સુરતઃ માંગરોળના મોટા બોરસરા ગામની સીમમાં 17 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મના કેસમાં ભાગતો ફરતો ત્રીજો નરાધમ આરોપી આખરે ઝડપાઈ ગયો છે. રાજસ્થાન ભાગી રહ્યો હતો ત્યારે સાબરમતી સ્ટેશન પર ટ્રેનમાંથી પોલીસે તેને ઊંચકી લીધો છે. આ કેસમાં ત્રણ આરોપી પૈકી એક આરોપી શિવશંકરનું મોત નિપજ્યું છે.
ગઈ તા. 8 ઓક્ટોબરની રાત્રે 10.45થી 11.15ના 30 મિનિટના સમયગાળામાં કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં અંધારિયા ખેતરની અવાવરુ જગ્યામાં 17 વર્ષ 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી ત્યારે ત્રણ નરાધમ આરોપી ત્યાં આવી પહોંચ્યા હતા. સગીરાના મિત્રને માર મારી અર્ધનગ્ન કરી તેની પાસેથી મોબાઈલ ફોન આચંકી લીધો હતો અને સગીરા પર બળજબરીપૂર્વક વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.
યેનકેન પ્રકારે સગીરાનો મિત્ર ગામ તરફ દોડી ગયો હતો અને બૂમાબૂમ કરી ગ્રામજનોને ભેગા કર્યા હતા. ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે નરાધમો ભાગી છૂટ્યા હતા અને સગીરા અર્ધનગ્ન હાલતમાં ખેતરમાં પડી હતી. સગીરાને ગ્રામજનોએ હોસ્પિટલમાં ખસેડી હતી. બીજી તરફ જાણ થતા પોલીસ દોડી આવી હતી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
આખી રાતની શોધખોળને અંતે ત્રણ પૈકી બે નરાધમો પકડાયા હતા, જે પૈકી એક શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાની પોલીસ કસ્ટડી દરમિયાન તબિયત બગડી હતી, તેથી તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. તેના હૃદયમાં બે બ્લોકેજ હોવાની વિગતો જાણવા મળી છે.
આ કેસમાં એક આરોપી મુન્ના કરબલી પાસવાન ફરાર હતો, તેને પકડવાના પ્રયાસો ચાલુ હતા. દરમિયાન તે ટ્રેનમાં રાજસ્થાન ભાગી રહ્યો હોવાની બાતમી મળી હતી, તેના આધારે સાબરમતી સ્ટેશન પર વોચ ગોઠવી ટ્રેનમાંથી મુન્નાને અમદાવાદ પોલીસે પકડી પાડ્યો છે. સુરત જિલ્લા પોલીસ મુન્નાનો કબ્જો લઈ સુરત આવવા રવાના થઈ છે.
હાલ ગુનાની તપાસ માટે એસઆઇટી બનાવવામાં આવી છે. જેમાં ડીવાયએસપી આરઆર સરવૈયાની આગેવાની હેઠળ 6 પીઆઇ સામેલ છે. તપાસ જલદી પૂર્ણ કરીને ઝડપથી ચાર્જશીટ કરવામાં આવશે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે સ્પેશિયલ પ્રોસિક્યૂટરની નિમણૂંક માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.