Dakshin Gujarat

દાદરા નગર હવેલીમાં ઝાડ સાથે અથડાયા બાદ ટેન્કર સળગી ઉઠ્યું, અંદર જલદ કેમિકલ હતું

સેલવાસઃ દાદરા નગર હવેલીમાં બુધવારે રાત્રે ભયાનક અકસ્માત થયો હતો. અહીં એક ટેન્કર સાથેની ટક્કરથી બચવા બીજું ટેન્કર ઝાડ સાથે અથડાયું હતું. જે ટેન્કર ઝાડ સાથે અથડાયું તેમાં જલદ કેમિકલ હતું. તેના લીધે આગ ભડકી ઉઠી હતી. આગના લીધે ટેન્કર બળી ગયું હતું. અકસ્માત અને આગની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

  • દાનહના ગલોન્ડા ખાતે હાઇડ્રોજન પેરોકસાઈડ ભરેલ ટેન્કર ઝાડ સાથે અથડાયું
  • ટેન્કર ભરૂચના ઝઘડિયાથી KLJ કંપનીમાં જઈ રહ્યું  હતું

પ્રાપ્ત માહિતી અનુસાર દાનહના ગલોન્ડા ગામમાં શાળાથી થોડે દુર એક ગંભીર અકસ્માત થયો હતો. જેમાં હાઇડ્રોજન પેરોકસાઈડ ભરેલું ટેન્કર એક ઝાડ સાથે અથડાતા ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી.

ઝાડ સાથે ટેન્કરની ટક્કર થતાની સાથે જ ટેન્કરમાંથી હાઇડ્રોજન પેરોકસાઈડ લીક થવા લાગ્યું અને તરત જ આગ લાગી હતી. આગના કારણે આજુબાજુના ખેતરોમાં પણ ભયાનક નુકસાન થયું.જ્યારે આ દુર્ઘટના બની ત્યારે નજીકના લોકો દ્વારા તાત્કાલિક ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી.

ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લાવવાનો પ્રયાસ કર્યો. મોટી જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો. તેમની સમયસરની હસ્તક્ષેપથી વધુ નુકસાન થવાથી બચાવી શકાયું. આગના કારણે આજુબાજુના ખેતરોમાં રહેલા પાકને નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરમાં ઉભા પાક અને વાવેતરને નુકસાન થયું છે. આ દુર્ઘટનાના કારણે ઘણા ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. જોકે સદનસીબે માનવીય જાનહાનિ થઇ નથી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટેન્કરના ડ્રાઈવરે બાઈક ચાલકને બચાવવા જતા ટેન્કર પર કાબૂ ગુમાવી દીધું હતું, જેના કારણે તે રોડની બાજુના ઝાડ સાથે અથડાયું. હાઇડ્રોજન પેરોકસાઈડના રાસાયણિક સ્વરૂપને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ.

આ કેમિકલ ભરેલું ટેન્કર ભરૂચ પાસેના ઝઘડિયાથી KLJ કંપનીમાં જઈ રહ્યું હતું એવી માહિતી બહાર આવી હતી. આ ઘટનામાં ડ્રાઈવરને નાની મોટી ઈજા થઈ હતી જેને દાનહની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરીને રજા આપી દેવામાં આવી હતી.

Most Popular

To Top