સુરત(Surat): કતારગામના (Katargam) જેકે નગર નજીક ઉત્તરાયણને (Uttrayan) રવિવારની મોડી સાંજે કેટલાક અસામાજિક તત્વોએ ત્રણ નિર્દોષ વ્યક્તિઓ સહિત ચારને ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે. પારિવારિક ઝઘડામાં એક પર જાહેરમાં કરેલા હુમલામાં બાદ લોકો ભેગા થઈ જતા હુમલાખોરોએ નિર્દોષ લોકો પર હુમલો કરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. આખી ઘટના ના વિડીયો સામે આવ્યો છે. હાથમાં ચપ્પુ લઈ ને જાહેરમાં દોડતા અને લોકોને મન ફાવે તેમ ઘા મારતા નિર્દય હુમલાખોરોની માનસિકતા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
- કતારગામમાં ટપોરીઓનો આતંક
- વગર વાંકે લોકોને ચપ્પુના ઘા માર્યા
- રિક્ષામાં આવેલા ટપોરીઓએ ચારને ચપ્પુ માર્યું
- જાહેરમાં ગાળો દઈ આતંક મચાવ્યો
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઝગડો પરિવારિક હતો. એક રીક્ષા ચાલકે બીજા રીક્ષા ચાલકને ફોન કરી ને બોલાવતા ચાર-પાંચ ઈસમો હાથમાં ચપ્પુ લઈ ને આવ્યા હતા. એટલું જ નહીં પણ જાહેરમાં જ એક યુવાન પર તૂટી પડ્યા હતા. જેને લઈ લોકોની ભીડ ભેગી થઈ જતા હુમલાખોરોએ નિર્દોષ લોકો પર તૂટી પડ્યા હતા. સામે જે દેખાયા તેને ઘા મારી જમીન પર પાડી દેતા હતા. કોઈને પીઠ પર તો કોઈને થાપા કે પગ પર ઘા મારતા લોકો લોહીના ખાબોચિયામાં પડેલા દેખાયા હતા. જાહેરમાં ચાર લોકોને ઘાયલ કરી હુમલાખોરો બિન્દાસ્ત ફરી એજ રિક્ષામાં ભાગી ગયા હતા. જ્યારે જમીન પર પડેલા ઇજાગ્રસ્તો ને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઇજાગ્રસ્ત પ્રમુખ કિશોરભાઈ પ્રજાપતિ (ઉં.વ.17, રહે ચીકુવાડી ધનમોરા કતારગામ) ના પરિવારે જણાવ્યું હતું કે ફોન પર જાણ થઈ કે દીકરાને કોઈ એ ચપ્પુ માર્યું છે. આ સાંભળી હોંશ ઉડી ગયા હતા. દોડીને ગયા તો દિકરો જમીન પર લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. તાત્કાલિક સારવાર માટે લઈ ગયા. દીકરો રત્નકલાકાર છે. ચાર સંતાનોમાં ત્રીજા નંબર નો દીકરો છે. ભીડની ધક્કા મુક્કીમાં ચશ્મા પડી ગયા તે લેવા જતા હુમલાખોરોનો ભોગ બન્યો હતો. તેઓ મૂળ ભાવનગરના વતની છે.
નરેશભાઈ બાબુભાઇ કાનાની (ઉં.વ.37, રહે ખોડીયાળ નગર કતારગામ) ના પરિવારે જણાવ્યું હતું કે તેઓ મૂળ બોટાદના વતની છે. પત્ની અને ત્રણ સંતાનો સાથે રહે છે. ફેબ્રિકેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. ઘટના રવિવારની રાતની હતી. ભીડમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે હાથમાં ચપ્પુ લઈ કોઈ ઈસમ તેમની ઉપર તૂટી પડ્યો હતો. થાપાના ભાગે બે ઘા મારી ભાગી ગયો હતો. કોઈ સૂઝબુઝ મળે એ પહેલાં તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ભાગદોડનો માહોલ બન્યો હતો. લોકોમાં ડર દેખાઈ રહ્યો હતો. હુમલાખોરો ગમે તેમ ચપ્પુ ફેરવી જે હાથમાં આવે એને મારતા હતા.
મનસુખભાઇ ભુપતભાઇ ભાટી (ઉં.વ. 30, રહે જેકે નગર કતારગામ) તેઓ મૂળ મહુવાના વતની છે. સિલાઈ કામ કરી પત્ની અને ત્રણ સંતાનો સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. કામ પરથી ઘરે પરત ફરતી વેળા એ ભીડમાં કોઈએ ઘા મારી જમીન પર પાડી દીધો હતો. હુમલાખોરો રિક્ષામાં આવ્યા હતા અને રિક્ષામાં જ ભાગી ગયા હતા. હુમલા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી.