Editorial

રાજકારણીઓ પોતે સમજશે તો જ દેશમાં કોરોનાની ત્રીજી લહેર કાબુમાં આવશે

ઓમિક્રોન વેરિએન્ટ આવવાની સાથે આખા વિશ્વમાં કોરોનાના કેસની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. એકલા અમેરિકામાં જ કોરોનાના એક જ દિવસમાં 11 લાખ કરતાં પણ વધારે કેસ નોંધાયા છે. ભારતમાં પણ એક જ દિવસમાં કોરોનાના કેસનો આંક 50 હજારથી વધારે થઈ ગયો છે. કોરોનાના કેસ અને મોતનો આંક રોજને રોજ વધી રહ્યો છે. વિશ્વના અનેક દેશોમાં પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે. ભારતમાં હજુ સુધી એવી સ્થિતિ થઈ નથી કે લોકડાઉન લગાડવું પડે. જે રીતે સ્થિતિ છે તે જોતાં આગામી દિવસોમાં ભારતમાં પણ કોરોનાના કેસનો આંક લાખોમાં નોંધાય તેવી સંભાવના જોવાઈ રહી છે.

All about the filthy politics - iPleaders

ભારતની સ્થિતિ કોરોનાના મામલે ગંભીર થઈ શકે તેવી શક્યતા હોવા છતાં પણ ભારતના રાજકારણીઓ સમજી શકતાં નથી. ભારતમાં કોરોનાના કેસ વધે કે ઘટે, તેની સાથે રાજકારણીઓને જાણે કશું જ લેવા-દેવા નહીં હોય તેમ ચૂંટણી પ્રચારમાં કોઈ જ ઓટ આવતી નથી. વર્ષ 2020માં ગુજરાતમાં અને દેશના અન્ય રાજ્યોમાં મોટાપાયે ચૂંટણી પ્રચાર કરવામાં આવતાં અને તેમાં છૂટ લેવામાં આવતાં કોરોનાના કેસમાં વધારો થઈ ગયો હતો. હાલમાં પણ ભારતમાં કોરોનાના જે કેસ વધી રહ્યાં છે તેમાં રાજકારણીઓ દ્વારા મોટાપાયે કરવામાં આવી રહેલો પ્રચાર જ જવાબદાર હોવા છતાં રાજકારણીઓ અટકવાનું નામ લેતા નથી. ચૂંટણી પ્રચારના મામલે જે તે રાજ્યના કે રાષ્ટ્રીય નેતાઓ તો ઠીક, ખુદ વડાપ્રધાન પણ હજારો લોકોની રેલી અને સભાઓ કરી રહ્યાં છે.

આગામી દિવસોમાં દેશમાં યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી થનાર છે. કોરોના વધી રહ્યો છે છતાં પણ આ ચૂંટણી પ્રચાર પર રોક લગાડવામાં આવી નથી. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ચૂંટણી અટકાવવા માટે ચૂંટણી પંચને કરવામાં આવેલી અપીલ એળે ગઈ છે. લોકોને ભેગા થવા પર સરકારો દ્વારા પ્રતિબંધ મુકવામાં આવે છે. લગ્નમાં કેટલા વ્યક્તિઓને બોલાવવા કે પછી મરણ પછીની ક્રિયામાં કેટલી વ્યક્તિઓને ભેગા થવા દેવી તેનો આદેશ સરકાર કરે છે પરંતુ ચૂંટણી પ્રચારમાં કેટલાએ ભેગા થવું? તેની કોઈ જ ગાઈડલાઈન બહાર પાડવામાં આવતી નથી. ચૂંટણી પ્રચારમાં કોરોનાની ગાઈડલાઈનો એવી રીતે ઉલાળિયો કરવામાં આવે છે કે જાણે કોરોના દેશમાં છે જ નહીં. રાજકારણીઓ બેફિકર છે અને જનતા પરેશાન થઈ રહી છે.

કોરોનાને નાથવા માટે જેટલો લોકોનો સહકાર જરૂરી છે, તેટલો જ રાજકારણીઓનો પણ સહકાર જરૂરી છે. રાજકારણીઓ સમજશે તો જ કોરોના કાબુમાં આવશે. પોતે કોરોનાની ગાઈડલાઈન પાળવી નથી તે માટે રાજકારણીઓ લોકો પર કડકાઈ કરી શકતા નથી. સરવાળે કોરોનાના કેસનો વધુને વધુ વિસ્ફોટ થઈ રહ્યો છે. કોરોનામાં જે વ્યક્તિઓએ પોતાના સગાસંબંધી ગુમાવ્યા છે તેમની વેદનાની રાજકારણીઓને પડી નથી. ખરેખર આવી સ્થિતિ હોય તો ચૂંટણી પ્રચારને બાજુ પર મુકી, ચૂંટણીને સ્થગિત કરીને કોરોનાના વાવરને કેવી રીતે કાબુમાં લઈ શકાય તે માટેના પ્રયત્નો રાજકારણીઓએ કરવા જોઈએ. થોડા સમય પહેલા જ ચૂંટણી પ્રચાર કે રાજકીય કાર્યક્રમોમાં રાજકારણીઓ દ્વારા માસ્ક પણ પહેરવાની તસ્દી લેવામાં આવતી નહોતી. હજારો લોકોને રાજકીય કાર્યક્રમોમાં ભેગા કરવાને કારણે કોરોનાના વકરી રહ્યો છે ત્યારે જો રાજકારણીઓ સમજી જશે તો દેશ કોરોનાની ત્રીજી લહેરમાંથી પણ ઉગરી જશે તે નક્કી છે.

Most Popular

To Top