સામાન્ય સમજણ એવી હોય કે શિક્ષણની પ્રગતિ સાથે ભેદભાવ ઘટવા જોઈએ. એટલે જ બધા સામાજિક પ્રશ્નો માટે ‘બધાને શિક્ષણ આપો’ એવો સીધો અને સરળ ઉપાય સૂચવાતો હોય છે. શિક્ષણથી શું સામાજિક પૂર્વગ્રહો દૂર થાય ખરા? સમાનતાના પાઠ વર્ગખંડમાં ભણવાથી સદીઓ જુનાં સામાજિક મૂલ્યો રાતોરાત બદલાતાં નથી. જો એમ થતું હોત તો સાક્ષરતાનો દર પંચોતેર ટકાએ પહોંચ્યો એ સાથે જાતીય,જ્ઞાતિય,પ્રાંતીય કે ધાર્મિક ઉચ્ચ-નીચની ભાવના ઘણા અંશે ઓછી થઇ હોત. પણ જ્ઞાતિનો ભાર અને જાતિનું ઘમંડ વિવિધ સ્વરૂપે સામે આવતાં જ રહે છે. સમાજના કોઈ પણ વર્ગની મહિલાને પૂછો તો એણે અનુભવેલા જાતીય ભેદભાવ અંગે વાત કરવાનું એની પાસે ઘણું હશે, ભણેલી અને ઉચ્ચ પદે નોકરી કરતી મહિલાને પણ સીધા કે આડકતરા ભેદભાવનો સામનો કરવો જ પડ્યો હશે. વિજ્ઞાન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક અભ્યાસ કર્યા પછી પણ અવૈજ્ઞાનિક અવધારણા પર આધારિત ભેદભાવ દૂર થતાં નથી.
સ્ટેમ સેક્ટર (STEM – science, Technology, Engineering and Maths) આનું ઉત્તમ ઉદાહરણ છે. આ માત્ર ભારતની જ વાત નથી. જાતીય ભેદભાવ તો વિકસિત દેશોમાં પણ એટલો જ વ્યાપક છે. કોઈ પણ સમાજનો આર્થિક અને સામાજિક વિકાસ વિજ્ઞાન અને ટેકનોલોજી વિના શક્ય નથી. ઉત્પાદનની ક્ષમતા સુધારવા તેમજ વિકાસને ટકાઉ બનાવવા નવા આવિષ્કારની જરૂર પડે જે વિજ્ઞાન અને ટેકનોલોજી વગર શક્ય નથી. આ ક્ષેત્રમાં રોજગારની તકો ઉજળી હોવાને કારણે વધુ ને વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન-ટેકનોલોજીના વિષય પસંદ કરે છે.
સ્ત્રી શિક્ષણમાં આવેલો સુધારો સ્ટેમ ક્ષેત્રમાં પણ દેખાય છે. વધુ ને વધુ છોકરીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી ભણવાનું પસંદ કરે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના એક આંકડા પ્રમાણે ભારતમાં સ્ટેમ ક્ષેત્રમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓમાં ૪૦ ટકા મહિલાઓ હોય છે, જે સમાન સેક્સ રેશિયોની ઘણી નજીક કહેવાય.વિશ્વના દેશોની સરખામણીએ પણ આ રેશિયો ઘણો ઊંચો છે. પીએચ.ડી. નું સંશોધન પૂરું કરનાર મહિલા વિદ્યાર્થીમાં લગભગ ૧૦૭ ટકાનો વધારો થયો છે. પણ, જ્યારે સ્ટેમ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની વાત આવે છે ત્યારે ચિત્ર બદલાઈ જાય છે. મિશન મંગલ ફિલ્મમાં મંગલયાનને સફળતાપૂર્વક અવકાશમાં મોકલતી મહિલા વૈજ્ઞાનિકોને જોઈને એવું માનવાનું મન થાય કે મહિલાઓ માટે બધાં ક્ષેત્રના દરવાજા ખૂલી ગયા છે. પણ,વાસ્તવિકતા ઘણી જુદી છે.
એક અંદાજ મુજબ સ્ટેમ વિષયો ભણાવતા પ્રાધ્યાપકોમાં મહિલાઓનું પ્રમાણ માત્ર ૧૬.૭ ટકા છે અને આઈ.આઈ.ટી. કે ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ જેવી ટોચની સંસ્થામાં જોઈએ તો મહિલાઓનું પ્રમાણ દસ ટકા જેટલું પણ નથી. કારકિર્દીની સીડીમાં ઉપર ચડતાં ચડતાં મહિલાઓનું પ્રમાણ નાટકીય રીતે ઘટતું જાય છે. શરૂઆતના તબક્કામાં મહિલાઓનું પ્રમાણ લગભગ ૪૬ ટકા મનાય છે, જે ઉપરના સ્તરે ઘટીને માત્ર ૨૬ ટકા થઇ જાય છે! એક અભ્યાસે તો એવું પણ નોંધ્યું છે કે ૨૦૨૧ થી ૨૦૨૩ વચ્ચે દેશભરમાં થયેલી વિજ્ઞાન પરિષદો પૈકી ચોથા ભાગની પરિષદોમાં એક પણ સ્ત્રી વક્તા ન હતી!
ધારણા અને પૂર્વગ્રહથી માંડીને સામાજિક વ્યવસ્થા ઊભી કરવા સુધીના અનેક તબક્કે ભેદભાવ ઊભા થાય છે. એક આંતર શાળા વિજ્ઞાન સ્પર્ધામાં વિદ્યાર્થીઓને તેમના મનગમતા વૈજ્ઞાનિકનું ચિત્ર તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. મોટા ભાગના વિદ્યાર્થીની કલ્પનામાં જે આદર્શની છબી હતી તે પુરુષની જ હતી! બે-ચાર વિદ્યાર્થિનીનાં ચિત્રમાં મેડમ ક્યુરી આવ્યાં હશે. એટલે કે, જ્યારે આદર્શની કલ્પનામાં મહિલાનું સ્થાન ન હોય તો એમાં એક વણકહ્યો સંદેશો જાય છે કે વિજ્ઞાન-ટેકનોલોજી તો પુરુષોનું ક્ષેત્ર છે. માતા-પિતા પણ દીકરીને કહેતાં રહેતાં હોય કે ઘર સાથે સંભાળી શકાય એવી જ કારકિર્દી પસંદ કરવી. હજુ પણ કોમર્સ,આર્ટસ,હોમસાયન્સ જેવા વિષયો પર મહિલાઓનો ઝોક દેખાય. કલાકો સુધી પ્રયોગશાળામાં કામ કરવું એ સ્ત્રીની વણમાંગી જોડીદાર એવી ઘરેલું જવાબદારીની સાથે કરવું અઘરું છે.
સ્ત્રી ગમે એટલી પ્રતિભાશાળી હોય, એણે પોતાના સમયની પહેલી પ્રાથમિકતા તો ઘરને જ આપવી એવું એની પાસે અપેક્ષિત રહે છે. એટલે જ, ઉચ્ચ અભ્યાસ પછી પણ બાળઉછેર અને ઘરેલું જવાબદારી માટે ઘણી મહિલા કારકિર્દી મધ્યમાં છોડી જાય છે. ભારતનો કાયદો ભલે કહે અને સુપ્રીમ કોર્ટ એને અવારનવાર ભલે દોહરાવે કે પ્રસૂતિની રજા દરેક મહિલાનો મૂળભૂત અધિકાર છે, પણ દરેક કર્મચારીને ઉત્પાદનનું સાધન માત્ર ગણી તેની પાછળના દરેક ખર્ચને નફા સાથે જોડતા બિઝનેસ વાતાવરણમાં મોટા ભાગની મહિલા કર્મચારી આ લાભથી વંચિત રહે છે.
પરિણામે ઘણી મહિલા નોકરી છોડતી હોય છે. એક વાર નોકરીની બહાર તો થોડાં વર્ષ પછી ફરી જોડાવું એ સ્ટેમ ક્ષેત્રમાં ઘણું અઘરું છે કારણકે, સતત બદલાતી ટેકનોલોજીના જમાનામાં એક વિલંબ બાદ ફરી જોડાતા કર્મચારી કોઈ ઇચ્છતું નથી. આ બધા વિઘ્નો ઉપરાંત ‘વિજ્ઞાન એ સ્ત્રીનું કામ નહીં’ માનનારી માનસિકતા તો ખરી જ! વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી ઘડવા માંગતી સ્ત્રીઓએ ત્રણ મોરચે લડવાનું હોય છે – એક- વ્યાવસાયિક કામ, બે – ઘરેલું જવાબદારી અને ત્રણ- સીધી અને આડકતરી રીતે સામે આવતી પુરુષપ્રધાન માનસિકતા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.