સુરત: માં આદ્ય શક્તિની આરાધના અને ભક્તિનું પર્વ નવરાત્રિ હાલ ચાલી રહ્યો છે, ત્યારે આદ્યના જુદા જુદા સ્વરૂપની આરધના માટે સુરતમાં જુદા જુદા સ્થળે મંદિરો બન્યા છે. તે પૈકી ઘણા મંદિરો એવા છે જેનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ છે.
- શહેરમાં શકિતના જુદા જુદા સ્વરૂપના મંદિરો સાથે રોચક ઇતિહાસ જોડાયેલો છે
- મોટા અંબાજીના દર્શન શિવાજીએ કર્યા હતા, દેશમાં માત્ર અહી લાકડાની મોગરીથી શ્રીફળ વધેરાય છે
- દક્ષિણના વેપોરીઓ મોગરી જેવા ખાસ મોટા અંબાજી આવ્યા હતા
- શિવાજી જૂના અંબાજી મંદિરે આર્શિવાદ લેવા આવતા હતા
ભકતોમાં આસ્થાનુ કેન્દ્ર એવા જુના અંબાજી રોડ પરના જુના અંબાજી માતા મંદિરના દર્શન કરવા શિવાજી મહારાજ આવતા હતા, તેમજ અહી લાકડાની મોગરીથી શ્રીફળ વધેરવાથી મનોકામના પુરી થાય છે, જેના કારણે અહી ભકતોની ભીડ જામે છે. આ મંદિરોમાં નવરાત્રિના દિવસોમાં ભક્તોનો ભારે ઘસારો થતો જોવા મળે છે.
હાલ ચાલી રહેલી નવરાત્રિમાં સુરતના અંબાજી રોડ પરના 400 વર્ષ કરતાં વધુ પૌરાણિક મોટા અંબાજી મંદિરમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર આવી રહ્યું છે. મંદિરે માતાજીના દર્શન સાથે સાથે શ્રીફળ વધેરવાનો મહિમા પણ નવરાત્રિમાં વધી રહ્યો છે. સુરતનુ અંબાજી મંદિર ભારતનું એક માત્ર એવું મંદિર છે જ્યાં છોડાવાળા શ્રીફળ વધેરવા માટે લાકડાની મોગરીનો ઉપયોગ થાય છે. ખાસ ટ્રેઈન કરેલા લોકો લાકડોની મોગરીના એક ફટકાથી શ્રીફળના બે કટકા કરી દે છે તેનું મહત્વ પણ નવરાત્રિમાં ઘણું જોવા મળી રહ્યુ છે.
સુરત સહિત દેશના મોટા ભાગના મંદિરોમાં છોળા વિનાના છોલેલા શ્રીફળ ચઢાવવામાં કે વધેરવામાં આવે છે. દેશ ભરના મંદિરોમાં શ્રીફળ વધેરવા માટે મશીન કે લોખંડની વસ્તુનો ઉપયોગ થાય છે પરંતુ સુરતના જુના અંબાજી મંદિરમાં આખા શ્રીફળ વધેરવા માટે બાવળના લાકડાંમાંથી બનાવેલી મોગરી (ગદા જેવું સાધન)નો ઉપયોગ થાય છે. વર્ષો પહેલા લોકો પોતાની માનતા પુરી થાય તો મરઘા કે અન્ય પશુના બલીની બાધા લેતા અને અને તેનો બલી ચઢાવતાં હતા.
જોકે, આ મંદિરમાં જીવદયાના કારણે પશુના બલીના બદલે શ્રીફળ વધેરવાની પ્રથા શરૂ થઇ હતી. સુરત પર અનેક વખત ચઢાઈ કરનારા છત્રપતિ શિવાજી મહારાજે સુરતના અનેક મંદિરમાં જઈ દર્શન કર્યા હતા. તેમાંથી એક મંદિર સુરતના અંબાજી રોડનું અંબાજી મંદિર છે. કહેવાય છે કે છત્રપતિ શિવાજીએ દર્શન કરીને માતાજીના ચરણોમાં એક હાર પણ ચઢાવ્યો હતો.
આ વખતે ચાંદીના રથમાં સવાર થઇ માતાજી કોટ વિસ્તામાં ફરશે
મોટા અંબાજી મંદિરના મહંત કિરણભાઈએ જણાંવ્યુ હતુ કે, નવરાત્રિના નવ દિવસોમાં ખંડ ખવળાવાની પ્રથા પણ વર્ષોથી પ્રચલીત પામી છે. આ ખંડ ખાસ જે મહિલાઓની કુખે બાળક ન થતુ હોય તેવી નવ મહિલાઓને ખવડાવવામાં આવે છે. વધુમાં દર વર્ષે નવરાત્રિના અંતિમ દિવસે માતાજી ચાંદીના ભવ્ય રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપવા નિકળે છે. રથ શહેરના કોટ વિસ્તારોમાં ફરીને મંદિરે પરત ફરે છે, માતાજીની રથયાત્રાનો લહાવો લેવા માટે ખુબજ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતુ હોય છે.
દક્ષિણના શ્રીફળના વેપારીઓ ખાસ મોગરી જોવા મોટા અંબાજી આવ્યા હતા
ભારતના એક માત્ર અંબાજી મંદિરમાં છોળાવાળા આખા શ્રીફળ વધેરવા માટે લાકડાંની ગદા જેવું સાધન જેને મોગરી કહેવામાં આવે છે. તેનો ઉપયોગ થતો હોવાની વાત દક્ષિણ ભારતના શ્રીફળના વેપારીઓ સુધી પહોંચી હતી. સુરતમાં શ્રીફળ સપ્લાય કરતાં દક્ષિણ ભારતના શ્રીફળના વેપારીઓ અંબાજી મંદિર આવીને માતાજીના દર્શન કરીને મોગરીથી એક ઘાએ શ્રીફળના બે કટકા થતાં જોઈને આશ્ચર્ય પામી ગયાં હતા.