રોહિત શર્માએ જ્યારે 20 વર્ષની ઉંમરે 2007માં દક્ષિણ આફ્રિકામાં અડધી સદી ફટકારી હતી ત્યારે એ અંદાજો આવી ગયો હતો કે આ ખેલાડીમાં પ્રતિભાની કોઈ કમી નથી. તે વર્ષે T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની સરેરાશ ઉંમર 26 વર્ષની હતી અને તેણે વર્લ્ડકપ જીતીને તેનો અર્થ બદલી નાખ્યો હતો. 2007ના T20 વર્લ્ડકપ પહેલા, ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) આ ફોર્મેટને અપનાવવા માટે અનિચ્છા દર્શાવતું હતું, પરંતુ T20 વર્લ્ડકપ ટાઇટલએ ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતનો પાયો નાખ્યો. ટી-20 વર્લ્ડ કપની શરૂઆતના 15 વર્ષ બાદ ભારતીય ટીમ ફરી એકવાર રમતના સૌથી ટૂંકા ઇન્ટરનેશનલ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાના ઉદ્દેશ્ય સાથે ઓસ્ટ્રેલિયા પહોંચી છે. આ વખતે ટીમનું નેતૃત્વ રોહિત કરી રહ્યો છે અને આ ટીમની સરેરાશ ઉંમર 30 વર્ષથી વધુ છે. ચાલો જાણીએ ભારતીય ટીમના 15 ખેલાડીઓ વિશે
રોહિત શર્મા (કેપ્ટન) :
પાંચ ઈન્ડિયન પ્રીમિયર લીગ ટાઈટલ જીતનાર રોહિતે રાષ્ટ્રીય સ્તરે દ્વિપક્ષીય સીરિઝમાં ટીમને મોટી સફળતા અપાવી છે. તે ટોચના ક્રમમાં એક અસરકારક બેટ્સમેન રહ્યો છે અને કલાત્મક રીતે મોટા શોટ રમવામાં તેનો કોઈ જવાબ નથી. રોહિતની નબળાઇ હંમેશાથી ડાબોડી ઝડપી બોલર રહ્યા છે અને તેથી જ પાકિસ્તાન સામેની મેચ દરમિયાન તે શાહિન આફ્રિદીનો સામનો કેવી રીતે કરે છે તેના પર બધાની નજર રહેશે.
લોકેશ રાહુલ (વાઈસ કેપ્ટન) :
સમકાલીન સમયના સૌથી કલાત્મક ખેલાડીઓમાંના એક પરંતુ ભારતના ટોપ ઓર્ડરમાં સૌથી નબળી કડી.મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો ફેવરિટ લોકેશ રાહુલ ઘણી વખત તેની સ્ટ્રાઈક રેટથી સંઘર્ષ કરતો જોવા મળે છે. તેની પાસે આ રમતમાં તમામ શોટ છે પરંતુ નિર્ણાયક મેચોમાં તેનું બેટ મોટે ભાગે શાંત રહ્યું છે. એ જોવાનું રસપ્રદ રહેશે કે તે ભારતની શરૂઆતની મેચમાં પાકિસ્તાનના મુખ્ય ઝડપી બોલર શાહીન આફ્રિદીનો કેવી રીતે સામનો કરે છે.
વિરાટ કોહલી :
કોઈપણ હરીફ ટીમ માટે કોહલી સૌથી મોટો ખતરો બની રહેશે. તેના માટે સૌથી સારી વાત એ છે કે તે ફરીથી લયમાં આવી ગયો છે અને એશિયા કપ દરમિયાન તેના જૂના રંગમાં પાછો ફર્યો છે. તેની ઇનિંગના પ્રથમ આઠ-દસ બોલ બાદ તેમને રોકવો મુશ્કેલ બનશે. કોહલી ઓસ્ટ્રેલિયાની ઉછાળ લેતી વિકેટો પર રમવામાં સફળ રહ્યો છે. વિકેટ અનુસાર પોતાની બેટીંગને ઢાળવાની તેની આદત તેને અલગ બનાવે છે.
સૂર્યકુમાર યાદવ :
મેદાનના દરેક ક્ષેત્રમાં શોટ રમવાની ક્ષમતા તેને ખાસ બનાવે છે. ટી-20 ક્રિકેટમાં 176નો સ્ટ્રાઈક રેટ તેને આ ફોર્મેટમાં સૌથી ખતરનાક ખેલાડી બનાવે છે. તેણે 34 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં નવ અડધી સદી અને એક સદી ફટકારી છે. તેણે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની મજબૂત બોલિંગ સામે સરળતાથી રન બનાવ્યા છે અને તે વિશ્વ ક્રિકેટમાં એબી ડિ વિલિયર્સ પછી બીજો 360 ડિગ્રી બેટર ગણાય છે.
હાર્દિક પંડ્યા :
ટીમની બેટિંગ અને બોલિંગમાં મહત્વની કડી ગણાતો હાર્દિક એક એવો ઓલરાઉન્ડર છે જેની ભારતીય ટીમને હંમેશા જરૂર રહી છે. આક્રમક બેટિંગની સાથે સાથે મિડલ ઓવરોમાં કરસકસરયુક્ત ઝડપી બોલિંગ કરીને તેના પર કેટલીક વિકેટ લેવાની જવાબદારી પણ રહેશે. સાથે જ તે ટીમમાં ફિનિશર તરીકે પણ કામ કરશે. હાર્દિક ઘણીવાર અવિશ્વસનીય ફટકાઓ મારીને હરીફોને મૂંઝવણમાં મૂકી શકે છે.
ઋષભ પંત :
આ વિકેટ કીપર બેટ્સમેનનો 62 મેચમાં 127નો સ્ટ્રાઈક રેટ તેની પ્રતિભા સાથે ન્યાય કરી શકતો નથી. આક્રમક બનીને રમવું કે થોડી કાળજી રાખીને રમવા વચ્ચેની મૂંઝવણનું નુકસાન તેણે સહન કરવું પડે છે. પંત એવો ખેલાડી છે કે જે દિવસ તેનો હોય તે દિવસે તે કોઇપણ બોલિંગ આક્રમણને ભારે પડે છે, જો કે તેણે પોતાની નબળાઇઓ સુધારી લેવાની જરૂર છે.
દિનેશ કાર્તિક :
ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમનાર કાર્તિક પ્રતિભાના મામલામાં પંત કરતા ઘણો પાછળ છે પરંતુ ફિનિશરની તેની ઉત્તમ ભૂમિકાને કારણે તે આ ટીમનો મહત્વનો સભ્ય છે. છેલ્લા કેટલાક સમયથી તેણે પોતાની બેટીંગ સ્ટાઇલ એવી કરી નાંખી છે કે અંતિમ ઓવરોમાં તે વિસ્ફોટક બની જાય છે.
રવિચંદ્રન અશ્વિન :
રમતમાં નવા રસ્તાઓ શોધવા માટે જાણીતો અશ્વિન આ ફોર્મેટમાં ઘણી વખત ટીમની અંદર અને બહાર રહ્યો છે. ડાબા હાથના બેટ્સમેનો સામે તેના શાનદાર રેકોર્ડને કારણે તે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો સામે સારો વિકલ્પ હશે. અશ્વિન એવો બોલર છે કે જે હંમેશા હરીફોની વિચારસરણી પર આક્રમણ કરે છે.
અક્ષર પટેલ :
રવીન્દ્ર જાડેજાના સ્થાને આવેલા અક્ષરે તાજેતરના સમયમાં શાનદાર બોલિંગ કરી છે પરંતુ બેટિંગ અને ફિલ્ડિંગની બાબતમાં તે જાડેજા જેટલો સારો નથી. જો કે વેસ્ટઇન઼્ડિઝ પ્રવાસમાં તેણે આક્રમક ઇનિંગ રમીને ટીમને જીતાડી હતી, અક્ષર ઘણીવાર લોકોને આશ્ચર્યના ઝાટકા આપે તેવી બેટીંગ અને બોલિંગ કરી શકે છે.
યુઝવેન્દ્ર ચહલ :
ચહલની બોલિંગ છેલ્લા એક વર્ષમાં સાતત્યપૂર્ણ રહી નથી. ખરાબ ફોર્મને કારણે તેને છેલ્લા ટી-20 વર્લ્ડકપની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો પરંતુ એકવાર તેણે રિધમ પાછી મેળવી લીધી છે. રિસ્ટ સ્પીનરોએ ઓસ્ટ્રેલિયાના મોટા મેદાનો પર સારો દેખાવ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના મોટા મેદાનો પર તેના જેવા બોલરો કમાલ કરી શકે છે.
ભુવનેશ્વર કુમાર :
એમાં કોઈ શંકા નથી કે ભુવનેશ્વર કુમારે પોતાનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમ્યું છે. છેલ્લી ઓવરોમાં તેની બોલિંગ છેલ્લી કેટલીક મેચોમાં નબળી રહી છે પરંતુ અનુભવની દૃષ્ટિએ તે ભારતના અન્ય ઝડપી બોલરો કરતા આગળ છે. ભુવનેશ્વર લાંબા સમયથી પોતાની ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ તરીકેની ઓળખ ગુમાવી બેઠો છે ત્યારે ઓસ્ટ્રેલિયાની બાઉન્સી વિકેટ પર તે શું કમાલ કરશે તે જોવાનું રહેશે.
મહંમદ શમી :
જસપ્રીત બુમરાહની ઈજા બાદ સ્ટેન્ડ બાય ખેલાડીમાંથી મુખ્ય ટીમમાં આવેલા શમીએ છેલ્લા ટી-20 વર્લ્ડકપથી આ ફોર્મેટની કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી પરંતુ IPLમાં ગુજરાત ટાઇટન્સના સારા પ્રદર્શનથી તે પુનરાગમન કરવામાં સફળ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ઉછાળ લેતી વિકેટો પર જો તે પોતાની ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરશે તો તે સૌથી ઘાતક બોલર બની રહેશે.
અર્શદીપ સિંહ :
ઇન્ટરનેશનલ લેવલે રમવાનો ઓછો અનુભવ ધરાવતો હોવા છતાં અર્શદીપે ભારત વતી કેટલીક મેચોમાં પ્રભાવક બોલિંગ કરી છે. આઇપીએલમાં પ્રભાવશાળી રહ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મર્યાદિત પ્રસંગોએ પોતાને સાબિત કરવામાં સફળ રહ્યો છે. ડાબા હાથનો ઝડપી બોલર હોવાના કારણે તે ટીમને વૈવિઘ્ય પ્રદાન કરે છે.
હર્ષલ પટેલ :
વર્તમાન ભારતીય ટીમમાં કૌશલ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ ઝડપી બોલર છે પરંતુ સારું પ્રદર્શન કરવા માટે પીચની મદદ પર આધાર રાખે છે. હર્ષલ બેટથી મોટા શોટ રમવાની ક્ષમતા ધરાવે છે. હર્ષલ ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ તરીકે આઇપીએલમાં પ્રભાવક પુરવાર થયો છે. જો કે ઇન્ટરનેશનલ લેવલે તેણે પોતાને સાબિત કરવાનું હજુ બાકી છે. ઓસ્ટ્રેલિયાની પીચો પર તે શું કમાલ કરશે તેના પર બધાની નજર છે.
દીપક હુડા :
હુડાએ મર્યાદિત તકોમાં પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની જાતને સાબિત કરી છે. ટોપ ઓર્ડર બેટ્સમેન હોવાના કારણે ઇલેવનમાં જગ્યા બનાવવી મુશ્કેલ હશે પરંતુ તે ઝડપી બેટિંગની સાથે ઓફ સ્પીન બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. હુડાની કમનસીબી એ છે કે તેને વિશુદ્ધ બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન મળે તેવી સંભાવના ઓછી છે. વળી રોહિત તેની પાસે બોલિંગ કરાવતો ન હોવાથી તેને ટીમમાં સ્થાન મળવું લગભગ મુશ્કેલ છે.