સુરત: શહેરમાં કોરોના ( corona) ની બે-બે વેવનો સામનો કર્યા બાદ હવે ત્રીજી લહેર ( third wave) માટે પણ સુરત મનપાનું તંત્ર સજ્જ થઇ રહ્યું છે. જે બાબતે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરત મનપા દ્વારા પ્રથમ અને બીજી વેવમાં ( second wave) અન્ય શહેરોની સરખામણીમાં સારી વ્યવસ્થા થઇ હતી અને કોરોના સામે મજબૂત લડાઇ આપી હતી, ત્યારે હવે સંભવિત ત્રીજી લહેર માટે પણ સુરત મનપાનું તંત્ર સજ્જ થઇ રહ્યું છે.
ત્રીજી વેવમાં બાળકો પર વધુ અસર થવાની સંભાવનાને ધ્યાને રાખી પીડિયાટ્રીક એસોસિએશન તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ( ima) સાથે મીટિંગ કરીને આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 12 વર્ષથી નીચેનાં બાળકો માટે જરૂરી વેન્ટિલેટર ઉપલબ્ધ કરવા બાબતે ચર્ચા થઇ છે. હાલમાં આવાં 200 જેટલાં વેન્ટિલેટર છે. જો કે, 12 વર્ષથી ઉપરનાં બાળકો માટે તો વયસ્કો માટેનાં વેન્ટિલેટર ચાલી જ શકે છે. આમ, છતાં મનપા દ્વારા વધુ વેન્ટિલેટરની ખરીદી માટે પણ તૈયારી શરૂ કરાઇ હોવાનું મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું.
શહેરમાં 18 વર્ષથી નીચેનાં 27 લાખ બાળકો, 2000 બેડની જરૂરિયાતનો અંદાજ
મનપા કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં હાલ 70 લાખની વસતી પ્રમાણે જોઇએ તો 18 વર્ષથી નીચેના હોય તેવાં 27 લાખ બાળકો અને તરુણો છે. જ્યારે 50 વર્ષથી નીચેના હોય તેવા 21 લાખ લોકો અને પાંચ વર્ષથી નીચેનાં સાત લાખ બાળકો, જ્યારે 1 વર્ષથી નાની ઉંમરના 1 લાખ ત્રણ હજાર બાળકો છે. જો થર્ડ વેવમાં વધુ બાળકો ( children) જ અસરગ્રસ્ત થાય તો તેમાંથી 20 ટકા દર્દીઓને પણ હોસ્પિટલાઇઝ કરવાની જરૂરિયાત ઊભી થાય તો સરેરાશ 2000 બેડની જરૂર પડે તેવું માનીને આયોજન કરવામાં આવી રહ્યું છે.
આઇવીઆઇજી દવા અને વેન્ટિલેટર ખરીદી માટે આયોજન
મનપા કમિશનરે જણાવ્યું હતું કે, બાળકોમાં જો કોરોનાની અસર વધે તો તેના માટે જરૂરી આઇવીઆઇજી ( ivig) નામની દવા અને 12 વર્ષથી નીચેનાં બાળકોને ચાલે તેવાં વેન્ટિલેટર ખરીદવા માટે તૈયારીઓ શરૂ કરાઇ છે. સાથે સાથે નાની સાઇઝના ઓક્સિજન ( oxygen) કન્સન્ટ્રેટર માટે પણ પ્રયાસો શરૂ કરાયા છે. મનપા કમિશનરે ઉમેર્યું હતું કે, બાળકોમાં જો કોરોનાની અસર હોય તો મલ્ટિઓર્ગન ડિસ ઓર્ડર સિન્ડ્રોમ દેખાય તેવી પણ શક્યતા છે. તેથી સાવધાનીપૂર્વક તૈયારીઓ કરવી પડશે.
જેને ત્યાં બાળકો હોય તેવા વાલીઓને વેક્સિન લઈ લેવા અપીલ
મનપા કમિશનરે જણાવ્યું હતું કે, થર્ડ વેવમાં જો બાળકો વધુ અસરગ્રસ્ત થશે તો તેને સારવાર માટે હોસ્પિલમાં દાખલ કરાય ત્યારે તેના એકાદ વાલીને ત્યાં હાજર રહેવા દેવા પડશે, તેથી તેને વેક્સિન મુકાઇ ગઇ હોય તે જરૂરી છે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, જેને ત્યાં બાળકો હોય તેવા વાલીઓ વહેલી તકે વેક્સિન મુકાવી લે એ જરૂરી છે. આ માટે મનપા દ્વારા પણ કોઇ અલગ આયોજન થઇ શકે તો કરાશે.