Columns

અમેરિકામાં થયેલો આતંકવાદી હુમલો ડોનાલ્ડ ટ્રમ્પના ગાલ પર તમાચો છે

અમેરિકા પર ૯/૧૧ નો આતંકવાદી હુમલો થયો ત્યાર બાદ અમેરિકાએ દુનિયાભરમાં ઇસ્લામિક આતંકવાદ સામે મોરચો માંડ્યો હતો, જેના ભાગરૂપે ઇરાક અને અફઘાનિસ્તાન જેવા દેશો પર સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી અને પાકિસ્તાનમાં છૂપાઈને બેઠેલા ૯/૧૧ના મુખ્ય સૂત્રધાર ઓસામા બિન લાદેનને ઠાર મારવામાં આવ્યો હતો. આતંકવાદ વિરુદ્ધનાં જાતજાતનાં ઓપરેશનો પછી અમેરિકનો નિરાંતનો શ્વાસ લઈને બેઠાં હતાં કે હવે તેમને ઇસ્લામિક આતંકવાદથી કોઈ ખતરો નથી.

તેવા ટાંકણે જ ખ્રિસ્તી નવા વર્ષને દિવસે અમેરિકામાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૧૫ લોકોનાં મોત થયાં છે. નવા વર્ષની ઉજવણી કરવા એકઠાં થયેલાં ટોળાંને ટ્રક દ્વારા કચડી નાખનાર શખ્સની ઓળખ શમસુદ્દીન જબ્બાર તરીકે થઈ છે, જેની ટ્રક પર ઇસ્લામિક સ્ટેટનો ઝંડો લગાડવામાં આવ્યો હતો. અમેરિકામાં જો બિડેનની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદના શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ઇસ્લામિક સ્ટેટે ટ્રમ્પ ટાવરની તદ્દન નજીકમાં સફળતાથી આતંકવાદી હુમલો કરાવીને સંકેત આપ્યો છે કે નવી સરકાર આતંકવાદને હળવાશથી લઈ શકશે નહીં.

આતંકવાદી હુમલા બાદ રાષ્ટ્રપતિ જો બિડેને રાષ્ટ્રને સંબોધિત કરતાં તેના પર શોક વ્યક્ત કર્યો અને તેને કમનસીબ ઘટના ગણાવી હતી. હુમલાખોરને પોલીસે ઠાર માર્યો છે.   અમેરિકાની સેનાએ માહિતી આપી છે કે શમસુદ્દીન જબ્બાર અમેરિકાનો નાગરિક છે અને તે અમેરિકન સૈન્યમાં સાર્જન્ટ તરીકે ફરજ પણ બજાવી ચૂક્યો છે. શમશુદ્દીનને ૨૦૦૭ થી ૨૦૧૫ વચ્ચે અફઘાનિસ્તાનમાં આતંકવાદવિરોધી કાર્યવાહી માટે તૈનાત કરવામાં આવ્યો હતો. તે છેક ૨૦૨૦ સુધી સેનામાં રહ્યો હતો. તેને સેના તરફથી ઘણા મેડલ પણ મળ્યા છે.

તે અમેરિકાના ટેક્સાસમાં જન્મેલો અશ્વેત નાગરિક હતો. હુમલાખોર શમસુદ્દીન જબ્બારે બે વાર લગ્ન કર્યાં હતાં અને બાદમાં તેની બંને પત્નીઓથી છૂટાછેડા લીધા હતા. તેની એક પત્નીએ જણાવ્યું કે જબ્બરે ઈસ્લામ કબૂલ કરી લીધો હતો અને તે થોડા સમયથી તરંગી જેવું વર્તન કરવા લાગ્યો હતો. તે જે ટ્રકમાં મુસાફરી કરી રહ્યો હતો તેના પર આતંકી સંગઠન ISISનો ઝંડો હતો અને તેમાં વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. આ સાથે એ પણ બહાર આવ્યું છે કે તેણે ભીડને કચડી નાખવા માટે જે ટ્રકનો ઉપયોગ કર્યો હતો તે તુરો નામની રેન્ટલ વ્હીકલ એપ પરથી ભાડે લેવામાં આવી હતી. આ ટ્રક ટેસ્લાની ઇલેક્ટ્રિક વેહિકલ હોવાની માહિતી એલન મસ્ક માટે પણ ચેતવણી સમાન છે.

આ હુમલા બાદ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે નિવેદન આપ્યું છે, તેને કારણે પણ વિવાદ પેદા થયો છે. તેમણે આ આતંકવાદી ઘટનાને ગેરકાયદેસર ઇમિગ્રન્ટનું કૃત્ય ગણાવીને તેને વખોડી કાઢી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટો આપણી સરહદોમાં ઘૂસીને આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તેઓ અમારા માટે જીવનું જોખમ બની ગયા છે, પરંતુ ડેમોક્રેટિક પાર્ટીએ અમારી વાત ન સાંભળી.

જો કે અમેરિકન પ્રશાસને બાદમાં હુમલાખોરની ઓળખ જાહેર કરી હતી અને સ્પષ્ટતા કરી હતી કે તે અમેરિકન નાગરિક હતો, જે પોલીસની જવાબી કાર્યવાહીમાં માર્યો ગયો હતો. શમસુદ્દીન જબ્બારે આતંકવાદી હુમલાને અંજામ આપવાના થોડા કલાકો પહેલાં સોશ્યલ મિડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે ISISથી પ્રેરિત છે. એફબીઆઈને લાગે છે કે જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને ઘટના સ્થળની નજીકથી વિસ્ફોટકો મળી આવ્યા હતા તે જોતાં એવું લાગતું નથી કે જબ્બારે એકલા હાથે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

નવા વર્ષના બે દિવસમાં જ અમેરિકા મોટા પાયે આતંકી હુમલાથી હચમચી ગયું છે. ૨૪ કલાકની અંદર અમેરિકાનાં ત્રણ મોટાં શહેરોમાં ત્રણ આતંકવાદી હુમલાઓ થયા, જેણે અંકલ સેમની ચિંતા વધારી દીધી છે. હુમલાખોરોએ સૌ પ્રથમ અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં બોર્બન સ્ટ્રીટ પર નવા વર્ષની ઉજવણી કરી રહેલાં લોકો પર હુમલો કર્યો હતો, જેમાં ઉજવણી કરી રહેલાં લોકોના ટોળા પર ટ્રક ઘૂસાડીને ૧૫ લોકોનાં મોત નિપજાવવામાં આવ્યાં હતાં. બીજો અકસ્માત લાસ વેગાસ શહેરમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલ પાસે થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ત્રીજો હુમલો ન્યુયોર્કની એક નાઈટ ક્લબમાં થયો હતો. અહીં બે લોકોએ સામુહિક ગોળીબાર કર્યો હતો અને ૧૧ લોકોને ગોળી મારી દીધી હતી.

આ હુમલામાં હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ સાથે જ અમેરિકામાં નવા વર્ષ પર થયેલા મોટા હુમલાએ ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા પણ વધારી દીધી છે. ખાસ કરીને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણના ૨૪ દિવસ પહેલાં થયેલા આ હુમલાઓ તેમના માટે એક પડકાર માનવામાં આવી રહ્યા છે. હુમલા દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે અમેરિકા જરા પણ સલામત નથી. અમેરિકાના લ્યુઇસિયાના રાજ્યમાં ન્યુ ઓર્લિયન્સ શહેર તેની સાંસ્કૃતિક વિવિધતા માટે જાણીતું છે. આ શહેર ૧૭૧૮માં ફ્રેન્ચોએ વસાવ્યું હતું અને તેના રસ્તાઓની મૂળ ડિઝાઈન પણ તેમના દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

તેથી તે હવે ફ્રેન્ચ ક્વાર્ટર તરીકે ઓળખાય છે. દર વસંતમાં દસ લાખથી વધુ લોકો અહીં પ્રખ્યાત માર્ડી ગ્રાસ કાર્નિવલ અને પરેડમાં ભાગ લેવા આવે છે. ઐતિહાસિક રીતે આ શહેર અશ્વેત લોકોનું ઘર છે. આ વિસ્તારને જાઝ સંગીતના જન્મસ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના કારણે તે સંગીતપ્રેમીઓ માટે એક પ્રિય સ્થળ બની ગયું છે. પરંતુ તાજેતરનાં વર્ષોમાં આ શહેરને પણ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું છે. ૨૦ વર્ષ પહેલાં કેટરીના વાવાઝોડાને કારણે ન્યૂ ઓર્લિયન્સનો ૮૦ ટકા વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો. તે આફતમાં લગભગ બે હજાર લોકો માર્યા ગયાં હતાં અને ૧૦ લાખ લોકો વિસ્થાપિત થયાં હતાં.

એફબીઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે ટ્રક ડ્રાઈવર હવે જીવિત નથી અને યુએસ સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન આ કેસની આતંકવાદી ઘટના તરીકે તપાસ કરી રહી છે. FBI સ્પેશ્યલ એજન્ટ અલ્થિયા ડંકન આ કેસની તપાસ કરી રહી છે. અલ્થિયા ડંકને કહ્યું કે ઘટનાસ્થળેથી વિસ્ફોટકો મળી આવવાની સંભાવના છે અને અધિકારીઓ આ સંભાવનાનું વિશ્લેષણ કરવામાં વ્યસ્ત છે. ન્યૂ ઓર્લિયન્સના મેયર લા ટોયા કેન્ટ્રેલે કહ્યું છે કે ઘટના અંગે સચોટ અને વિગતવાર માહિતી મેળવવા માટે તપાસ ચાલુ છે. તેમણે કહ્યું કે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય અને લુઇસિયાનાના ગવર્નર સાથે સંપર્કમાં છે. દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ મદદ આપવા માટે સ્થાનિક મેયરના સંપર્કમાં છે.

હવે સવાલ એ છે કે ન્યૂ ઓર્લિયન્સમાં થયેલો ટ્રક હુમલો, લાસ વેગાસમાં ટ્રમ્પ હોટેલ પાસે બોમ્બ બ્લાસ્ટ અને ન્યૂયોર્કમાં સામુહિક ગોળીબારના હુમલા વચ્ચે શું સંબંધ છે? શું ત્રણેય ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે? શું આ ત્રણ હુમલા પાછળ ISIS કે LGBTQ લોકોનો હાથ છે? હાલમાં એફબીઆઈએ આ ત્રણેય કેસોની તપાસ શરૂ કરી છે. એફબીઆઈનું કહેવું છે કે પ્રથમ દૃષ્ટિએ આ આતંકવાદી હુમલો હોવાનું જણાય છે.

જો કે, આનાં અન્ય પાસાંઓ પણ હોઈ શકે છે. અમે તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહ્યા છીએ. હકીકત એ છે કે ટેકનોલોજીના આ યુગમાં અમેરિકા જેવી મહાસત્તા પણ પોતાનાં નાગરિકોને સલામત રાખી શકતી નથી. ઇસ્લામિક સ્ટેટ નામનો ભસ્માસુર અમેરિકા દ્વારા મધ્ય પૂર્વમાં પોતાનો સ્વાર્થ સાધવા માટે પેદા કરવામાં આવ્યો હતો. હવે આ શક્તિશાળી રાક્ષસ અમેરિકનોને જ ભરખી રહ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top