Comments

કર્મનો સિદ્ધાંત પુનઃમૂલ્યાંકન માગે છે

માનવ ઉત્ક્રાંતિ સાથે વિકસેલ વોકલકાંડમાંથી બહાર આવતા સ્વર-વ્યંજનની ભાષા જીવનવ્યવહારથી ઉપર ઉઠી માનવ મસ્તિષ્કની સંવેદનાઓ, વિચારો, ભાવનાઓનાં સાતત્યને વ્યકત કરવા સક્ષમ બની. માનવિય ચેતનાની ક્ષમતાને ભાષા દ્વારા અભિવ્યક્તિનો સહારો મળતા ક્રમશ: ભાષા વધુ તાર્કિક બનતી ચાલી તે ઇસા પૂર્વે છઠ્ઠી સદીમાં સંસ્કૃત પ્રકાંડ પાણિનિ એ ભાષાને વ્યાકરણનાં માધ્યમથી સુગ્રથિત કરી અને માનવ ઉત્ક્રાંતિના બીજા તબકકામાં ભાષાના તર્કને વિજ્ઞાન તરીકે સ્વીકાર મળ્યો.

ભાષાએ વિકસાવેલ તર્કને વિજ્ઞાન જાણી જે તાર્કિક સિદ્ધાંત વિકસ્યા છે તેમાંનું એક ઉત્તમ ઉદાહરણકર્મનો સિદ્ધાંત છે. સનાતન હિંદુધર્મ, જૈન અને બૌદ્ધ પરંપરામાં પણ માણસના વર્તમાન અસ્તિત્વને કર્મના તર્કથી યથાર્થ ઠરાવવાના ભરપૂર પ્રમાણ ઉપલબ્ધ છે. અલબત્ત બાઈબલના ન્યુ ટેસ્ટામેન્ટ કે કુરાનમાં કર્મના અનુબંધનો આધાર સ્વીકાર્ય નથી. દેશના જાણીતા થિયોસોફીસ્ટ શ્રી હરજીવન કાળીદાસ મહેતા ૭ લાખ કરતા વધુ નકલમાં પ્રકાશિત ‘કર્મનો નિયમ’પુસ્તિકામાં લખે છે, ‘ગુરૂત્વાકર્ષણના નિયમની માફક પૂનર્જન્મનો ક્રમ પ્રાકૃતિક નિયમ છે. કર્મને માનનારાં કે નહીં માનનારાં લોકોને તે સમાન રીતે લાગુ પડે છે. કર્મ, પૂનર્જન્મ અને વ્યક્તિનાં વર્તમાન સ્થાનનાં વિશ્વ વ્યાપી નિયમનો અભ્યાસ ધર્મની માન્યતા તરીકે નહીં પણ અસ્તિત્વના આધાર તરીકે સમજવાની જરૂર છે.’’

‘કરીએ તેવું પામીએ,વાવીએ તેવું લણીએ’ – તેવા તાર્કિક સંક્લન સાથે આશ્વાસનપાત્ર કર્મના સિદ્ધાંત ઉલ્લેખ વેદની ઋચાઓમાંથી પણ મળે છે. ઋગ્વેદ (૧૦.૧૯.૩)માં મૃત મનુષ્યની ચક્ષુને સૂર્ય પાસે અને આત્માને વાયુ પાસે સ્થાન મળે તેવી સ્તુતિ થઇ છે વળી આત્માને પોતાના ધર્મ અનુસાર પૃથ્વીમાં, પાણીમાં કે વનસ્પતિમાં સ્થાન છે તેવો અતિ પ્રાચીન વિચાર સંકેત મળે છે. કઠોપનિષદ્ (૧.૧.૫-૬)માં નિચિકેતા કહે છે કે જેમ અનાજના દાણા પાકે છે, નાશ પામે છે, પુનઃ ઉત્પન્ન થાય છે તેમ મનુષ્ય પણ જીવે છે, મરે છે અને પુન: જન્મ લે છે.

ભારતીય સંસ્કૃતિમાં જેમજેમ માનવ મસ્તિષ્કનું પ્રદાન વિસ્તરતું ગયુ છે તેમતેમ ઉપલબ્ધ આધારોમાં કર્મના તર્ક પણ બદલાતા રહ્યા નું જોવા મળે છે. બૃહદારણ્યક (૪.૪.૩-૫) સારભુત ઉપદેશ આપતા જણાવે છે કે, ‘‘આત્મા જેવું કર્મ કરે છે, જેવું આચરણ કરે છે તેવો તે બને છે’’. છંદોગ્ય (૫.૧૦.૭) કહે છે કે, ‘‘પાપકર્મથી પાપી અને પુણ્ય કર્મથી અવતાર પુણ્યશાળી બને છે. મનુષ્યને સંપ આધારે કર્મ અને કર્મ આધારે શુભ-અશુભ યોનિમાં જન્મ મળે છે.’’ કર્મના તર્ક વિચારને કૌષિતકી ગ્રંથ (૧-૨) કર્મ અને મૃત શરીરમાં સ્થિત વિદ્યા પ્રમાણે આત્મા જળચર, વનચર કે ગગન આવૃત્તના ધારક તરીકે જુએ છે.

કર્મના તર્કને ભગવાન કૃષ્ણ એક નવો આયામ આપે છે. ગીતા (૩.૫)માં ભગવાન કહે છે કોઇપણ મનુષ્ય ક્ષણવાર કર્મ વિના રહી શક્તો નથી આમ છતાં (૩.૮) કોઇ કર્મ સ્વયં બંધન કરતા નથી કર્મ ફળની આસક્તિ બંધનકર્તા છે. એક યોગી તરીકે કૃષ્ણ સ્વયં વિશે જણાવતા (૪.૧૪) કહે છે, ‘“મને કર્મો લેપતા નથી કારણ મને કર્મ ફળમાં સ્પૃહા નથી.’’ કુરૂક્ષેત્રનાં સમરાંગણમાંથી ગાંડીવના ટંકારે કૃષ્ણ કહે છે (૪. ૩૭) ‘‘કર્મ કરવા જ મનુષ્ય અધિકારી છે પરંતુ ફળ બાબતમાં નહીં’ એક વર્તન વિજ્ઞાની તરીકે કૃષ્ણ કર્મ, અકર્મ અને વિકર્મ (૪.૧૭) તેવા ભેદ પણ સ્પષ્ટ કરી આપે છે. તે પછી ર૭૦૦ વર્ષ બાદ ભગવાન બુદ્ધે પૂર્વ જન્મના સંસ્મરણોના તર્કથી જન્મ-જન્માંતર વચ્ચે અનુબંધ સ્થાપવા પ્રયત્ન મૂક્યો છે.

ભારતીય દર્શનમાં કર્મના સિદ્ધાંતની સમજ વેદ, ઉપનિષદ્ઘી લઇ છેક ગરૂડપુરાણ સુધી વિસ્તરી છે. પાપ, પુણ્ય, સ્વર્ગ અને નર્ક કે પછી પૃથ્વી ઉપર સદેહે સુખ-દુ: ખનો સહ સંબંધ બદલાતા પરિવેશમાં પણ જળવાયેલો જોવા મળે છે, આમ છતાં આધુનિક મનોજ્ઞિાન અને ગીતકારનું સમાજદર્શન જે બિંદુ ઉપર એકત્ર થાય છે તે સ્થિતિમાં ફરી સ્પષ્ટ થાય છે કે ‘કર્મ પોતે બંધન કરતા નથી કર્મથી નિર્લેપ વ્યકિત તેની પ્રતિ અસરથી પોતાના દેહને મુક્ત રાખી શકે છે’’

મોર્ડન ફીઝિકસમાં જેને લો ઓફ એનર્જી તરીકે જાણવામાં આવે છે તે સિદ્ધાંતને આજથી ૬૭૧ વર્ષ પહેલા ભક્ત કવિ નરસિંહ મહેતાએ પદમાં મુકી કહ્યું ‘બ્રહ્મ લટકો કરે બ્રહ્મ પાસે’’ જીવ એક કોશીય હોય કે વાનર,માનવ પ્રકારે જૈવિક વિવિધતાથી સભર હોય પણ ખેલ ઉર્જાનો છે. જીવ; પૃથ્વી,જળ કે વાયુના આશ્રયે હોય પરંતુ જૈવિક વિજ્ઞાનના ગુણધર્મ અનુસાર તેના ડી.એન.એ.ના રંગસૂત્રોની રચના એકસરખા હોય છે. લોહી મનુષ્યનું હોય, પ્રાણીઓ, જળચર કે આકાશમાં ઉડતા પંખીઓનું હોય તેની મનોવૃત્તિ ભય-ભૂખ અને મૈથુન આસપાસ કેન્દ્રિત રહે છે. આ તમામ સંયોગો દર્શાવે છે કે પ્રકૃતિ સાથે અસ્તિત્વ ટકાવી રાખવા માગતા અવશેષોના કર્મ અને તેની ગતિ સમાન રીતે કાર્યાન્વિત હોય છે. ત્યારે પ્રશ્ન એ છે કે ગરૂડપુરાણ ૮૪ લાખ યોનિમાંથી માત્ર હિંદુ મનુષ્યને લાગુ પડે? કર્મના સિદ્ધાંતોના પુનઃ મૂલ્યાંકન માટેનો આ એક આયામ છે.

ભારતીય દર્શનમાં માનવમનનું કોઇ નિશ્ચિત સ્થાન સ્પષ્ટ થયુ નથી જયારે આધુનિક જીવ વિજ્ઞાન અને મનોવિજ્ઞાનના મતે મન મનોવિજ્ઞાનના મતે મન એ મસ્તિષ્કમાં રહેલ સિંક્રોનાઇઝેશન મીકેનિઝમ છે. ઉદાહરણ તરીકે વ્યક્તિ વાહન ચલાવે છે ત્યારે દૃશ્ય-શ્રાવ્ય તેમ નવ પ્રકારની માહિતીનું સંકલન મસ્તિષ્કના મધ્યભાગે કોર્ટકેસથી સંભવિત થાય છે. એટલું જ નહીં પણ ચાલકના હાથ, પગ, આંખને ત્વરિત આદેશો મળતા રહે છે. આ પ્રક્રિયા મન છે.

ફેક મેડીસીન ઉપરના અભ્યાસો દર્શાવે છે કે વ્યક્તિ જયાં સુધી કાર્ય-કારણથી અજાણ હોય છે ત્યાં સુધી તેનું વર્તન સ્વાભાવિક રહે છે. અર્થાત મારા ખેતરમાં છાંટેલ જંતુનાશક દવાના લીધે શાકભાજી ખાનારનું મૃત્યુ થયુ છે તેવી ખેડૂતને જાણ ન હોય તો તેના મનમાં કોઇ ઉદ્વેગ કે પશ્ચાતાપ નથી હોતો. બીજા વિશ્વયુદ્ધમાં બોમ્બાર્કીંગ થકી હજારો યહુદીઓનો ભોગ લેનાર પાયલોટ પોતાને રાષ્ટ્રભક્ત ગૌરવવંત પુણ્યશાળી અને ભાગ્યવાન જાણી જીવનપર્યંત આનંદિત રહ્યાનું ઉદાહરણ ઇતિહાસમાં દર્જ છે. માનવ મૂલ્ય સ્વયં સાપેક્ષ છે અને માનવ મસિતષ્કમાં થતુ ઘટનાઓનું અર્થઘટન સ્વયં સાપેક્ષ છે ત્યારે કર્મનો તર્ક પુન: મૂલ્યાંન માગે છે.

ચારે વેદ પૂર્ણ થયા પછી ઋષિવર ત્રણવાર ‘નેતિ નેતિ નેતિ’ પુકારે છે. આધુનિક વિજ્ઞાનના ઋષિ આઇસ્ટાઇન કહે છે ‘‘જગત એક સંયોગ છે. ‘ ઉપનિષદ ‘પૂર્ણમદઃ પૂર્ણમિદં’’ કહે છે, જયારે કોસ્મિક કેમેસ્ટ્રીની સમજ વિસ્તારનાર હોકીઝ કહે છે, ‘‘બ્રહ્માંડમાં કશું પૂર્ણ નથી આથી શું અપૂર્ણ પણ નથી આથી ભૌતિકશાસ્ત્રના એકશન – રીએકશનનો સિદ્ધાંત કે રસાયણ વિજ્ઞાનનો ઈફેક્ટ-સાઈડ ઈફેક્ટનો ખ્યાલ કર્મ અને ફળ સંબંધે જોડવામાં આવે છે જે પુનઃ મૂલ્યાંકન માંગતો વિચાર બને છે.

ર૧મી સદીમાં દીપ્તમાન જેનીટીકસ ઇન્જિનીયરનો ફેકચર જીન્સના અવલોકનો દર્શાવે છે. માણસની માતાના પક્ષે ૭ પિતાના પક્ષે ૭ અને પોતે તેમ ૧૫ વ્યક્તિ એટલે લગભગ ૩૦૦ વર્ષની મેમરી તેના જીન્સમાં અકબંધ હોય છે. વિશ્વના અનેક નોબેલ પુરસ્કર્તાઓ એ કબૂલ્યું છે કે રાત્રે જે વિચાર લઇને સુતા હતા તેનું સમાધાન વહેલી સવારે મળી ગયુ હતું આ પ્રકારની જૈવિક સ્થિતિને જૈન ધર્મમાં કેવળ જ્ઞાન તરીકે જાણવામાં આવી છે આથી પૂર્વ અવતાર જ્ઞાન અને કર્મ સ્થાનની ૫ના ફેર વિચારણા માગે છે. બૌદ્ધિક માનવ વિકાસની વિચાર યાત્રાના આરંભે, તેમ આર્ટિફીશ્યલ ઈંટેલિજંસની વિકાસયાત્રાનાં પ્રારંભે અસ્તિત્વની સમજ બ્રહ્માંડની સમગ્રતાનાં સ્વીકારથી ચાલી છે. પરંતુ વચ્ચેના સમયગાળામાં ભાષામાં તર્કને વિજ્ઞાન સમજી કર્મનો નિયમ પ્રસ્થાપિત કરાયો છે. જેમાં અખૂટ શ્રદ્ધા રોપવામાં આવી છે. જે સ્વસ્થ સમાજ જીવન માટે માનસિક રાહતનો વિષય છે. પરંતુ એક અભ્યાસુ તરીકે કર્મનો સિદ્ધાંત પુન: મૂલ્યાંકનનો વિષય પણ બને છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top