સુરતઃ શહેરમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. રાતના અંધારામાં ઘર, દુકાનમાં પ્રવેશીને ચોરટાઓ કળા કરી રહ્યાં છે, ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક જ ઠેકાણે ત્રીજીવાર ચોરી કરવા આવેલા ચોરને પકડીને લોકોએ ફટકાર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભેસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન આવેલું છે. અહીં ફાયર સ્ટેશનની બાજુમાં જ ફાયર વિભાગના ક્વાર્ટર્સ આવેલા છે. થોડાક દિવસથી અહીં ચોરીઓની ઘટના વધી ગઈ હતી. અવારનવાર ચોરી થતી હોય ફાયર ફાઈટર્સ અને તેમના પરિવારજનો ત્રાસી ગયા હતા. દરમિયાન શુક્રવારે એક ચોર ચોરી કરવા માટે ક્વાટર્સમાં પ્રવેશ્યો હતો અને ત્યારબાદ ફાયરના અલગ-અલગ રહેલા ઈક્વિપમેન્ટ ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન લોકોએ તેને પકડી પાડ્યો હતો અને થાંભલા સાથે દોરીથી બાંધી દઈ માર માર્યો હતો.
સ્થાનિક રહીશોએ કહ્યું કે, આ ચોર અગાઉ બે વાર અહીં ચોરી કરી ચૂક્યો છે અને આ ત્રીજી વાર ચોરી કરવા આવતા ઝડપાઈ ગયો હતો. જેને લોકોએ માર મારીને થાંભલે બાંધી દીધો હતો. ત્યારબાદ ફાયર અધિકારી સામે તેને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ સો નંબરમાં કોલ કરી ભેસ્તાન પોલીસને આરોપીને સોંપી દેવામાં આવ્યો હતો. ચોર ઇજાગ્રસ્ત હાલતમાં હોવાથી પોલીસ દ્વારા આ ચોરને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.