Charchapatra

પીઠોળી અમાસે ગણપતિના દોરા બાંધવાની પરંપરા

શ્રાવણ વદ અમાસને પીઠોળી અમાસ કહેવાય છે. તે દિવસે ખત્રી સમાજ માં ગણપતિની પૂજા અને દોરા બાંધવાની પરંપરા ચાલી આવેલી છે. પીઠોળી અમાસના દિવસે સુતર ના ૨૧ તારના ૨૧ ગાંઠ વાળા દોરા(રક્ષા સૂત્ર) બનાવી ઘરના દરેક સભ્યો હાથમાં ગણપતિના દોરા બાંધે છે. બપોરે પાટલા ઉપર ગણપતિ બાપાની મૂર્તિ બેસાડવામાં આવે છે. પાટલા ઉપર આંબા-પીપળાનું પાન માટીમાં મુકવામાં આવે છે. ગણપતિને ૨૧ ચૂરમાની લાડવીનો ભોગ ધરાવવામાં આવે છે. ઘરના દરેક સભ્યો ગણપતિની પૂજન વિધિ કરે છે.હાથે બાંધેલા દોરા છોડી પાટલા ઉપર મુકવામાં આવે છે. પૂજાની સામગ્રી તાપી નદીમાં વિસર્જન કરવામાં આવે છે. વ્રત કરનારી પરિણીત મહિલાઓ એક ટાણું જમે છે. જમણમાં ચૂરમું,દૂધ અને ટુરિયા પાતળા નું જમણ કરે છે. શ્રાવણ ના છેલ્લા દિવસે અને ગણપતિ ઉત્સવ પહેલા ગણપતિ બાપ્પાની આરાધના અને પૂજનની ધાર્મિક પરંપરા ખત્રી સમાજમાં વર્ષોથી ચાલે છે.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

પંડાલોની સલામતી કોણ તપાશે?
સુરતમા મોંઘેરો ગણેશ ઉત્સવ આવી રહ્યો છે. પ્રજા આનંદ ઉલ્લાસથી ઉજવે એમા કોઇને વાંધો ન હોય પરંતુ જાહેર રસ્તાઓ રોકીને 50 હજારથી વધુ મંડપો બંધાશે એમા સલામતી વ્યવસ્થાનું શું ? ભૂતકાળમાં જીવલેણ અકસ્માતો થયા જ છે અને ધાર્મિક ઉત્સવોમાં મેદની ઉમટે છે. અને આ પાંડાલોમા રેશ્મી કાપડ-થર્મોકોલ-પ્લાસ્ટીક સીટ વપરાય છે જે જલ્દી આગ પકડે છે. વળી મંડપો બાંધવા હવે લોખંડની એંગલો જ વપરાય છે જે વિજળીની વાહફછે અને મંડપોમાં હજારો વોટની લાઇનો ખેંચાય છે. વળી વરસાદની મૌસમ છે ન બનવાનું બને ત્યારે જવાબદારી કોની ? ઇલેકટ્રીક કંપનીની ફાયરની-પોલીસની અને આયોજકોની જવાબદારી શું ?

ઘણી જગ્યાએ મહિના અગાઉથી મંડપો બાંધી આખાને આખા સર્વિસ રોડ બ્લોક કરી દેવાયા છે ટ્રાફીક સમસ્યાનું શું ? લોકોની દૂકાનોની અડોઅડ મંડપો બાંધી દોઢ દોઢ મહિના સુધી ધંધાઓ ચોપટ કરી દેવાય છે. ગ્રાહક આવે કયાંથી ? મંડપો વળી બબ્બે માળ જેટલા 25/30 ફૂટ ઉંચા ન હવા આવે ન અજવાળું ! જયાં બંધાય ત્યાં રહેનારનું શું ? આવવા જવાની જગ્યા તો રાખો! કોઇ જોનારૂં કે બોલનારૂં છે કે નહિં ? વળી તાજેતરમાં જ શહેરમાં મેટ્રોની ક્રેઇનના બે ગંભીર અકસ્માતો નોંધાયા છે છતાં ગણપતિના આગમન સમયે ભરચક મેદની વચ્ચે જંગી ક્રેઇનોના તમાશા યોજવાની મંજુરી કોણ અને કઇ રીતે આપે છે ? રાજકોટ કે મોરબી પુલ જેવી દુર્ઘટના સર્જાશે ત્યારે પછી પો.કમિશ્નર મ્યુનિ.કમિ. ખો બાજી રમશે ?
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top