Columns

તાલિબાન ગણતરીના દિવસોમાં કાબુલ પર પણ કબજો જમાવી દેશે

અમેરિકાનું સૈન્ય અફઘાનિસ્તાનમાંથી પાછું ફરે તે પછી પણ રિમોટ કન્ટ્રોલથી અફઘાનિસ્તાન પર રાજ કરવાની અમેરિકાની યોજના ધૂળમાં મળી ગઈ છે. હજુ તો અમેરિકાનું લશ્કર પૂરેપૂરું પાછું પણ નથી ફર્યું ત્યાં તાલિબાને ૩૪ પૈકી ૧૧ જિલ્લાઓનાં મુખ્ય શહેરો પર પોતાનો કબજો જમાવી દીધો છે. તાલિબાનની આગેકૂચને રોકવામાં અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવેલું અફઘાન સૈન્ય કરુણ રીતે નિષ્ફળ ગયું છે. તાલિબાને કંદહાર અને હેરત જેવાં મોટાં શહેરો કબજે કર્યાં છે. અફઘાન સૈન્ય કોઈ પણ જાતના પ્રતિકાર વગર તાલિબાનને શરણે આવી રહ્યું છે. અમેરિકાએ અફઘાન સૈન્યને જે આધુનિક હથિયારો અને વાહનો આપ્યાં હતાં તે પણ તાલિબાનના હાથમાં આવી ગયાં છે. અમેરિકન બનાવટનાં વાહનોમાં તેઓ કબજે કરેલાં શહેરોના રસ્તાઓ પર ફરી રહ્યા છે.

અમેરિકાએ ૨૦ વર્ષ અફઘાનિસ્તાન પર રાજ કર્યું તે દરમિયાન ૮૦ અબજ ડોલરનો ખર્ચો કરીને ૩.૫૦ લાખનું સૈન્ય તાલીમ આપીને તૈયાર કર્યું હતું. તેમાં લશ્કર ઉપરાંત પોલીસ અને ખાનગી લડવૈયાઓનો પણ સમાવેશ થતો હતો. અફઘાનિસ્તાનના સાડા ત્રણ લાખ તાલીમબદ્ધ સૈનિકો સામે તાલિબાન પાસે માંડ ૫૦ હજાર આતંકવાદીઓ પણ હતા; તો પણ વ્યૂહરચનામાં તેમણે અફઘાન સૈન્યને મહાત કરી દીધું છે. અફઘાનિસ્તાનની પાકિસ્તાન, ઇરાન, તાજિકિસ્તાન વગેરે જેટલા દેશો સાથેની સરહદો છે તેના પર તાલિબાને કબજો કરી લીધો છે.

આ કારણે અફઘાનિસ્તાનમાંથી થતી આયાત-નિકાસ પર તાલિબાનનો અંકુશ આવી ગયો છે. તેઓ સરહદ પાર માલસામાનની હેરફેર સામે જકાત પણ ઉઘરાવી રહ્યા છે. આ કારણે અફઘાન પ્રજાને પણ ખાતરી થઈ ગઈ છે કે હવે તાલિબાનનું રાજ આવી રહ્યું છે. તાલિબાની સૈન્ય રાજધાની કાબુલથી ૧૩૦ કિલોમીટર દૂર ગઝની સુધી પહોંચી ગયું છે. કાબુલમાં ભયનો માહોલ છે. વિદેશી નાગરિકો પોતાના વતન તરફ રવાના થઈ રહ્યાં છે. કાબુલ પર ગમે ત્યારે તાલિબાન કબજો જમાવી દેશે.

અફઘાનિસ્તાનમાં અમેરિકાની નીતિ સરિયામ નિષ્ફળતાને વરી છે. અમેરિકાના પ્રમુખ જો બાઇડને અફઘાનિસ્તાનની પરિસ્થિતિથી હાથ ખંખેરી કાઢતાં કહ્યું છે કે હવે અફઘાન પ્રજાએ તેમનું જાતે રક્ષણ કરવાનું છે. અમેરિકાની નિષ્ફળતાનું કારણ તેની નબળી વ્યૂહરચના છે. ૨૦૦૧ માં અમેરિકા જ્યારે અફઘાનિસ્તાન પર ત્રાટક્યું ત્યારે તાલિબાનનું સૈન્ય અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

ત્યારે જ અફઘાન સૈન્યનું ગઠન કરવા પાછળ મહેનત કરીને તાલિબાનને ખતમ કરી નાખવાની જરૂર હતી, પણ અમેરિકાનું લક્ષ્ય ત્યારે ઇરાકના યુદ્ધમાં જીત મેળવવા તરફ હતું. અમેરિકાનું મોટા ભાગનું બજેટ ઇરાક તરફ વાળવામાં આવ્યું હતું. ૨૦૦૧ થી ૨૦૦૬ ના ગાળામાં અમેરિકાના દુર્લક્ષને કારણે તાલિબાનને બેઠા થઈ જવાની તક મળી ગઈ હતી. અફઘાનિસ્તાનના જે વિસ્તારોમાં ખનિજ તેલ નીકળતું હતું તે તાલિબાનના કબજામાં હોવાથી તેમને તેલ વેચીને શસ્ત્રો ખરીદવાનો મોકો મળી ગયો હતો. અફઘાનિસ્તાનનાં ગામડાંઓમાં તો તાલિબાને વેરો પણ ઉઘરાવવા માંડ્યો હતો.

અમેરિકાએ કાબુલમાં તેની કઠપૂતળી જેવી જે સરકારની સ્થાપના કરી તેનો પ્રભાવ અંતરિયાળ વિસ્તારમાં ક્યારેય જોવા મળ્યો નહોતો. અમેરિકાએ નાણાં ખર્ચીને કાગળ પર લશ્કરનું નિર્માણ કરી આપ્યું, પણ આ લશ્કર પર નૈતિક નિયંત્રણ હોય તેવી રાજકીય નેતાગીરી તૈયાર કરવામાં તે નિષ્ફળ ગયું હતું. તેને કારણે અંતરિયાળ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ સ્વચ્છંદી બની ગયા હતા. તેમને આપવામાં આવેલી સત્તા અને શસ્ત્રોનો ઉપયોગ કરીને તેઓ જનતા પાસેથી હપ્તા ઉઘરાવતા હતા. તેને કારણે કાબુલમાં બેઠેલી સરકાર લોકપ્રિય બની શકી નહોતી. અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા લશ્કરના કેટલાક ઉચ્ચ ઓફિસરો ભ્રષ્ટ નીકળ્યા હતા. તેમણે માત્ર કાગળ ઉપર જ બોગસ સૈનિકોની ભરતી કરી હતી. તેમનો પગાર તેઓ પોતે હજમ કરી જતા હતા.

અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારોમાં તાલિબાન કે કાબુલની સરકારનું રાજ ચાલતું નથી પણ કબીલાના સરદારોનું રાજ આજે પણ ચાલે છે. તેમની પાસે પોતાનું સૈન્ય હોય છે અને પોતાનાં શસ્ત્રો હોય છે. તેમની આવકનો મુખ્ય સ્રોત ડ્રગ્સનો કારોબાર હોય છે. તેમના કબજા હેઠળના વિસ્તારોમાં તેઓ અફીણની ખેતી કરે છે અને તેમાંથી હેરોઇન બનાવી કરોડો ડોલર કમાય છે. અમેરિકાએ આ સરદારોનો ઉપયોગ તાલિબાન સામે કરવાને બદલે તેમને પોતાના દુશ્મન બનાવ્યા હતા. અમેરિકાએ તેમને ખતમ કરવાની કોશિશ કરી હતી, પણ તેઓ ખતમ થયા નથી. હવે રહી રહીને તાલિબાનનો મુકાબલો કરવા અફઘાન પ્રમુખ અશરફ ગની ખાન આ સરદારોની મદદ માગી રહ્યા છે.

અમેરિકાને જ્યારે ખાતરી થઈ ગઈ કે તે લશ્કર વડે અફઘાનિસ્તાન પર પોતાનો કબજો ટકાવી શકે તેમ નથી ત્યારે તેણે તાલિબાન સાથે કતારની રાજધાની દોહામાં મંત્રણાનું નાટક શરૂ કર્યું હતું. અમેરિકાની નબળાઈ પારખી ગયેલા તાલિબાને કોઈ પણ જાતની સોદાબાજી કરવાને બદલે અફઘાનિસ્તાનમાંથી બિનશરતી દળો પાછાં ખેંચી લેવાનો આગ્રહ રાખ્યો હતો. અમેરિકા અને તાલિબાન વચ્ચેની મંત્રણામાં પાકિસ્તાને મધ્યસ્થી કરી હતી, કારણ કે તાલિબાનને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો સદ્ધર ટેકો છે તેની અમેરિકાને પણ ખબર હતી.

અમેરિકા દ્વારા દોહામાં તાલિબાન સાથે મંત્રણા યોજવામાં આવી તેમાં અફઘાન સરકારને પણ સામેલ કરવામાં આવી નહોતી. તેને કારણે સાબિત થઈ ગયું હતું કે અફઘાન સરકારનું કોઈ વજૂદ નથી. હવે તાલિબાન પોતાની તાકાત પર અફઘાનિસ્તાન પર કબજો જમાવી રહ્યું છે ત્યારે દોહા મંત્રણા ફારસ જેવી બની ગઈ છે. અફઘાન સરકારને જ્યારે લાગ્યું કે તે તાલિબાનની આગેકૂચને રોકી શકે તેમ નથી ત્યારે તેણે તાલિબાનને સત્તામાં વહેંચણી કરવાની છેલ્લા પાટલાની ઓફર કરી હતી. તાલિબાનને પોતાની તાકાત ઉપર એટલો વિશ્વાસ છે કે તેણે સરકારની તે ઓફર પણ ફગાવી દીધી હતી.

સમગ્ર અફઘાનિસ્તાન પર તાલિબાનનું શાસન સ્થપાઈ જાય તેવી સંભાવના મજબૂત બની છે ત્યારે ભારતની વિદેશ નીતિનો અફઘાનિસ્તાનમાં ધબડકો થયો છે. અમેરિકાએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારથી ભારત તેના મિત્રની ભૂમિકા અફઘાનિસ્તાનમાં ભજવી રહ્યું છે. અફઘાનિસ્તાન પર પોતાનો પ્રભાવ કાયમ રાખવા ભારતે ત્યાં અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. ભારતે અફઘાનિસ્તાનને ડેમ અને પાવર પ્લાન્ટ ભેટમાં આપ્યા છે. ભારતે તાલિબાનને કાયમ દુશ્મન માન્યું હતું અને તેની સાથે કોઈ વાટાઘાટ કરવાનો ઇનકાર કર્યો હતો. આ કારણે અફઘાનિસ્તાનમાં અમેરિકાનો ધબડકો થયો તે સાથે ભારતનો પણ ધબડકો થયો છે.

અમેરિકાએ તાલિબાન સાથેની દોહા મંત્રણામાં જેમ અફઘાન સરકારને બોલાવી નહોતી તેમ ભારતને પણ બોલાવ્યું નહોતું. ભારતને જ્યારે ખ્યાલ આવ્યો કે હવે તાલિબાનનું રાજ આવવાનું છે ત્યારે તેણે મોડે મોડે દોહામાં તાલિબાન સાથે મંત્રણાઓ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તાલિબાનને ભારતમાં બિલકુલ રસ નથી. તાલિબાનનું સૌથી મોટું મિત્ર પાકિસ્તાન છે અને પાકિસ્તાન થકી તે ચીન સાથે મંત્રણાઓ કરી રહ્યું છે. તાલિબાનને અફઘાનિસ્તાનનો વિકાસ કરવા માટે ભંડોળ કે ટેકનોલોજી જોઈતી હશે તો તે ચીન પૂરી પાડી શકે તેમ છે. જો તાલિબાન સત્તામાં આવશે તો ભારતને કાશ્મીરમાં મુસીબત પેદા થશે.        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top