લાડુની જેમ તલની સ્નિગ્ધતા અને ગોળની મધુરતા ભેગી કરીને વર્તવું છે. વડીલોને આદર આપવો છે, વિદ્વાનોને સત્કારવાનું છે. સંક્રાતિ સમાનતા, સદ્દભાવ, એકત્વ સૂચવે છે. મકરસંક્રાંતિમાં કરેલું દાન, સફળતા આપે છે. અન્નદાન, જલદાન, કુંભ દાન, વસ્ત્રદાન, જ્ઞાનદાન આપવાથી જીવનમાં વૈભવ, ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. આ વેદવાણી છે. ઠંડીની ઋતુમાં રસોઇના પદાર્થોમાં તલનો વપરાશ ઉપયોગી  છે. એક સૂત્ર બોલવામાં આવે છે, તલગોળ લો, મધુરતમ બોલો.

 પૃથ્વી આશ્રય આપે છે, સૂર્ય પ્રકાશ આપે, નદી જળ આપે, વાયુ શ્વાસ આપે, અગ્નિ ઉષ્મા આપે, આકાશ વિશાળતા આપે, વૃક્ષ છાયા આપે, આ બધાં જ એમનું સારત્વ આપણને વિનામૂલ્યે આપે છે, તો આપણી પાસે જે છે તે બીજાને ઉપયોગી છે તે આપવું જ રહ્યું. તન-મન-ધન રાષ્ટ્ર માટે, પ્રેમ- લાગણી દેશવાસીઓ માટે, જ્ઞાન, કલા, ભક્તિ અને શક્તિ માનવ ઉદ્ધાર માટે આપવાં એ જ મકરસંક્રાંતિનું પુણ્ય કમાવા જેવું છે. સત્યના કાગળ પર સદ્દવિચારોના વાંસની બે કાડીઓ ગોઠવી સંયમના કન્ના બાંધીને પ્રેમની દોરી પર લાગણીનો માંજો ઘસીને સમરસતાની પરતી પર ચઢાવો અને સમ્યક ક્રાંતિનો બહુરંગી પતંગ આકાશે ઉડાવો, ચગાવો. મકરસંક્રાતિનો સૂર્ય કહે છે મારી ગરમી લઇને સ્નેહપ્રેમ લહેરાવો! ચંદ્રની સાત્ત્વિક ઠંડકથી શાંતિ સર્જાવો!

Most Popular

To Top