Business

ત્રણ ‘અમર’ જહાજની માર્મિક મરણકથા…

તમે ‘વીજળી’ વહાણનું નામ સાંભળ્યું હશે. ‘ટાઈટેનિક’ જેવી લકઝરી લાઈનરનું નામ પણ જાણતા જ હશો  અને જો એની મૂવી જોઈ હશે તો  ‘ટાઈટેનિક’  નામ ક્યારેય નહીં ભૂલી શકો.  એ બન્ને  શિપ શંકાસ્પદ સંજોગોમાં કેટલાય કોયડા મૂકીને અફાટ સમુદ્રમાં અલોપ  થઈ ગઈ…. આટલાં વર્ષો બાદ એ બન્ને નામ લોકોને આજકાલ ફરી કાને પડવા માંડયાં છે.  એનું કારણ છે એ બન્ને સાથે હવે એક ત્રીજું નામ પણ ઉમેરાયું છે. એ છે : ‘એન્ડયોરન્સ’. (આનો અર્થ છે  સહનશક્તિ…) આજથી એકાદ શતાબ્દી પહેલાં હિમાચ્છાદિત એન્ટાર્ટિકાનાં જળમાં ડૂબી ગયું હતું અને હવે એનો  ક્ષતિગ્રસ્ત કાટમાળ- ભંગાર સમુદ્રમાં ક્યાં પડયો છે એની ભાળ મળી છે, જેને શોધી સમુદ્રમાંથી બહાર પરત લાવવાના પ્રયાસ શરૂ થઈ ગયા છે.… 

આ જગતનાં  કેટલાંક રહસ્ય સદીઓથી અકબંધ છે. એ કોયડા ઉકેલવા માટે અનેક રીતે યત્ન-પ્રયત્ન થયા પણ ગળે ઊતરે તેવા એના ભેદ-ભરમનો તાગ બધાને મળતો નથી. માનવી માટે પહેલેથી જ આકાશ  અને દરિયો અકળ રહ્યાં છે. આમ છતાં સમુદ્ર કરતાં ધરતીથી  દૂર દૂર છેટે રહેલા અંતરિક્ષનો  તાગ મેળવવો અઘરો છે એટલે  અફાટ  દરિયા નીચેનાં રહસ્ય પામવા માટે માનવી વધુ તલસતો રહે છે. એમાંય સમુદ્ર ખૂંદવા માટે શરૂઆતમાં હાલક -ડોલક થતાં હોડકાંથી લઈને સ્ટીમર અને  તોતિંગ જહાજના  ઉપયોગ  સાથે શરૂ થયા  ને દરિયાઈ અકસ્માતો અને આવી હોનારતો  સાથે દરિયાલાલના પેટાળમાં ગરક થઈ  ગયાં અનેક  રહસ્ય.…

અગાઉ વેપાર-ધંધા માટે દેશ-દેશાવર વહાણવટું થતું  એમાં  અકસ્માતે વહાણ ડૂબી જતાં ત્યારે માલસમાન સાથે ધન પણ જતું. એમાંય  ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શસ્ત્રો-દારૂગોળા સાથે લાખો રૂપિયાના સોના-ચાંદી કે પછી દુશ્મન દેશમાંથી લૂંટેલો ખજાનો પણ સમુદ્રમાં ગરક થઈ જતો. પાછળથી આવા મૂલ્યવાન ખજાનાની શોધમાં અનેક સાગર સાહસિકો નીકળી પડતા અને એમાંથી ઘણાને લાખોની કિંમતનો દલ્લો પણ હાથ લાગતો.  આવા  ખજાના શોધનારા સાગરખેડુ  સાહસિકો-મરજીવાની અનેક ટીમ રીતસર એક વ્યવસાય તરીકે આજે  કાર્યરત છે. ડૂબેલો ખજાનો જો સરકારી હોય તો કેટલીક સરકાર ખુદ આવી દરિયાઈ  ખજાનાની શોધમાં આર્થિક સહાય પણ કરે છે. 

યુદ્ધમાં  કે  અકસ્માતે જળસમાધિ લેનારા અનેક જહાજ છે. જો કે એમાંથી બે વધુ જાણીતાં થયાં. એક હતું  આપણું શીપ ‘વૈતરણા’  ઉર્ફે ‘વીજળી’ અને બીજું , મૂળ બ્રિટિશ વૈભવી જહાજ  ‘ટાઈટેનિક’ , જેને જળગ્રસ્ત થયાને આજે ૧૧૦  વર્ષ  થયાં અને આપણી ‘વીજળી’  અકસ્માતનો ભોગ બનીને ડૂબી એને થયા આશરે ૧૩૩ વર્ષ. નોંધવા જેવી વાત એ છે કે આ બન્ને જહાજને  અકસ્માત નડયો એ વચ્ચે ૨૩ વર્ષનો ફરક છે. આમ છતાં, આજની તારીખે પણ એ બન્નેની સરખામણી થતી જ રહે છે. એટલું જ નહીં, એ બન્નેની જળસમાધિ પછી રચાયેલાં-રજૂ થયેલાં ગીત પણ ખાસ્સાં લોકપ્રિય થયાં છે. 

‘વૈતરણા’ ઉર્ફે ‘વીજળી’ જે સંજોગોમાં જળમાં અલોપ થઈ એ પછી એ દુર્ઘટના વર્ણવતાં અનેક ગીત લખાયાં- ચૌરેચોટે ગવાયાં. એ લગભગ એક યાદગાર  લોકગીત બની ગયું. એ ગીત એટલે… ‘હાજી કાસમ, તારી  વીજળી  રે મધદરિયે વેરણ થઈ.’   એ જ રીતે , વિખ્યાત પૉપ સિગર  સેલીન ડિયોનના સ્વરે રજૂ થયેલું ‘ટાઈટેનિક’ ફિલ્મનું  ટાઈટલ સોંગ  ‘માય હાર્ટ વીલ  ગો ઑન’  આજે   પણ  એટલું જ લોકપ્રિય  છે. અહીં એક જાણવા જેવી વાત આપણી ‘વીજળી’ વિશે એ છે કે એનું સત્તાવાર નામ મહારાષ્ટ્રની જાણીતી નદી વૈતરણી  પરથી ‘સ્ટીમ શિપ -એસ.એસ. વૈતરણા’ રાખવામાં આવ્યું  હતું.  એ પ્રવાસે નીકળતી ત્યારે સંધ્યા ટાણે  એના ડેક પર વીજળીના ગોળા-બલ્બથી  લાઈટ થતી એટલે સમુદ્રનાં ઉછળતાં મોજાં  વચ્ચે મસ્તીમાં  હાલક-ડોલક થતી એ શિપની શોભા ગજબની ખીલી ઊઠતી માટે આ ‘વૈતરણા’ વહાણ એના લાડકા નામ ‘વીજળી’ થી વધુ જાણીતું થયું હતું.

૧૮૮૫માં તરતું મૂક્વામાં આવેલી આ શિપ  ૧૭૫ ફૂટની લંબાઈ ધરાવતું હતું. ૮ નવેમ્બર -૧૮૮૮ના માંડવીથી મુંબઈ જવા નીકળેલી  શિપ ‘વીજળી’ છેલ્લે માંગરોળથી પ્રવાસીઓને લઈને આગળ વધી અને દરિયાઈ  તોફાનમાં સપડાઈને ગરક થઈ ગઈ ત્યારે એમાં ૭૫૦ જેટલા લોકો હતા.(એક અહેવાલ મુજબ  છેલ્લે ૧૨૦૦થી વધુ પ્રવાસી હતા). ‘વીજળી’ના વિલાપ લોકગીતમાં જે ‘હાજી કાસમ’નો ઉલ્લેખ છે એ આ જહાજના કેપ્ટન-માલિક હાજી કાસમને કહે છે કે કોઈ ઓલિયાના આશીર્વાદ હતા કે એની માલિકીનાં ૯૯ જહાજ થશે અને જોગાનુજોગ ‘વીજળી’ આ  ૧૦૦મું વહાણ હતું અને એક ક્મનસીબ રાતે સમુદ્રી તોફાનમાં ગુમ થઈ ગયું જેની પાછળથી પણ  ભાળ ન મળી…

બીજી તરફ, લકઝરી લાઈનર ‘ટાઈટેનિક’ની ગમ્ખ્વાર ઘટના  જાણીતી છે. એના આધારિત હોલીવૂડ ફિલ્મમાં  બે જુવાન હૈયાંની રજૂ થયેલી (કાલ્પનિક) પ્રેમકથાની  અધૂરપ-મધુરપ પણ મનસ્પર્શી  છે.આમ છતાં, ‘ટાઈટેનિક’ ની સાચુકલી કથા આપણે અહીં ઝડપથી જોઈ જઈએ. જેમ કે… ૩૧ મે ૧૯૧૧માં તરતી મૂકવામાં આવેલી  બાવન  હજાર ટનનું  વજન ધરાવતી ‘ટાઈટેનિક’ ૮૮૩ ફૂટ લાંબી હતી. બ્રિટનના સાઉથેમ્પટન પોર્ટથી ન્યૂયોર્કના પ્રથમ પ્રવાસે નીકળેલી ‘ટાઈટેનિક’ ૧૪-૧૫ એપ્રિલ -૧૯૧૨ની ગોઝારી રાતે એની સાથે સમુદ્રની તોતિંગ હિમશિલા અથડાઈ પછી એ ઝડપથી ડૂબવા માંડી હતી.  એ વખતે શિપ પર મ્યુઝિક-ડાન્સની સાથે કોકટેલ પાર્ટી એની પરાકાષ્ઠા પર હતી. ૩૫૦૦ પેસેન્જરની ક્ષમતા ધરાવતી ‘ટાઈટેનિક’માં અકસ્માતની રાતે નાવિકોનો સ્ટાફ તથા પ્રવાસી  સહિત ૨૦૦૦ જેટલા લોકો  હાજર  હતા. આ દારૂણ ઘટના વખતે એ બધાને ૨૩  જેટલી લાઈફ બૉટ્સ દ્વારા  ઉગારી લેવાના પ્ર્યાસ થયા. આમ છતાં ૧૫૦૦ જેટલાએ પ્રાણ ગુમાવ્યા.એટલાન્ટિક મહાસાગરના અકસ્માત પછી આશરે ૩ કલાકમાં એ જમાનાનું સૌથી વૈભવી વહાણ ‘ટાઈટેનિક’ દરિયામાં ચારેક કિલોમીટર (આશરે ૧૩ હજાર ફૂટ) ઊંડાણમાં ગરકાવ થઈ ગયું હતું… ડૂબ્યાનાં ૭૩ વર્ષ પછી પહેલી વાર ૧૯૮૫માં  એના અવશેષ-કાટમાળ નજરે  પડયા હતા. આટલાં વર્ષ પછી જે ઝડપથી એનો કાટમાળ સમુદ્રના ખારા પાણીમાં ‘ઓગળી’ રહ્યો  છે એ જોતાં સમુદ્રશાસ્ત્રીઓ કહે છે કે  થોડાં વર્ષમાં એક અદભુત લોકકથા જેવું આ પાત્ર ‘ટાઈટેનિક’ હંમેશને માટે મૃત્યુ  પામશે….

આ તો  લોકહૈયે વસી ગયેલાં  બે વહાણની વાત છે જ્યારે આજકાલ જે નામ વધુ  સાંભળવા મળે છે એ ‘એન્ડયોરન્સ’ નામ આપણા માટે ભલે અજાણ્યું છે પરંતુ  સમુદ્રી સાહસકથાઓ કે દરિયાઈ અકસ્માતોમાં રસ ધરાવતા લોકો માટે રસપ્રદ વિષય છે. જેનો અર્થ   ‘સહનશક્તિ’ થાય છે  એ  ‘એન્ડયોરન્સ’  શિપ ૧૯૧૪માં કેપ્ટન અર્નેસ્ટ શેકલ્ટોન અને એના ૨૭ નાવિકો (સાથે કેપ્ટનની એક પાળેલી બિલાડી પણ ખરી !) એન્ટાર્ટિકાના સાહસ-પ્રવાસે નીકળ્યા હતા. ૧૧૪ ફૂટ લંબાઈ ધરાવતા આ  ત્રણ સઢવાળા શિપની આ  સાહસયાત્રા કઠીન રહેવાની છે એ તો કેપ્ટનને પહેલેથી જ અંદાજ હતો કારણ  કે એન્ટાર્ટિકાના બર્ફીલા સમુદ્રી તોફાન એમના માટે વિલન બની શકે તેમ હતા. આમ છતાં શરૂઆતના ૧૨- ૧૩ મહિના ઠીક ઠીક વીતી ગયા પણ પછી દરિયાનાં અતિ શીત વા-વંટોળમાં શિપ એવી સપડાઇ કે ૨૧ નવેમ્બર-૧૯૧૫ની મધરાતે એણે જળસમાધિ  લેવી પડી પણ અહીં ન ધારેલી એક ઘટના બની. કેપ્ટન અને એના ૨૭ નાવિકોની ટીમ જહાજ પૂરેપૂરું  ડૂબે એ પહેલાં એમાંથી છટકીને-  બચીને નીકળી ગયા. પછી તો સમુદ્રમાં તરીને-એનાં થીજી ગયેલાં  પાણી પર સતત ચાલી  એક ટાપુ પર પહોંચ્યા. એ બાદ મદદરૂપે મળેલી લાઈફબૉટસ  દ્વારા કુલ ૧૪૦૦ કિલોમીટરના પ્રવાસ  પછી એ સમગ્ર ટીમ બ્રિટનના ફૉકલેન્ડ ટાપુ પર  સહીસલામત પહોંચી શકી જે એક ચમત્કાર તેમ જ એક વિક્રમ હતો.…

આ તરફ, ‘એન્ડયોરન્સ’ સમુદ્રમાં ગુમ થયું પછી વર્ષો સુધી એને દરિયામાં  શોધવાના પ્રયાસ થયા પરંતુ ન જાણે કેમ એનો અત્તોપત્તો મળતો ન હતો. આમ છતાં, એની શોધ પાછળ વર્ષો દાયકામાં અને દાયકા શતાબ્દીમાં પલટાઈ ગયાં ત્યાં હવે અચાનક  ‘એન્ડયોરન્સ’ના વાવડ મળ્યાં. જેના કેપ્ટન અને એની કેટ-બિલાડી સહિતના બધા જ ૨૭ નાવિકો જાનના જોખમે જીવતા ઊગરી ગયા એવા આ ઐતિહાસિક શિપ ‘એન્ડયોરન્સ’ ની શોધ માટે વર્ષોથી ખોજ ચાલતી હતી. હમણાં છેલ્લે છેલ્લે, એક – બે અનામી દાતાએ આપેલી અઘધધ ૧૦ મિલિયન ડોલર ( આશરે રૂપિયા ૭૬ કરોડ) ની રક્મ પછી સમુદ્ર શોધમાં નિષ્ણાત ગણાતી ૪૫ વ્યક્તિની    ‘એન્ડયોરન્સ-22’ તરીકે ઓળખાતી એક ટીમે એક સદીથી વધુ લાપતા પેલા જાજરમાન જહાજને આખરે શોધી કાઢ્યું છે. 

એન્ટાર્ટિકાના બર્ફીલા વેડેલ નામના સમુદ્રમાં  જ્યાં આ અકસ્માત થયો હતો એનાથી 6  કિલોમીટરના અંતરે 10000 ફૂટના ઊંડાણમાં શિપનો  કાટમાળ મળી આવ્યો છે. એને કાટમાળ પણ ન કહેવાય કારણ કે બે-ત્રણ અપવાદ સિવાય ‘એન્ડયોરન્સ’  શિપ એકદમ અકબંધ મળી આવ્યું છે…! આ ઐતિહાસિક જહાજના કેપ્ટન અર્નેસ્ટ શેકલ્ટોને જે નેતૃત્વ  – સાહસથી એની સમગ્ર ટીમને સફળતાપૂર્વક બચાવી એની ચર્ચા પણ આજે ખૂબ થાય છે અને અહીં ફાંટાબાજ કુદરતની કરામત જુઓ કે  હમણાં જે દિવસે પાંચ માર્ચના ૧૦૦ વર્ષથી પણ જૂના ‘એન્ડયોરન્સ’ શિપને શોધી કાઢવામાં આવ્યું એ જ પાંચ માર્ચના એના સાહસિક કેપ્ટન અર્નેસ્ટ શેકલ્ટોનની મરણતિથિને પણ ૧૦૦ વર્ષ થયાં…!

Most Popular

To Top