ખેડા: ખેડા તાલુકાના ડામરી ગામની સરકારી પ્રા.શાળામાં બે વર્ગખંડ પૈકી એક વર્ગખંડના પતરાં ઉડી ગયાં છે અને બીજા વર્ગખંડમાં વરસાદી પાણી ટપકી રહ્યું છે. આ તમામ પરિસ્થિતીઓને કારણે વિદ્યાર્થીઓ યોગ્ય રીતે શિક્ષણકાર્ય લઈ શકતાં ન હોવાથી ગામના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. ત્યારે, તંત્ર દ્વારા વહેલીતકે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.
ગરીબમાં ગરીબ બાળક સારૂ પ્રાથમિક શિક્ષણ મેળવી, ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે હેતુસર સરકાર દ્વારા ગામેગામ સરકારી શાળાઓ બનાવવામાં આવી છે. પરંતુ, જાળવણીના અભાવે મોટાભાગની સરકારી શાળાઓ જર્જરિત હાલતમાં ફેરવાઈ છે. આવી શાળાઓ ગમેત્યારે કકડભુસ થાય તેવી દહેશત હોય છે. તેમછતાં તંત્ર દ્વારા આવી શાળાઓનું સમારકામ અથવા તો નવિનીકરણ કરવામાં આવતું નથી. જેને પગલે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતાં ખચકાટ અનુભવી રહ્યાં છે. પરંતુ, બાળક શાળાએ નહીં જાય તો તેનું ભવિષ્ય બગડશે તેમ માની વાલીઓ નાછુટકે પોતાના બાળકોને શાળાએ મોકલી રહ્યાં છે.
બાળક શાળાએથી છુટીને ઘરે પરત ન આવે ત્યાં સુધી વાલીઓમાં સતત ડર જોવા મળે છે. આવી જ સ્થિતી ખેડા તાલુકાના ડામરી ગામની પ્રાથમિક શાળામાં જોવા મળી રહી છે. આ શાળામાં ધોરણ 1 થી 5 માં કુલ 45 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં બે ના મહેકમ સામે માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. શાળાના બે મકાન પૈકી એક જૂનાં મકાનમાં બે રૂમ છે. બે મહિના અગાઉ આવેલાં વાવાઝોડામાં આ રૂમના પતરાં ઉડી ગયાં હતાં. આ બાબતે શાળાના આચાર્ય દ્વારા તાલુકા કક્ષાએ જાણ પણ કરવામાં આવી છે. પરંતુ, તંત્ર દ્વારા આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી ન હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય સતત બગડી રહ્યું હતું. બીજી તરફ એક પાકું બાંધકામ કરેલું પણ મકાન છે. પરંતુ, તેમાં પણ ધાબા પરથી અંદર રૂમમાં પાણી પડે છે. જેથી કરીને તે રૂમમાં પણ બેસી શકાતું નથી. તંત્ર દ્વારા આ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લઈને બાળકોના ભવિષ્યની ચિંતા કરે તેવી શાળાના આચાર્ય, વાલીઓ, વિદ્યાર્થીઓ સહિત સમગ્ર ગ્રામજનો માંગણી છે.
વાલીઓએ એક રૂમમાં પતરાં બેસાડી આપ્યાં પરંતુ મકોડાના ઉપદ્રવ વધ્યો
શાળાના આચાર્ય દ્વારા વાલી મીટીંગ બોલાવી બાળકોને ભણવા ક્યાં બેસાડીશું ? તે અંગે ચર્ચા કરી હતી. જેમાં વાલીઓ દ્વારા જાતે એક રૂમના પતરાં બેસાડીને એક રૂમમા બેસવા માટેની વ્યવસ્થા કરી હતી. આ રૂમમાં બાળકોનું શિક્ષણકાર્ય શરૂ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ, હાલ ચોમાસાના કારણે જે રૂમમાં બાળકો અભ્યાસ કરે છે, તેમાં પણ મંકોડા ખુબ મોટા પ્રમાણમા આવી રહ્યાં છે. જેથી બાળકો અભ્યાસ માટે આવતા ડર લાગે છે.જેથી કરીને હવે બાળકોને કયા બેસાડીને અભ્યાસ કરાવવો તે પ્રશ્ન ઉદભવ્યો છે.