ભારત આધ્યાત્મિકતાનો દેશ છે, જ્યાં કણ-કણમાં ઈશ્વર જોવાની પરંપરા છે. પરંતુ આ પરમ શ્રદ્ધા જ આજે પાખંડીઓ માટે કમાણીનું સાધન બની ગઈ છે. તાજેતરમાં બનેલી ઘટનાઓની વાત કરીઓ તો સુરતના એક યોગગુરુ નકલી નોટો સાથે ઝડપાયા અને મહારાષ્ટ્રના એક જાણીતા જ્યોતિષના અભદ્ર વિડિયો વાયરલ થયા છે. ભારતના ખુબ જાણીતા ધર્મનેતાઓ રેપના આરોપસર જેલની સજા કાપી રહ્યા છે. આવા પાખંડીઓ લોકોના મનોવિજ્ઞાન સાથે રમે છે. જ્યારે કોઈ વ્યક્તિ આર્થિક તંગી, બીમારી કે કૌટુંબિક કલેશથી ઘેરાયેલી હોય, ત્યારે તેને ‘ચમત્કાર’ની જાળમાં ફસાવવામાં આવે છે. “એકના ડબલ કરી દેવાની” લાલચ કે “ગ્રહદશા સુધારવાના” બહાને લોકોના ખિસ્સા ખાલી કરવામાં આવે છે.
આ બની બેઠેલા ગુરુઓ માત્ર પૈસા જ નથી પડાવતા, પણ આલીશાન આશ્રમો બનાવીને મિલકતો હડપ કરે છે. ક્યારેક ધર્મના નામે સ્ત્રીઓનું શારીરિક શોષણ પણ થાય છે. કરુણતા તો એ છે કે, જે સામાજિક કાર્યકરો આ અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવે છે, તેમનો અવાજ કાયમ માટે દબાવી દેવામાં આવે છે. સાચો ધર્મ ક્યારેય ડર બતાવીને લૂંટતો નથી. સાચો ધર્મ માનવતા, સેવા અને નીતિ શીખવે છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી એ વ્યક્તિગત બાબત છે, પણ કોઈ પાખંડીના પગમાં પોતાની બુદ્ધિ ગીરે મૂકવી એ અંધશ્રદ્ધા છે.જ્યાં સુધી સમાજ જાગૃત નહીં થાય અને પ્રશ્નો પૂછવાનું શરૂ નહીં કરે, ત્યાં સુધી આવા પાખંડીઓની દુકાનો ચાલતી રહેશે. આપણે સમજવું પડશે કે ઈશ્વર સન્માર્ગમાં છે, કોઈ ચમત્કારિક બાબાના આશીર્વાદમાં નહીં.
પંચમહાલ – વિજયસિંહ સોલંકી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે