અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ટેરિફની બાબતમાં ઇંટનો જવાબ પથ્થરથી આપવાની નીતિ અખત્યાર કરી રહ્યા છે, જેને કારણે અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોર એટમિક વોરમાં તબદિલ થવાનો ભય પેદા થયો છે. ચીન અમેરિકાના ટોચના વેપાર ભાગીદારોમાંનો એક છે. ચીન અને અમેરિકા વચ્ચે ૨૦૨૪ માં દ્વિપક્ષીય વેપાર ૫૮૨ અબજ ડોલર સુધી પહોંચ્યો છે.
ચીન સાથે અમેરિકાની વેપાર ખાધ ગયા વર્ષે ૨૬૩ અબજ ડોલર રહી હતી, જે ડોનાલ્ડ ટ્રમ્પને ખૂંચી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ધમકી આપી છે કે જો તે તેનો ૩૪% વળતો ટેરિફ પાછો નહીં ખેંચે તો ચીનથી અમેરિકામાં આયાત થતા માલ પર ૫૦% વધારાનો ટેરિફ લાદવામાં આવશે. ગયા અઠવાડિયે ટ્રમ્પ દ્વારા તેમના લિબરેશન ડેના ભાગ રૂપે ચીની આયાત પર ૩૪% ટેક્સ લાદવાના નિર્ણય બાદ રવિવારે ચીને વળતો પ્રહાર કર્યો હતો, જેમાં અમેરિકાના લગભગ તમામ વેપારી ભાગીદારો પર ઓછામાં ઓછો ૧૦% ટેક્સ લાદવામાં આવ્યો હતો.
સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને મંગળવાર સુધીનો સમય આપ્યો હતો કે તે તેના વળતા ટેક્સને રદ કરે નહીંતર ૫૦% ટેક્સનો સામનો કરે. તેના જવાબમાં અમેરિકામાં ચીની દૂતાવાસે અમેરિકા પર આર્થિક ગુંડાગીરીનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ચીન તેના કાયદેસર અધિકારો અને હિતોનું નિશ્ચિતપણે રક્ષણ કરશે. જો ટ્રમ્પ તેમની ધમકીનો અમલ કરે તો અમેરિકન કંપનીઓને ચીની આયાત પર કુલ ૧૦૪% નો કર ભોગવવો પડી શકે છે, કારણ કે તે માર્ચમાં પહેલેથી જ લાગુ કરાયેલા ૨૦% ટેરિફ અને ગયા અઠવાડિયે જાહેર કરાયેલા ૩૪% ટેરિફ ઉપરાંત આવે છે.
વિશ્લેષકો ચેતવણી આપે છે કે આ વધારાથી અમેરિકન ગ્રાહકો માટે કિંમત વધી શકે છે અને વૈશ્વિક સપ્લાય ચેઇન અસ્થિર થઈ શકે છે. જો ચીન અમેરિકાને માલ મોકલવાનું બંધ કરે અને તેનો માલ દુનિયાના અન્ય દેશોને મોકલે અથવા યુરોપિયન યુનિયન જેવા ભાગીદારો સાથે વેપાર સંબંધો મજબૂત કરે તો અમેરિકામાં આવશ્યક ચીજવસ્તુઓની ભયંકર તંગી પેદા થઈ શકે છે. આનાથી વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વેપાર યુદ્ધ વધુ ઉગ્ર બની શકે છે. જો ચીન ટેરિફની બાબતમાં નમતું ન જોખે તો માથાના ફરેલા ડોનાલ્ડ ટ્રમ્પ ચીન ઉપર હુમલો કરી શકે છે.
જાન્યુઆરીમાં જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પ્રવેશ્યા ત્યારે ચીનથી અમેરિકા મોકલવામાં આવતાં લગભગ બે તૃતીયાંશ માલ પહેલાંથી જ ટેરિફનો સામનો કરી રહ્યા હતા, જે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા પગલાંના પરિણામે હતું. તેમનાં નવાં પગલાં પછી સોલાર પેનલ્સ, વોશિંગ મશીનો અને અન્ય પ્રકારની મશીનરી જેવી વસ્તુઓને અસર કરી હતી, પરંતુ ઘણા મુખ્ય ગ્રાહક ઉત્પાદનો, જેમ કે iPhones, રમકડાં અને કપડાં, બચી ગયાં હતાં.
આ વખતે તેને પણ ટેરિફના સપાટામાં લેવામાં આવ્યા છે. ફેબ્રુઆરીથી ટ્રમ્પે ચીનમાંથી આવતા તમામ માલ પર ૧૦% નો નવો ટેક્સ લાગુ કર્યો, જેને માર્ચમાં વધારીને ૨૦% કર્યો. તેનાથી રમકડાં બનાવનારા વ્યવસાયો મુશ્કેલીમાં મુકાયા છે. ગયા અઠવાડિયે તેમણે કહ્યું હતું કે તેઓ ટેરિફમાં વધુ ૩૪ ટકાનો વધારો કરશે. કેટલીક મુખ્ય વ્યૂહાત્મક વસ્તુઓ, જેમ કે ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ અને લાટી, તે કાર્યવાહીના ટેરિફમાંથી બાકાત રાખવામાં આવી હતી.
પરંતુ આ જાહેરાતનો અર્થ એ છે કે ચીનથી થતી મોટા ભાગની આયાતનો ગયા વર્ષે વેપારમાં ૪૦૦ અબજ ડોલરથી વધુનો હિસ્સો હતો, જે તેને યુરોપિયન યુનિયન અને મેક્સિકો પછી અમેરિકાનો આયાતનો મુખ્ય સ્રોત બનાવે છે, તે ઓછામાં ઓછા ૫૪% ના ટેરિફ દરનો સામનો કરી રહી છે અને જેને ડોનાલ્ડ ટ્રમ્પે હવે ફરીથી ૫૦ ટકા વધારવાની ધમકી આપી છે. જો ચીનથી અમેરિકા આયાત કરવામાં આવતા માલ પર ૧૦૪ ટકા ટેરિફ લાદવામાં આવશે તો અમેરિકામાં ચીનનો માલ બહુ મોંઘો થઈ જશે. કદાચ ચીન પોતાનો માલ અમેરિકા મોકલવાનું બંધ કરી દેશે.
બુધવારે શરૂઆતમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આવતા ઓછા મૂલ્યના પાર્સલની જોગવાઈને સમાપ્ત કરવા માટે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. આ જોગવાઈથી શીન અને ટેમુ જેવા ચીની ઈ-કોમર્સ પ્લેટફોર્મને કોઈ પણ કર ચૂકવ્યા વિના ૮૦૦ ડોલરના પેકેજો અમેરિકા મોકલવાની મંજૂરી મળી હતી. ગયા નાણાંકીય વર્ષમાં આ જોગવાઈ હેઠળ ચીનથી ૧.૪ અબજ ડોલરના પેકેજો અમેરિકા પહોંચ્યા હતા.
આ જોગવાઈ દૂર થવાને કારણે કેટલીક ચીની કંપનીઓએ ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલવો પડશે. આ કારણે અમેરિકામાં તેમનાં ઉત્પાદનોની માંગ ઘટી શકે છે. હેનરિક ફાઉન્ડેશનના ડેબ્રા એમ્સ કહે છે કે જો આ વખતે જોઈએ તો ચીનની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગે છે. એવું નથી કે ફક્ત ચીન પર જ નવા ટેરિફ લાદવામાં આવ્યા છે. પરંતુ જ્યારે અમેરિકા ચીન પર એક પછી એક ટેરિફ લાદે છે, ત્યારે આંકડા ચોંકાવનારા હોય છે. ચીને બદલો લેવો પડશે. તેઓ શાંતિથી બેસીને આ બધું થતું જોઈ શકશે નહીં.
આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના વેપારી ભાગીદારો ગણાતા કંબોડિયા, વિયેતનામ અને લાઓસ પર ૪૬ થી ૪૯ ટકા સુધીના ટેરિફ લાદ્યા છે. અમેરિકાની વેપાર નીતિથી વિયેતનામ અને અન્ય દેશોને નુકસાન થઈ શકે છે. કંબોડિયા અને લાઓસ આ ક્ષેત્રના સૌથી ગરીબ દેશો છે અને ચીનની સપ્લાય ચેઇન પર આધાર રાખે છે. ઊંચા ટેરિફને કારણે આ દેશો પર પ્રતિકૂળ અસર પડી શકે છે. વિયેતનામ ચીનનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન જ્યારે ચીન અને અમેરિકા વચ્ચે તણાવ હતો ત્યારે વિયેતનામને સૌથી વધુ નુકસાન થયું હતું.
ટ્રમ્પે ૨૦૧૮ માં ચીન પર ટેરિફ લાદ્યો હતો. આ કારણે ઉદ્યોગપતિઓએ ઉત્પાદન માટે વિયેતનામ પસંદ કર્યું. જેમ જેમ ચીની કંપનીઓ વિયેતનામ ગઈ, તેમ તેમ વિયેતનામથી અમેરિકામાં આયાત વધતી ગઈ. નવા સત્તાવાર ડેટા અનુસાર, અમેરિકા વિયેતનામનું સૌથી મોટું નિકાસ બજાર રહ્યું છે. તે જ સમયે, ચીન વિયેતનામને સૌથી વધુ માલ સપ્લાય કરતો દેશ બની ગયો છે. એટલું જ નહીં, વિયેતનામની કુલ આયાતમાં ચીનનો ફાળો એક તૃતીયાંશ કરતાં વધુ છે. ગયા વર્ષે વિયેતનામમાં થયેલાં તમામ નવાં રોકાણોમાં ત્રણમાંથી એક ચીની કંપનીનું હતું. દક્ષિણ પૂર્વ એશિયા પર લાદવામાં આવેલા નવા ટેરિફનો હેતુ ચીનને ફટકો મારવાનો છે.
ડોનાલ્ડ ટ્રમ્પના છેલ્લા કાર્યકાળ દરમિયાન ચીની કંપનીઓએ ટેરિફથી બચવા માટે તેમના પ્લાન્ટ ચીનથી દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં ખસેડ્યા હતા, પરંતુ હવે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો પર લાદવામાં આવેલા ટેરિફને કારણે આ દરવાજો પણ બંધ થઈ ગયો છે. ટ્રમ્પના ટેરિફની અસર દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં પોતાનાં ઉત્પાદનો બનાવતી અમેરિકન કંપનીઓ પર પણ પડશે. આનાથી એપલ, ઇન્ટેલ અને નાઇકી જેવી મોટી અમેરિકન કંપનીઓને પણ અસર થશે, કારણ કે તેમની મોટા ભાગની ફેક્ટરીઓ વિયેતનામમાં છે. વિયેતનામમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે તેના મોટા ભાગનાં અમેરિકન ઉત્પાદકોને ડર છે કે જો ટેરિફ લાદવામાં આવશે તો તેઓ કામદારોને છૂટા કરશે.
પ્રશ્ન એ છે કે ટેરિફ લાગુ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે, તેથી ચીન પાસે તેનો જવાબ આપવા માટે કયો વિકલ્પ છે? જાણકારો કહે છે કે ચીન ટેરિફ સામે જોરદાર વળતો પ્રહાર કરી શકે છે અને અમેરિકન કંપનીઓ માટે ચીનમાં કામ કરવાનું વધુ મુશ્કેલ બનાવવા માટે પગલાં લઈ શકે છે. ચીનનું અર્થતંત્ર પહેલાથી જ પડકારોનો સામનો કરી રહ્યું છે અને આગળનો રસ્તો તેના માટે અત્યંત મુશ્કેલ છે. અન્ય દેશોમાં નિકાસ કરવાથી ત્યાંના ઉદ્યોગોનો નાશ થવાનો ભય છે, તેથી ત્યાંના રાજકારણીઓ આ સ્વીકારવા તૈયાર નથી.
આનો અર્થ એ છે કે ચીને આખરે સ્થાનિક માંગ વધારવી પડશે. આ ટેરિફ ચીનને અન્ય એશિયન દેશો સાથે જોડાણ કરવા માટે પણ પ્રેરિત કરી શકે છે, જેઓ ટેરિફનો સામનો કરી રહ્યા છે. જો ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ આક્રમણના જવાબમાં એશિયાના તમામ દેશો સંગઠિત બનીને અમેરિકાની એપલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન, કોકા કોલા, પેપ્સી, ફોર્ડ, ગુગલ, નેટ ફ્લિક્સ જેવી કંપનીઓનો બહિષ્કાર કરે અને અમેરિકા પોતાનો માલ મોકલવાનું બંધ કરે તો ડોનાલ્ડ ટ્રમ્પે એશિયાના દેશો સાથે સમાધાન કરવું જ પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
