આ મહિનાના અને વર્ષના પહેલા જ દિવસે વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગથી ૧૨ વ્યક્તિઓનાં મોતના અહેવાલની શાહી હજી સુકાઇ નથી ત્યાં પાડોશી દેશ પાકિસ્તાનના એક હિલ સ્ટેશનમાં ભારે બરફવર્ષાને કારણે ફસાઇ ગયેલા વીસથી વધુ પર્યટકોના મોતના અહેવાલ આવ્યા છે. આ બંને ઘટનાઓ જો કે એકબીજાથી કંઇક જુદી પડે છે પરંતુ બંનેમાં કેટલીક બાબતો એક સમાન છે અને તે એ કે તીર્થ સ્થાનો કે પર્યટન સ્થળો પર ધસારો કરવાની લોકોની વૃત્તિ અને વહીવટીતંત્રોની બેદરકારી અને આવા સ્થળોએ યોગ્ય વ્યવસ્થાનો અભાવ. શનિવારે પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં આવેલ એક લોકપ્રિય હિલ સ્ટેશન મુર્રીથી અહેવાલ આવ્યા કે ત્યાં ભારે બરફ વર્ષા પછી રસ્તાઓ પર પોતાના વાહનોમાં ફસાઇ ગયેલા બાવીસ જેટલા પર્યટકો થીજીને મૃત્યુને ભેટ્યા છે. આ મૃતકોમાં તો નવ જેટલા તો બાળકો હતા. દેખીતી રીતે કલાકો સુધી આ લોકોને અત્યંત ઠંડા વાતાવરણમાં પોતાના વાહનોમાં પૂરાઇ રહેવું પડ્યું હશે અને છેવટે અત્યંત કઠણ સંજોગોમાં તેઓ મૃત્યુ પામ્યા. આ ઘટના ખૂબ જ હચમચાવનારી છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલ સુંદર દ્રશ્યોથી ભરપૂર એવા મુર્રી હિલ સ્ટેશન પર આ વખતે અભૂતપૂર્વ બરફ વર્ષા થઇ છે અને કમનસીબે આ જ સમયે પર્યટકોનો ધસારો પણ ખૂબ વધારે હતો આને કારણે મૃત્યુઆંક ખૂબ વધી ગયો છે. ભારે બરફ વર્ષાને કારણે મુર્રીના તમામ માર્ગો અવરોધાઇ ગયા હતા. રાવલપિંડી જિલ્લામાં આવેલ આ જાણીતા હિલ સ્ટેશનમાં એક હજાર જેટલી મોટરકારો કલાકો સુધી ફસાઇ ગઇ હતી. પોતાના વાહનોમાં ફસાઇ ગયેલા લોકો સખત ઠંડીમાં જ થીજીને મૃત્યુ પામ્યા હતા. સ્થિતિ એટલી ભયંકર હતી કે પંજાબ સરકારે આ પ્રાંતની હોસ્પિટલો માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. પાકિસ્તાનની રેસ્ક્યુ ૧૧૨૨ સેવા તરફથી જારી કરવામાં આવેલ નિવેદન મુજબ ઓછામાં ઓછા બાવીસનાં મોત થયા છે જેમાં નવ બાળકો છે. વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે પર્યટકોના આ કરૂણ મૃત્યુઓથી તેઓ આઘાત પામ્યા છે. આવુ કંઇ પણ થાય તો આપણા કે વિદેશોના નેતાઓ આઘાત વ્યક્ત કરે છે, વળતરો અને તપાસ જાહેર થાય છે અને પછી બધુ જેમ હતું તેમ ચાલતું થઇ જાય છે.
વિપક્ષો દ્વારા આ ઘટના પછી પર્યટકોના ધસારાને ખાળવામાં નિષ્ફળતા બદલ અને અપૂરતી તૈયારીઓ બદલ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા છે. આ પણ જો કે રાબેતા મુજબનું જ છે. આ વખતે મુર્રીમાં થયેલી બરફ વર્ષા અભૂતપૂર્વ પ્રકારની હતી અને તે જ સમયે પર્યટકોનો ધસારો પણ ભારે થયો હતો. ૧૫-૨૦ વર્ષ પછી અહીં પર્યટકોનો આટલો મોટો ધસારો થયો હતો. પાકિસ્તાનના હવામાન વિભાગે ૬થી ૯ જાન્યુઆરી વચ્ચે મુર્રી અને ગાલીયાત વિસ્તારોમાં ભારે બરફ વર્ષા થવાની આગાહી કરી જ હતી છતાં ટુરિસ્ટોને અટકાવવાના કોઇ પ્રયાસ કરાયા ન હતા. ૧૯ જેટલા લોકો તો વાહનોમાં જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે બાકીના હોસ્પિટલોમાં મૃત્યુ પામ્યા હતા. એક અહેવાલ પ્રમાણે એક લાખ જેટલા વાહનો આ શહેરમાં દાખલ થયા હતા. અહીં પ્રશ્ન એ થાય છે કે સખત બરફ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી છતાં અહીં આટલા બધા પર્યટકોને પ્રવેશવા કઇ રીતે દેવાયા? દેખીતી રીતે સ્થાનિક વહીવટીતંત્રની આ ગંભીર બેદરકારી છે.
વૈષ્ણોદેવી હોય કે મુર્રી હોય, તીર્થસ્થાનો કે પર્યટન સ્થળો પર વાર તહેવારે કે રજાઓમાં એક સામટો ધસારો લોકો કરી પાડતા હોય છે. લોકોની આવી વૃતિ પણ ભારે અંધાધૂંધી સર્જતી હોય છે. વૈષ્ણોદેવીમાં આવું જ બન્યું હતું. આંતરરાષ્ટ્રીય નવા વર્ષે મંદિરોમાં મોટા પાયે જવાનો એક નવો ટ્રેન્ડ ઉત્તર ભારતમાં શરૂ થયો છે! આ નવા વર્ષ અને હિન્દુ ધર્મને શું લાગે વળગે તે તો આવો ધસારો કરનારા જ જાણે! પહેલી જાન્યુઆરીએ વહેલી સવારે વૈષ્ણોદેવીના મંદિરમાં લોકો તમામ નિયમોનો ભંગ કરીને મોટા પ્રમાણમાં ધસી આવ્યા, તેમને અટકાવવાના પુરતા પ્રયાસો નહીં થયા અને છેવટે એક નાનકડા ઝઘડામાંથી નાસભાગ થઇ અને કરૂણ ઘટના બની ગઇ. પાકિસ્તાનના મુર્રીમાં પણ વીકએન્ડની રજાને કારણે જ કદાચ લોકોએ ભારે ધસારો કર્યો, તેમને મોટા પ્રમાણમાં અહીં ઉમટતા રોકી શકાયા હોત પરંતુ તેવુ કરવામાં આવ્યું નહીં અને તેમાંથી કરૂણ ઘટના બની ગઇ અને બે ડઝન જેટલા લોકો ઠંડીમાં થીજીને મૃત્યુ પામ્યા. લોકોમાં ઉજવણીઓ અને મોજ મજાના ઉન્માદો જાગે છે અને વહીવટીતંત્રો ઉંઘમાં પડ્યા હોય છે અને તેમાંથી આવી દારૂણ દુર્ઘટનાઓ સર્જાતી રહે છે.