હાલમાં બાઇડન પ્રશાસને ચીની ઇલેકટ્રીક વાહનો, એડવાન્સ્ડ બેટરીઓ, સોલાર સેલ્સ, પોલાદ, એલ્યુમિનિયમ અને મેડિકલ સાધનો પર નવા વેરાઓ લાદવાની યોજનાની જાહેરાત કરી છે – ચૂંટણીના વર્ષમાં કરવામાં આવેલ આ જાહેરાતને પગલે વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો વચ્ચે તિરાડ વધી શકે છે અને બંને દેશો વચ્ચે ફરી એક વાર વ્યાપાર યુદ્ધ શરૂ થઇ શકે છે જે અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પના શાસન વખતે થયું હતું. આમ પણ અમેરિકા અને ચીનના સંબંધો ઘણા મામલે વણસેલા રહ્યા છે. હાલમાં જો કે ચીની પ્રમુખ જિનપિંગની અમેરિકાની મુલાકાત પછી બંને દેશો વચ્ચે વ્યાપાર સહિતના સંબંધો સુધરે તેવા સંકેતો દેખાતા હતા પણ હવે ફરી એકવાર બાઇડન પ્રશાસને નવી આયાત ડયુટીઓ લગાડવાની જાહેરાત કરતા આ સંબંધો ફરી વણસી શકે છે.
આમ પણ આ આયાત વેરાઓ પ્રમુખ જો બાઇડન અને તેમના રિપબ્લિકન પૂરોગામી ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચૂંટણી પ્રચારનો મુદ્દો બન્યા હતા. બંને ઉમેદવારો એ બતાવવામાં લાગ્યા હતા કે ચીન સાથે કોણ વધુ સખત બની શકે છે. પ્રશાસનના અધિકારીઓએ જો કે કહ્યું હતું કે આ વેરાઓ ચીન સાથે તનાવ વધારે એમ તેમને લાગતું નથી, છતાં તેમને લાગે છે કે ચીન અમેરિકાના ઉત્પાદનો પર નવા વેરાઓ લાદીને અમેરિકાને જવાબ આપશે.
આ વેરાઓ આગામી ત્રણ વર્ષમાં તબક્કાવાર લાગુ પાડવામાં આવશે, જેઓ ચાલુ વર્ષે જ અમલી બનશે તેમા ઇલેકટ્રીક વાહનો, સોલાર કોષો, સિરંજ, નીડલો વગેરોને સમાવેશ થાય છે. અમેરિકામાં ચીની ઇલેકટ્રીક વાહનો પર અત્યારે બહુ ઓછા વેરા છે પણ અધિકારીઓને ભય છે કે ચીનની સરકારની સબસીડીઓને કારણે નીચી કિંમતના ચીની ઇલેકટ્રિક વાહનો ટૂંક સમયમાં અમેરિકાના બજારોમાં ઉભરાવા માંડશે.
ચીની કંપનીઓ અમેરિકામાં અમેરિકામાં ઇવીઝ ૧૨૦૦૦ ડોલર જેટલી કિંમતમાં વેચી શકે છે. વળી તેઓ સૌર કોષો પણ નીચી કિંમતે વેચી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ચાલુ વર્ષે પ્રમુખપદની ચૂંટણી છે ત્યારે ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને ઉમેદવારો એકબીજાને ચીનના મુદ્દે નીચું જોવડાવવાના પ્રયાસો કરતા જણાય છે અને ચીન સાથે કોણ સખત તેની જાણે હરિફાઇ ચાલે છે. હાલમાં એક રેલીમાં ટ્રમ્પે પોતાના ટેકેદારોને કહ્યું હતું કે જો બાઇડનની આર્થિક યોજના ચીનને ધનવાન અને અમેરિકાને ગરીબ બનાવવાની છે.
ચીન અને અમેરિકા વચ્ચેનો આર્થિક સંઘર્ષ જાન્યુઆરી 2018 થી ચાલુ છે, જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ અને અન્ય વેપાર અવરોધો લાદવાનું શરૂ કર્યું હતું. અમેરિકા લાંબા સમયથી ચાલતી અન્યાયી વેપાર પ્રથાઓ જેને કહે છે તેમાં ફેરફાર કરવા દબાણ કરે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ પ્રથાઓ યુ.એસ.-ચીન વેપાર ખાધમાં ફાળો આપી શકે છે . યુ.એસ.ના વેપારના પગલાંના પ્રતિભાવમાં, ચીનની સરકારે ટ્રમ્પ વહીવટીતંત્ર પર રાષ્ટ્રવાદી સંરક્ષણવાદમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો અને બદલો લેવાની કાર્યવાહી કરી.
2019 સુધી વેપાર યુદ્ધ વધ્યા પછી, જાન્યુઆરી 2020 માં બંને પક્ષો તંગ તબક્કાના પ્રથમ કરાર પર પહોંચ્યા; તેની મુદત ડિસેમ્બર 2021માં સમાપ્ત થઈ ગઈ અને ચીનમાંથી આયાત માટેના તેના લક્ષ્યાંકો સુધી પહોંચવામાં ચીન મોટા માર્જિનથી નિષ્ફળ ગયું. ટ્રમ્પ પ્રમુખપદના અંત સુધીમાં, વેપાર યુદ્ધને વ્યાપકપણે યુનાઇટેડ સ્ટેટ્સ માટે નિષ્ફળતા તરીકે દર્શાવવામાં આવ્યું હતું. જો કે તેમના અનુગામી જો બાઇડેને ટેરિફને યથાવત રાખ્યા છે. જો કે આ પહેલા જ્યોર્જ ડબલ્યુ.
બુશ અને બરાક ઓબામાના વહીવટીતંત્રે પણ સ્થાનિક ઉત્પાદકોને બચાવવા માટે ચાઈનીઝ કાપડ પર ક્વોટા અને ટેરિફ લાદ્યા હતા, અને ચીન પર આ ઉત્પાદનોની નિકાસ ડમ્પિંગ ભાવે કરવાનો આરોપ મૂક્યો હતો. ઓબામા વહીવટીતંત્ર દરમિયાન, યુ.એસ.એ ચીન પર એલ્યુમિનિયમ અને સ્ટીલના ઉત્પાદનમાં સબસિડી આપવાનો પણ આરોપ મૂક્યો હતો અને ચીન સામે એન્ટિ-ડમ્પિંગ તપાસની શ્રેણી શરૂ કરી હતી. જો કે આ બે પ્રમુખોના શાસન દરમિયાન, યુએસ-ચીની વેપાર સતત વધતો રહ્યો.
આ સમય દરમિયાન, ચીનની અર્થવ્યવસ્થા વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી તરીકે વૃદ્ધિ પામી હતી, જે અમેરિકા પછી બીજા ક્રમે હતી.બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ, એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક અને “મેડ ઈન ચાઈના 2025” જેવી મોટા પાયે ચીનની આર્થિક પહેલોએ કેટલાક અમેરિકી નીતિ નિર્માતાઓને ચિંતામાં મૂક્યા હતા. વધુ વ્યાપક રીતે, અમેરિકી સરકાર દ્વારા ચીનની આર્થિક વૃદ્ધિને અમેરિકન આર્થિક અને ભૌગોલિક રાજનીતિક વર્ચસ્વ માટે પડકાર તરીકે જોવામાં આવે છે. એટલે લાગે છે કે આગામી સમયમાં બંને દેશો વચ્ચેનો વેપાર સંઘર્ષ ફરી ઉગ્ર બની શકે છે.