Editorial

તાલિબાન સરકારની કોશ ટેપા નહેર પરિયોજનાએ સમગ્ર દુનિયાને અચંબામાં મૂકી દીધી

વર્ષોથી ઉત્તરી અફઘાનિસ્તાન વારંવાર દુકાળ અને ઘટી રહેલા જળસ્ત્રોત સામે ઝઝૂમી રહ્યું હતું. જો કે, તાલિબાન સરકારે તેનો સામનો કરવા માટે જે પગલું ભર્યું છે તેનાથી સમગ્ર દુનિયા અચંબિત થઇ ગઇ છે. આ સરકારે કોશ ટેપા નહેર પરિયોજનાની શરૂઆત કરી છે. એટલે કે અફઘાનિસ્તાન 285 કિલોમીટર લાંબી અને 100 મીટર પહોળી કૃત્રિમ નહેર બનાવી રહ્યું છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, આ નહેર બનાવવા માટે તેણે અન્ય કોઇ દેશ પાસેથી આર્થિક સહાય લીધી નથી એટલું જ નહીં કોઇપણ દેશના એન્જિનિયરોનો પણ ઉપયોગ કર્યો નથી.

આ નહેર બનાવવાનો સૌથી મોટો ફાયદો એ થશે કે 5.50 લાખ હેક્ટર રણભૂમિને સિંચાઇનું પાણી મળશે. બીજી એક મહત્વની વાત એ છે કે, આ નહેરનું 100 કિલોમીટર જેટલું કામ લગભગ પૂર્ણ થઇ ચૂક્યું છે. 6000 જેટલા શ્રમિકો તેમાં દિવસ રાત કામ કરી રહ્યાં છે અને ભારે ભરખમ મશીનરીનો પણ ઉપયોગ થઇ રહ્યો છે.  પાયમાલ થઇ ગયેલું અફઘાનિસ્તાન અત્યારે આ યોજના પાર પાડીને સમગ્ર દુનિયાને અચરજમાં મૂકી રહ્યું છે. અફઘાનિસ્તાનની આ નહેરમાં અમુ દરિયાના પાણીનો ઉપયોગ થશે. જો કે, તેના પડોશી દેશ તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન આ યોજનાથી તેમના દેશમાં જળસંકટ ઊભું થશે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે તો બીજી તરફ અફઘાનિસ્તાન આવી કોઇપણ શક્યતા
નકારી રહ્યું છે.  અફઘાનિસ્તાન એક લેન્ડ લોક કન્ટ્રી છે એટલે કે તેનો કોઇપણ છેડો દરિયાને મળતો નથી તેમ છતાં એકલા હાથે આટલી મોટી પરિયોજના પાર પાડવાનું તેનું લક્ષ્ય ખૂબ જ મોટું છે. અફઘાનિસ્તાન જેવો દેશ તેના જળસંકટને પહોંચી વળવા જે રસ્તો અપનાવી રહ્યું છે. તે જોતા તો એ ફલિત થાય છે કે, કાળા માથાનો માનવી ધારે તે કરી
શકે છે. બે વર્ષ પહેલાની તેની આર્થિક મજબૂતાઇની વાત કરીએ તો એશિયન પાડોશીઓ સાથે વધતા જતા વેપાર અને અબજો ડૉલરની આંતરરાષ્ટ્રીય મદદને કારણે ગત ત્રિમાસિક ગાળામાં અફઘાનિસ્તાનનું ચલણ અફઘાની બ્લૂમબર્ગની ગ્લોબલ રૅન્કિંગમાં પ્રથમ ક્રમાંકે રહ્યું હતું.ગરીબી અને ભૂખમરા સામે ઝઝૂમી રહેલા એક દેશમાં આવું થવું એ અતિશય આશ્ચર્યજનક વાત છે.15 ઑગસ્ટ, 2021ના રોજ તાલિબાનના લડવૈયા કોઈ પણ જાતના અવરોધ વિના કાબુલમાં પ્રવેશ્યા અને પશ્ચિમના દેશોના સમર્થનવાળી અશરફ ઘનીની સરકારનો તખતાપલટ કરી દીધો. તત્કાલીન રાષ્ટ્રપતિ અશરફ ઘનીને દેશ છોડીને ભાગવું પડેલું. અમેરિકા અને પશ્ચિમના દેશોને અફઘાનિસ્તાનમાંથી નીકળવાની ઉતાવળ હતી. હજારો અફઘાન દેશમાંથી ભાગી છૂટવાના ઇરાદે ઍરપૉર્ટ પર હતા.આખા દેશમાં અફરાતફરીનો માહોલ હતો, પરંતુ કાબુલ ઍરપૉર્ટ પર સાવ અરાજકતા જ જોવા મળી રહી હતી.આ બધા નાટકીય ઘટનાક્રમ બાદ, ધીમે ધીમે તાલિબાને દેશમાં પોતાની બીજી ઇનિંગ શરૂ કરી પરંતુ આંતરરાષ્ટ્રીય માન્યતા વગર દેશ ચલાવવાનું કામ સરળ નહોતું. તાલિબાનના સહયોગી કહેવાતા પાડોશીઓએ પણ અત્યાર સુધી અફઘાનિસ્તાનની નવી સરકારને માન્યતા નથી આપી. આ આંતરરાષ્ટ્રીય માન્યતા વિના સૌથી વધુ અસર અફઘાનિસ્તાનના અર્થતંત્ર પર પડી, કારણ કે અબાધ્ય આયાત-નિકાસ વિના સરકાર પાસે કમાણીના સ્રોત ઝાઝા નહોતા.હાલ અફઘાનિસ્તાન વિશ્વના સૌથી ગરીબ દેશો પૈકી એક છે. વર્લ્ડ બૅન્ક અનુસાર, અફઘાનિસ્તાન અશિક્ષણ, નોકરીની અછત અને જીવનજરૂરિયાતની મૂળભૂત સેવાઓની અછત સામે ઝઝૂમી રહ્યું છે.સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, 3.4 કરોડ અફઘાન ગરીબીમાં જીવી રહ્યા છે.  વર્ષ 2020માં આ આંકડો દોઢ કરોડ હતો. લગભગ ચાર કરોડની વસતીવાળા દેશમાં આ આંકડો અતિશય મોટો કહેવાય.આ તમામ નિરાશાઓ વચ્ચે અફઘાનિસ્તાનના ચલણ અફઘાનીની મજબૂતીના સમાચાર આશ્ચર્ય પમાડે તેવા છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર આ ત્રિમાસિક ગાળામાં અફઘાની વિશ્વનું સૌથી મજબૂત ચલણ સાબિત થયું છે.આજના ભાવ અનુસાર અફઘાનીની કિંમત 3.72 પાકિસ્તાની રૂપિયા છે. ગત ત્રણ માસમાં આ ચલણ નવ ટકા મજબૂત થયું છે. તેમજ એક ડૉલર માટે 79 અફઘાની આપવા પડી રહ્યા છે. નોંધનીય છે કે ભારતમાં ડૉલરનું મૂલ્ય 80 રૂપિયા છે. બે વર્ષ પહેલાં સત્તા હાંસલ કર્યા બાદ તાલિબાને અફઘાનીને મજબૂત કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. તેમાં દેશની અંદર ચુકવણી કરવા માટે ડૉલર અને પાકિસ્તાની રુપિયાની લેવડદેવડ બિલકુલ બંધ કરવાનું પગલુંય સામેલ છે. તાલિબાને ઓનલાઇન ટ્રેડિંગને ગેરકાયદેસર જાહેર કરી દીધો છે અને તેનું ઉલ્લંઘન કરનારાને જેલમાંય ધકેલ્યા છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર આવી રીતે ચલણ પર મજબૂત કન્ટ્રોલ, આંતરરાષ્ટ્રીય સહાયની રકમ અને અન્ય ચુકવણીના કારણે આ ત્રિમાસિક ગાળામાં અફઘાની નવ ટકા મજબૂત થયું છે. તાલિબાનની ચલણ પર કાબૂ કરવાની વ્યૂહરચના કામ કરી રહી છે, પરંતુ આર્થિક, સામાજિક અને રાજકીય અસ્થિરતા ચલણની આ મજબૂતીને માત્ર એક ટૂંકા ગાળાનો લાભ
બનાવી દેશે.

Most Popular

To Top