વડોદરા: મુંબઈથી લોખંડની પાઈપ ભરીને મંજૂસર જીઆઈડીસીમાં મોકલતા માલિકને ગેરમાર્ગે દોરી ટ્રેલર ચાલકે બારોબાર સગેવગે કરીને ટ્રેલર બિનવારસી છોડી દીધો હતો. હરણી પોલીસે બિનવારસી ટ્રેલર સહિત અન્ય ટ્રેલર અને ચોરીનો મુદ્દામાલ બે બાઈક ત્રણ મોબાઈલ સહિત 75 લાખ મુદ્દામાલ કબજે કરીને ત્રિપૂટીની ધરપકડ કરી હતી અને તેમના બે સાગરિતોને વોન્ટેડ જાહેર કર્યા હતા. મહારાષ્ટ્રની એરોટિક એનર્જિ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના માલિક વેણુગોપાલનએ લોખંડની પાઈપ તથા એલ્યુમિનિયમની કોઈલનો જથ્થો ટ્રેલરમાં ભરીને મંજૂસર સ્થિત જીઓન એન્જિનિયરિંગ વર્કસમાં જોબ વર્ક માટે રવાના કરી હતી.
ટ્રેલર ચાલકની દાનત બગડતા 48.83 લાખની પાઈપ અને કોઈલને સગેવગે કરીને રોકડી કરી લેવા વડોદરાના સ્ક્રેપ દલાલ અને સ્ક્રેપ વેપારીનો સંપર્ક કર્યો હતો અને જથ્થો રણોલી નજીક જથ્થો સગેવગે કરી નાખતા સમયે જવાહરનગર પોલીસે ચેકિંગ કરતા બિલ વગરનો માલ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે પોલીસને ગોળ ગોળ ફેરવીને ભેજાબાજોએ માલ ખાલી કરીને ટ્રેલર દરજીપુરા એરફોર્સ પાસે બિનવારસી છોડી દીધી હતી.
કંપની સંચાલકોએ સતત તપાસ કરતા ટ્રેલરની જીપીએસ સિસ્ટમના કારણે લોકેશન મળી ગયું હતું. હરણી પોલીસે તુરંત એકશન લેતા ઠગ ટોળકીના રીકીન મોહનલાલ સાગર (નિલેશપાર્ક સોસાયટી,ઓરિએન્ટ ફલેટની સામે કોયલી રોડ) 2.સુમિત મનિષભાઈ સરોજ (નિલેશપાર્ક સોસાયટી ઓરિએન્ટ ફલેટ સામે કોયલી રોડ) 3. અમિત વિનોદભાઈ લમ્બાની(વાળંદ) ગેલેકસી ટાવર ભાયલી કેનાલ રોડ દબોચી લીધા હતા. ભેજાબાજ આરોપીઓ પાસેથી બે ટ્રેલર, પાઈપ, બુલેટ, પેશન બાઈક, ત્રણ નંગ મોબાઈલ સહિત 75 લાખ રૂિપયા મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઠગ ત્રિપૂટીની પૂછતાછમાં ફકત 30 રૂપિયા કિલોના ભાવે ચોરીના પાઈપ અને કોઈલનો સોદો થયો હતો. ગુનામાં સંડોવાયેલા બે સાગરીતોની પોલીસે વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા અદાલતે જયુડિશિયલ કસ્ટડીમાં ધકેલી આપવા હુકમ કર્યો હતો.