Gujarat

શાળાઓ શરૂ પણ વાલીઓને વિશ્વાસમાં લેવા જરૂરી : ડો.મનીષ દોષી

GANDHINAGAR : રાજ્યમાં આગામી ૧લી ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧ના વર્ગોનું શિક્ષણકાર્ય શરૂ કરાશે અને ધો-૯ થી ૧ર પૂરતા ટ્યુશન ક્લાસિસ પણ શરૂ કરી શકાશે. ધો. ૯ અને ૧૧ના શાળાના વર્ગો તેમજ ૯ થી ૧રના ટ્યુશન ક્લાસિસ શરૂ કરનારી શાળા-સંસ્થાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટે રાજ્ય સરકાર-કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા S.O.Pનું પાલન ચૂસ્તપણે કરવાનું રહેશે. આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, રાજ્યના આરોગ્ય વિભાગની અસરકારક કામગીરીના પરિણામે કોરોનાનું સંક્રમણ ઘટતું જાય છે અને કેસોની સંખ્યા પણ ઘટી રહી છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ વધુ બગડે નહીં એ માટે રાજ્ય સરકારે રાજ્યમાં આગામી ૧લી ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧ના વર્ગોનું શિક્ષણકાર્ય અને ધો-૯ થી ૧ર પૂરતા ટ્યુશન ક્લાસિસ પણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.


ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના કોચિંગ ક્લાસિસ પણ રાજ્યમાં ફરી શરૂ કરી શકાશે. આવા કોચિંગ ક્લાસિસ માટે પણ રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે જારી કરેલી માર્ગદર્શિકા S.O.Pનું ચૂસ્તપણે પાલન કરવું ફરજિયાત રહેશે. રાજ્યમાં કાર્યરત સરકારી, ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં હવે તા.૧ ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧નું શૈક્ષણિક કાર્ય શરૂ થશે અને તે જ રીતે ખાનગી ટ્યુશન ક્લાસિસ પણ ધો. ૯ થી ૧રના વર્ગનું સંચાલન શરૂ કરી શકશે, પરંતુ રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઈડલાઈનની જે SOP અગાઉ ધો. ૧૦ અને ૧રના તેમજ ઉચ્ચશિક્ષણમાં કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરૂ કરતાં પહેલાં તા.8મી જાન્યુઆરી એ જાહેર કરેલી છે તે SOPનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

કોલેજ કક્ષાએ ઉચ્ચશિક્ષણ માટે પ્રથમ અને બીજા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોલેજની હોસ્ટેલમાં કોવિડ-19 સંદર્ભે કોવિડ કેર સેન્ટર કાર્યરત કર્યા હતા આ સેન્ટરો સંપૂર્ણ ખાલી જોવા મળી રહ્યાં છે. રાજ્યના આરોગ્ય સચિવ અને શિક્ષણ સચિવ દ્વારા આવા કેર સેન્ટરની સંપૂર્ણ ચકાસણી કરીને, સેનિટાઈઝેશન સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને રહેવાલાયક છે એવી ચકાસણી કર્યા પછી રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા બાદ આ અંગે યોગ્ય નિર્ણય કરાશે.

ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કરવાના સરકારના નિર્ણય સામે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોનાના ડર અને ભયમાંથી બહાર આવવાની જરૂર છે. રાજ્ય સરકાર દ્વારા શાળાએ જતા બાળકો પાસે સહમતી પત્ર ભરાવવામાં આવે છે, પરંતુ સરકારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં વિશ્વાસ ઉભો થાય તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ, સાથે જ વિદ્યાર્થીઓના આરોગ્યની ચિંતા પણ કરવી જોઈએ.

ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે કોરોનાકાળમાં શિક્ષણ પર સૌથી વધુ અસર થઈ છે. સરકાર જાતે જ કહે છે, કે કોરોના સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. અગાઉ ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ થતા શિક્ષકો અને આચાર્ય પણ સંક્રમિત થયા હોવાની ઘટનાઓ બહાર આવી છે. બીજી તરફ રાજ્યમાં 14632 શાળાઓ એવી છે કે જેમાં એક કરતાં વધુ ધોરણના બાળકોને ભણાવવાની ફરજ પડે છે.

શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી, પણ એ નથી જણાવતાં કે કેટલા વાલીઓએ સહમતી આપી છે. શાળામાં વ્યવસ્થા પૂરી ઊભી કરી તેનું મોનિટરિંગ કરવું એટલું જ જરૂરી છે. સરકાર નીતિગત રીતે નિર્ણય કરે તે પહેલા તેનો સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top